ગોવામાં ગમે ત્યારે રાજકીય ખેલ પડી જવાના એંધાણ: કોંગ્રેસના ધારાસભ્યોના ભગવાકરણનો તખ્તો તૈયાર!!
મહારાષ્ટ્ર બાદ હવે પડોશી રાજ્ય ગોવામાં પણ રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગોવામાં કોંગ્રેસ ફરી એકવાર પતનના આરે છે. કહેવામાં આવી રહ્યું છે કે રાજ્યમાં કોંગ્રેસના 11 માંથી 10 ધારાસભ્યો સત્તાધારી પાર્ટી એટલે કે ભાજપમાં જોડાઈ શકે છે. જે રીતે પડોશી રાજ્ય મહારાષ્ટ્રના ભાજપે ખેલ પાડી દીધો છે તેવી જ રીતે હવે ગોવામાં પણ ખેલ પડી જાય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. હાલ ગોવામાં ભાજપ પાસે 20 ધારાસભ્યો છે જ્યારે ત્રણ અપક્ષ ધારાસભ્યોના ટેકાથી ગોવામાં ભાજપની સરકાર છે પરંતુ જો હવે કોંગ્રેસના ધારાસભ્યો આટલી મોટી સંખ્યામાં ભાજપમાં જોડાય તો તેની સીધી જ અસર લોકસભાની ચુંટણીમાં દેખાશે. બીજી બાજુ ગોવામાં કોંગ્રેસ હાંસિયામાં ધકેલાઈ જશે.
ગોવામાં હાલમાં કોંગ્રેસના 11 ધારાસભ્યો છે. જો અહેવાલોનું માનીએ તો આમાંથી 10 હવે ભાજપમાં જોડાઈ શકે છે. જો આમ થશે તો પાર્ટીનું તૂટવાનું લગભગ નક્કી છે. કારણ કે પક્ષ બદલનારા આટલા ધારાસભ્યો સામે કોઈ કાર્યવાહી થઈ શકે નહીં. કારણ કે એક રાજકીય પક્ષને અન્ય રાજકીય પક્ષ સાથે વિલીનીકરણ કરવાની છૂટ છે.
સ્થિતિ એવી છે કે કોંગ્રેસના ઓછામાં ઓછા બે તૃતીયાંશ જનપ્રતિનિધિઓ વિલીનીકરણની તરફેણમાં છે. આવી સ્થિતિમાં પક્ષપલટા વિરોધી કાયદો જનપ્રતિનિધિઓ અને રાજકીય પક્ષોને લાગુ પડશે નહીં. આવી સ્થિતિમાં કોંગ્રેસ ઇચ્છે તો પણ છોડનારા ધારાસભ્યો સામે કાર્યવાહી કરી શકશે નહીં.
સૌથી મોટી વાત એ છે કે આ વર્ષે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. ભાજપે 40 માંથી 20 બેઠકો જીતી અને ત્રણ અપક્ષ ધારાસભ્યોની મદદથી સરકાર બનાવી. ચૂંટણી પહેલા પક્ષપલટાના ડરથી, કોંગ્રેસે પક્ષના ઉમેદવારોને ભગવાન સમક્ષ શપથ લેવડાવ્યા હતા કે તેઓ ચૂંટાયા પછી પક્ષ બદલશે નહીં. જો કે, કોંગ્રેસે તેના ધારાસભ્ય ભાજપમાં જોડાવાના અહેવાલોને નકારી કાઢ્યા છે. બીજી બાજુ કોંગ્રેસ નેતા દિનેશ ગુંડુ રાવ પક્ષપલટા રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ તેના પ્રયાસો સફળ થતા જણાતા નથી.
સૂત્રોનું માનીએ તો ગોવાના પૂર્વ સીએમ દિગંબર કામત અને વિપક્ષના નેતા માઈકલ લોબો ભાજપમાં જોડાઈ શકે છે. કોંગ્રેસના ધારાસભ્યએ નામ ન આપવાની શરતે એક મીડિયા એજન્સીને જણાવ્યું હતું કે, ’અમે ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકીએ છીએ અને અમે ભાજપના કેન્દ્રીય નેતૃત્વના કોલની રાહ જોઈ રહ્યા છીએ. કોઈ ચોક્કસ પદ અથવા કેબિનેટ બર્થ માટે કોઈ વચન આપવામાં આવ્યું નથી.’
પૂર્વ સીએમ કામત પણ ભાજપમાં જોડાઈ જશે?!!
જે રીતે અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે તે મુજબ ગોવાના પૂર્વ સીએમ દિગંબર કામત અને વિપક્ષના નેતા માઈકલ લોબો ભાજપમાં જોડાઈ શકે છે.
કોંગ્રેસના ધારાસભ્યએ નામ ન આપવાની શરતે એક મીડિયા એજન્સીને જણાવ્યું હતું કે, ’અમે ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકીએ છીએ અને અમે ભાજપના કેન્દ્રીય નેતૃત્વના કોલની રાહ જોઈ રહ્યા છીએ. કોઈ ચોક્કસ પદ અથવા કેબિનેટ બર્થ માટે કોઈ વચન આપવામાં આવ્યું નથી.’
ગોવામાં કોંગ્રેસ હાંસિયામાં ધકેલાઈ જશે?: લોકસભાની ચૂંટણીમાં પડશે મોટી અસર
જે રીતે હાલ અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે તે મુજબ 11 ધારાસભ્યોનું સંખ્યાબળ ધરાવતી કોંગ્રેસના 10 જેટલા ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે અને તેઓ ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે ત્યારે જો આવું થાય તો ભાજપનું સંખ્યાબળ સીધું જ 30 થઈ જશે અને અન્ય 3 અપક્ષ ધારાસભ્યોને ગણતરીમાં લેવામાં આવે તો ગોવાની 40 બેઠક પૈકી 33 માં ભાજપનું કમળ ખીલી જશે જ્યારે બીજી બાજુ કોંગ્રેસ હાંસિયામાં ધકેલાઈ જશે જેની સીધી અસર લોકસભાની ચૂંટણીમાં દેખાશે તેવી પ્રબળ શક્યતાઓ છે.