દેશમાં 87 ટકા લોકોએ પ્રથમ ડોઝ અને 57 ટકા લોકોએ બંને ડોઝ લીધા છે
વાયરસ અને તેના નવા વેરિયન્ટ પર ભારતના વૈજ્ઞાનિક નજર રાખી રહ્યા છે: કોરોના ક્રાઈસીસ સામે સરકાર સતર્કતાથી વર્તે છે: મનસુખ માંડવીયા
ગાંધીનગર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2022 અંતર્ગત હોલિસ્ટિક હેલ્થકેર ફોક્સ ઓન ફાર્માસ્યૂટિકલ અને મેડિકલ ડિવાઈસની પ્રિ-ઈવેન્ટ સમિટ પંડિત દિનદયાલ યુનિવર્સિટી ખાતે યોજાઈ હતી. જેનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા ઉદ્ધાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ ગુજરાતને 94 ટકા લોકોને વેક્સીનના ડોઝ આપવા બદલ અભિનંદન આપ્યા હતા.
કાર્યક્રમમાં આવેલા કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ કોરોના વેક્સીન અંગે જણાવ્યું હતું કે, કોઈ પણ વેક્સીન તેનો ઉપયોગ બાળકો માટે હોય એડલ્ટ માટે હોય કે પછી વૃદ્ધો માટે હોય, તે વૈજ્ઞાનિકોના અભિપ્રાયના આધારે નિર્ણય કરાયો છે. કોરોના સામે લડવાનુ મહત્વનુ હથિયાર વેક્સીન છે. ગુજરાતને અભિનંદન પાઠવુ છુ કે, ગુજરાતમાં 94 ટકાથી વધુ લોકોને પહેલો ડોઝ આપી દેવાયો છે. જે કોરોના મહામારી સામે નાગરિકોને રક્ષણ પૂરુ પાડવા મહત્વની ભૂમિકા ભજવે છે. તેવી રીતે સમગ્ર દેશમાં 87 ટકા લોકોને પ્રથમ અને 57 ટકા લોકોને બંને ડોઝ અપાયા છે. આ સાથે કુલ 137 કરોડ ડોઝ સમગ્ર દેશમાં લગાવાયા છે. જે ભારતની મોટી મિશાલ અને મિશન છે.
ઓમિક્રોન વેરિયેન્ટ વિશે જણાવ્યું કે, વાયરસ અને તેના વેરિયન્ટ પર ભારતના વૈજ્ઞાનિક નજર રાખી રહ્યા છે. કોરોના ક્રાઈસીસ સામે સરકાર સતર્કતાથી વર્તે છે. દરરોજ એક્સપર્ટ લોકો સાથે બેઠક થાય છે. વિદેશથી આવતા લોકોના ટેસ્ટ અને ચકાસણી થાય છે. દરેક જગ્યાઓ પર પૂરતી માત્રામાં દવાઓ રહે તેવી સૂચના આપી છે. વેકસીનેશન વધુ તેજ બને તે અમારો પ્રયાસ રહેશે. આ ઉપરાંત વધુમાં કહ્યું કે, ફાર્મા સેક્ટર રાજ્ય અને દેશ માટે મહત્વનુ છે. અમેરીકા વપરાતી જેનરીક દવાઓ 40% ભારતની છે. આ પ્રસંગે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથાર હાજર રહ્યાં. આ સમિટમાં પ્રોડકશન લીંકડ ઈન્સેન્ટિવ યોજનાના વિવિધ પાસા પર ચર્ચા કરાઈ હતી.