રિસોર્ટના માલિકો, આગેવાનો, ખેડૂતો અને સંસ્થાઓ સાથે બેઠક યોજી, રજૂઆતો પ્રત્યે હકારાત્મક વલણ દાખવ્યુ
સાસણગીરની મુલાકાતે આવેલા કેન્દ્રીય વનમંત્રી ભુપેન્દ્ર યાદવે સ્થાનિકો સાથે મુલાકાત કરી હતી. જેમાં તેઓએ રિસોર્ટના માલિકો, આગેવાનો, ખેડૂતો અને સંસ્થાઓ સાથે બેઠક યોજી રજૂઆતો પ્રત્યે હકારાત્મક વલણ દાખવ્યું હતું.
આ અંગે મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે હાલ 75માં આઝાદીક અમૃત મહોત્સવ હેઠળ કેન્દ્રીય લાયન પ્રોજેક્ટ અંતર્ગત કેન્દ્રીય વન મંત્રી ભુપેન્દ્ર યાદવે દોઢ દિવસ સાસણ ગીરમાં રોકાણ કરી 8 કલાક ફોરેસ્ટની વિઝીટ કરી હતી. આ ઉપરાંત તેઓએ સ્થાનિકો સાથે બેઠક યોજી હતી. જેમાં સ્થાનિક આગેવાનો, ખેડૂતો, સાસણ ગીર હોટેલ-રિસોર્ટ એસોસિએશનના હોદેદારો અને એનજીઓના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન આવનારા દિવસોના પ્રશ્નો અને સ્થાનિક પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
આ બેઠકમાં લાઈન મેનેજમેન્ટ, રિસોર્ટ મેનેજમેન્ટ અને 25 વર્ષ સુધીના આયોજન અંગે ચર્ચા થઈ હતી. વધુમાં કેન્દ્રીય મંત્રીએ જંગલની ભૌગોલિક પરિસ્થિતિ જાણી સિંહ ઉપરાંત અન્ય વન્ય જીવોની પરિસ્થિતિ અંગે પણ વિગતો મેળવી હતી. આ બેઠક દરમિયાન માલધારી માટે ઇ-સ્કૂલની વ્યવસ્થા કરવા રૂ. 18 લાખના ચેકને અર્પણ કરવામાં આવ્યો હતો.
વધુમાં મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે સરકાર સાસણ ગીરમાં સિંહના સંવર્ધન અને સંરક્ષણ માટે સતત પ્રયત્નશીલ છે. 2002 પહેલાના ગીર અને આજના ગીરમાં ઘણો તફાવત છે. સરકારે સાસણ ગીર માટે અનેક વિકાસલક્ષી નિર્ણયો લીધેલા છે. દેશના કેન્દ્રીય વન મંત્રી સાસણ ગીર પધાર્યા અને તેઓએ રસ લઈને અહીંના પ્રશ્નો જાણ્યા અને તેના પ્રત્યે હકારાત્મક અભિગમ દાખવ્યો તે એક ઐતિહાસિક ઘટના છે.
ઉલ્લેખનીય છે કે સાસણગીરની આ મુલાકાતમાં કેન્દ્રીય વન મંત્રી ભુપેન્દ્ર યાદવ સાથે વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ, છાપકામ અને સ્ટેશનરીના કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા, સહકાર કુટીર ઉઘોગ, મીઠા ઉઘોગ, પ્રોટોકોલ (સ્વતંત્ર હવાલો) ઉઘોગ, વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ, પ્રીન્ટીંગ અને સ્ટેશનરી (રાજયકક્ષા)ના મંત્રી જગદિશ વિશ્વકર્મા, ડાયરેકટર જનરલ ઓફ ફોરેસ્ટ એન્ડ સ્પેશીયલ સેક્રેટરી, ગવર્મેન્ટ ઓફ ઈન્ડીયા ચંદ્રપ્રકાશ ગોયલ, અગ્ર મુખ્ય વન સંરક્ષક, અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગુજરાત રાજય એમ.એમ.શર્મા, એડીશનલ ડાયરેકટર જનરલ એસ.પી.યાદવ, અગ્ર મુખ્ય વન સંરક્ષક, ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન, ગુજરાત શ્યામલ ટીકાદાર, મેમ્બર સેક્રેટરી, સેન્ટ્રલ ઝુ ઓર્થોરેટી, ન્યું દીલ્હી સંજય કુમાર શુક્લા, અગ્ર મુખ્ય વન સંરક્ષક અને મેનેજીંગ ડાયરેકટર, ગુજરાત રાજય વન વિકાસ નીગમ, વડોદરા એસ.કે.ચર્તુવેદી, અઘિક અગ્ર મુખ્ય વન સંરક્ષક, નાણાકીય વ્યવસ્થાપન અને આયોજન, ગાંઘીનગર નીત્યાનંદ શ્રીવાસ્તવ, અઘિક અગ્ર મુખ્ય વન સંરક્ષક, ગાંઘીનગર એન.એસ. યાદવ, ડી.આઈ.જી. રીજયોનલ ઓફિસ શ્રવણ કુમાર શર્મા,ડી.આઈ.જી. વાઈલ્ડ લાઈફ રાકેશ કુમાર જગેનીયા સહિતના જોડાયા હતા.
