સોરઠમાં અનરાધાર વરસાદથી જળબંબાકાર જેવી પરિસ્થિતિ: અનેક ગામો બેટમાં ફેરવાયા: જનજીવન અસ્ત-વ્યસ્ત: રાહત અને બચાવ કામગીરી માટે તંત્ર જોતરાયું
ગુજરાતમાં આગામી ૪૮ કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે ગીર-સોમનાથ અને જુનાગઢ જિલ્લામાં બારે મેઘ ખાંગા થયા હોય તેમ ગીર-ગઢડામાં ૪ કલાકમાં અનરાધાર ૧૩ ઈંચ અને ઉનામાં ૧૦ ઈંચ જેટલો વરસાદ વરસી જતા જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ સર્જાઈ ગયું છે. અનેક ગામોમાં બેટમાં ફેરવાઈ ગયા છે. જનજીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે. તંત્ર રાહત અને બચાવ કામગીરીમાં જોતરાયું છે.
આ લખાય રહ્યું છે ત્યારે પણ સોરઠમાં સાંબેલાધારે વરસાદ વરસી રહ્યો છે.રાજયમાં ચોમાસું સક્રિય થવાના કારણે છેલ્લા એક સપ્તાહથી અવિરત વરસાદ વરસી રહ્યોછે.
આજે સવારથી બપોર સુધીનો ૧૧૬ તાલુકાઓમાં વરસાદ પડયો હતો. બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ગીર-સોમનાથ જિલ્લાના ગીરગઢડામાં ૧૩ ઈંચ, ઉનામાં ૧૦ ઈંચ, અમરેલીના જાફરાબાદમાં ૪ ઈંચ, રાજુલામાં ૩॥ ઈંચ, ભાવનગરના મહુવામાં ૩ ઈંચ, અમરેલીના ખાંભામાં ૩ ઈંચ, ઘોઘામાં દોઢ ઈંચ, ભાવનગરમાં સવા ઈંચ, તાલાલામાં સવા ઈંચ, તળાજામાં સવા ઈંચ, વિસાવદરમાં ૧ ઈંચ, કોડીનારમાં ૧ ઈંચ, સાવરકુંડલામાં ૧ ઈંચ, ધારીમાં ૧ ઈંચ, કેશોદ અને જેસરમાં પોણો ઈંચ, સિંહોર, લાઠી, ચોટીલા, બગસરા, અમરેલીમાં ૧-૧ ઈંચ વરસાદ પડયો હોવાનું જાણવા મળી રહ્યું છે.