- સમર્થનમાં સ્વયંભુ બંધ પાળવા બદલ ગોંડલની પ્રજાનો આભાર માનતા જયરાજસિંહ જાડેજા
સમસ્ત મેઘવાળ સમાજ દ્વારા જૂનાગઢથી ગોંડલ પ્રતિકાર બાઈક રેલીના આયોજનને લઈ બહોળી સંખ્યામાં મેઘવાળ સમાજના લોકો ગોંડલ આવી પહોંચ્યા હતા અને ખટારા સ્ટેન્ડ ખાતે જાહેરસભા યોજાઈ હતી. ખટારા સ્ટેન્ડ ખાતે યોજાયેલ જાહેરસભામાં ગોંડલ, રાજકોટ, જૂનાગઢ ઉપરાંત સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી બહોળી સંખ્યામાં દલિત સમાજના આગેવાનો અને લોકો ઊમટી પડ્યા હતા.
મુખ્ય સ્ટેજ પરથી જિલ્લા અનુ.જાતિ મહામંત્રી દેવદાનભાઈ મુછડિયા દ્વારા ગોંડલ એપીએમસીના ચેરમેન અલ્પેશ ઢોલરિયાની ઓડિયો ક્લિપ બહાર પાડવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે, પાટીદાર આગેવાન દ્વારા પાટીદાર યુવાનને ધમકાવવાનો આ પુરાવો છે. બાદમાં ક્રમશ: મેઘવાળ સમાજના આગેવાન ભનુભાઈ ચૌહાણ, વશરામભાઈ સાગઠિયા, નિખિલભાઈ ચૌહાણ, નવચેતનભાઇ સોલંકી, અશોકભાઈ સિંધવ, જયંતીભાઈ રાઠોડ, વસંતભાઈ ચાવડા, અશોકભાઈ લીલાધર, યોગેશભાઈ ભાષા અને મનસુખભાઈ રાઠોડ રામોદ અને રાજુભાઈ સોલંકી સહિતનાઓ દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું.
એક તરફ દલિત સમાજ દ્વારા જૂનાગઢથી બાઇક કરેલી યોજના ગોંડલમાં દબદબાભેર સભા સંબોધવામાં આવી હતી તેની સામે અગાઉથી જાહેરાત કરાયા મુજબ ગોંડલ માર્કેટિંગ યાર્ડ, નાની મોટી બજાર, જેલ ચોક, કડિયાલાઈન સહિતના વિસ્તારોમાં ધંધા-રોજગારો સ્વયંભૂ બંધ રહ્યા હતા. દલિત સમાજના આગેવાનોએ જિલ્લા પોલીસવડાને સંબોધીને કહ્યું હતું કે, આ કેસમાં હજુ અમારી વધુ ચાર માંગ છે જેમાં મૂળ એફઆઈઆરમાં ઉમેરો કરવો, ગુનાહિત કાવતરામાં 120 બીની કલમ ઉમેરવી, સ્પેશિયલ પી.પી.ની નિમણૂક કરવી તેમજ આ કેસ ફાસ્ટ ટ્રેકમાં લઇ છ મહિના કે વર્ષ દી’માં ચલાવી દેવા માગણી કરી હતી. વધુમાં દલિત સમાજ વિરુદ્ધ વીડિયો ક્લિપમાં બોલનાર સિદ્ધરાજસિંહ ઝાલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ બાદ પોલીસ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા ન હોય તે તુરંત લેવા માંગ કરવામાં આવી હતી.
ગોંડલમાં દલિત સંમેલન બાદ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, જુનાગઢમાં બનેલી ઘટના આકસ્મિક હતી. પૂર્વયોજિત નહોતી. હું જૂનાગઢના એ પરિવારને ઓળખતો પણ નથી. કે મારે તેઓ સાથે કોઈ વાંધો પણ નથી. તેમ છતાં કોઇને મારા કે પરિવારથી તકલીફ હોય તો મને કોઈ વાંધો નથી. તેમણે કહ્યું કે, અમારા તરફથી બંધનું એલાન અપાયું નહોતું તેમ છતાં ગોંડલ તથા ગામડાંઓ અને માર્કેટ યાર્ડ દ્વારા અમને સમર્થન આપ્યું તે બદલ હું તેમનો આભારી છું.
ખાસ કરી ગોંડલના દલિત સમાજનો આભાર માની જયરાજસિંહ જાડેજાએ કહ્યું કે, દલિત સમાજના આગેવાનો મારાં સંપર્કમાં હતા. અને મને ખુલ્લું સમર્થન જાહેર કર્યું હતું. મારા જાણવા મુજબ આગેવાનો રેલીમાં પણ જોડાયા નથી. સંમેલનમાં જયરાજસિંહ વિશે કરાયેલી ટિપ્પણીઓ અંગે જયરાજસિંહે કહ્યું કે, રેલી કે સભામાં મારા વિશે કોઈ બોલે તો મને નથી લાગતું કે મારે જવાબ આપવો જોઈએ તેના લેવલમાં અને મારાં લેવલમાં ઘણો ફર્ક છે. સોશિયલ મીડિયામાં ગણેશ અને જયરાજસિંહ વિશે ચાલી રહેલી ચર્ચાઓ અંગે તેમણે કહ્યું કે, ચાલી રહેલા ભ્રામક અપપ્રચારનો જવાબ ગોંડલની જનતા આપશે. અમદાવાદ કે કોઈ અન્ય જગ્યાનું મીડિયા ગોંડલ વિશે સર્ટિફિકેટ આપે તે યોગ્ય નથી.