સરકારે જડ નિયમો દૂર કરી સાસણ ગીરના વિકાસમાં નવા રંગ પૂર્યા છે : ગિરીશ કોટેચા
જૂનાગઢના ડે. મેયર ગીરીશભાઈ કોટેચાએ જણાવ્યું કે સરકારે જડ નિયમો દૂર કરી સાસણ ગીરના વિકાસમાં નવા રંગ પૂર્યા છે. આજે કેન્દ્રીય મંત્રી ઉપરાંત રાજ્યના મંત્રીઓએ સાસણ ગીર પધારી સ્થાનિકોની ઉપાધિ જાણી છે. અને તેના પ્રત્યે હકારાત્મક અભિગમ દાખવ્યો છે. સરકાર દ્વારા અત્યારે સિંહોના રક્ષણ ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. જેને પગલે સિંહોની સંખ્યા 350થી વધીને બે ગણી જેટલી થઈ છે. સિંહોની વસ્તી વધી રહી છે. એટલે વિસ્તાર પણ વધી રહ્યો છે. મારણ ન મળતા સિંહો દૂરના વિસ્તારોમાં જાય છે.
સફારીના સ્લોટ ત્રણના બદલે બે અથવા એક કરવામાં આવે : મુકેશભાઈ મહેતા
સાસણ ગીર હોટેલ-રિસોર્ટ એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ મહેતાએ જણાવ્યું કે અહીં ઓફ સીઝનમાં બેરોજગારી વધી જાય છે. ચાર મહિનાની બદલે માત્ર 3 મહિના જ સાસણ બંધ રાખવામાં આવે તેવી માંગ છે. વધુમાં બફર ઝોનમાં રૂટ નક્કી કરવામાં આવે. 3ની જગ્યાએ 2 સ્લોટ કરવામાં આવે. સફારી આખું વર્ષ ચાલે તેવું આયોજન કરવામાં આવે તો ઘણો ફાયદો થઈ શકે. ટ્રેન સફારી પણ ચાલુ કરવામાં આવે. સાસણની આજુબાજુ જૂનાગઢ અને સોમનાથના ડેવલપમેન્ટ ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવે તેવી પણ માંગ છે.
સરકાર સાસણનો વિશ્ર્વભરમાં પ્રચાર કરે તેવી અપેક્ષા : બલવંતભાઈ ધામી
સાસણ ગીર હોટેલ-રિસોર્ટ એસોસિએશનના કારોબારી ચેરમેન બલવંતભાઈ ધામીએ જણાવ્યું કે સાસણ ગીરનું મહત્વ અનેરું છે. વધારે ટુરિઝમ વિકાસ પામે તે માટે સરકારે સતત મહેનત કરે છે. સરકાર આજે ખુદ સાસણના દ્રારે આવી છે. ત્યારે સરકાર સાસણનો હજુ વધુ વિકાસ કરે અને વિશ્વ આખામાં સાસણનો પ્રચાર કરે તેવી અપેક્ષા છે.
રજૂઆતોનું પરિણામ મળે તેવી આશા : હમીરભાઈ બારડ
સાસણ ગીર હોટેલ-રિસોર્ટ એસોસિએશન ના પૂર્વ પ્રમુખ હમીરભાઈ બારડે જણાવ્યું કે અમારા એસોસિએશને જરૂરી રજૂઆતો કરી છે. સાસણના વિકાસથી અનેક ફાયદાઓ થઈ રહ્યા છે. હજુ વધુ વિકાસ થયે ફાયદાઓ પણ વધશે. કેન્દ્રીય વન મંત્રી ભુપેન્દ્ર યાદવ આજે સાસણગીર પધાર્યા છે. તેઓ દ્વારા રજૂઆતો પ્રત્યે પગલાં લેવાઈ તેવી અપેક્ષા છે. પરિણામ ચોક્કસ મળશે તેવી આશા છે.