સોમનાથ મહાદેવનાં પરિસરમાં જિલ્લાકક્ષાની યોગ દિવસની ઉજવણી કરાશે
યોગ નિદર્શનમાં ભારતીય મહિલા વોલીબોલ ટીમની સ્ટાર ખેલાડી ચેતના અને વાળા કિંજલ સહભાગી થશે
જિલ્લામાં ૯૫૪ સ્થળોએ ૫૧૭ માસ્ટર ટ્રેનરો દ્વારા યોગ નિદર્શન કરાવાશે
૨૧ જુને વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં ગીર-સોમનાથ જિલ્લામાંથી ૯૧૫ શૈક્ષણિક સંસ્થાઓ સહભાગી થશે
વિશ્વભરમાં તા. ૨૧ જુને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે.ગીર-સોમનાથ જિલ્લામાં પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાશે. ગીર-સોમનાથ જિલ્લામાં તા. ૨૧ જૂને ૨.૭૫ લાખથી વધુ લોકો એકી સમયે યોગ નિદર્શન કરશે. પછાત વર્ગ વિકાસ નિગમનાં અધ્યક્ષશ્રી નરેન્દ્રભાઇ સોલંકીની ખાસ ઉપસ્થિતિમાં સોમનાથ મહાદેવનાં પરિસરમાં સવારે ૦૬:૪૫ થી ૦૭:૪૫ કલાક દરમ્યાન ગીર-સોમનાથ જિલ્લાકક્ષાની યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં ૩ હજારથી વધુ લોકો સહભાગી થશે.
વેરાવળમાં-૧૯૧, સુત્રાપાડામાં-૧૬૮, તાલાળામાં-૧૨૩, કોડીનારમાં-૧૯૩, ઉનામાં-૨૦૨ અને ગીરગઢડામાં-૭૭ સહિત જિલ્લામાં કુલ ૯૫૪ સ્થળોએ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. સાથોસાથ ૯૧૫ શૈક્ષણિક સંસ્થાઓમાં પણ યોગ દિવસની ઉજવણી કરાશે. વિશ્વ યોગ દિવસે જિલ્લામાં ૫૧૭ માસ્ટર ટ્રેનરો દ્વારા ૨.૭૫ લાખથી વધુ લોકોને યોગ નિદર્શન કરાવાશે. ઇણાજ જિલ્લા સેવાસદન ખાતે કલેકટરશ્રી અજયપ્રકાશનાં અધ્યક્ષસ્થાને વિશ્વ યોગ દિવસની ઉજણવીનાં સુચારૂ આયોજન માટે યોજાએલ બેઠકમાં સમગ્ર આયોજનનને આખરી ઓપ અપાયો હતો.
ગીર-સોમનાથ જિલ્લાકક્ષાની યોગ દિવસની ઉજવણી પાંચ સ્થળોએ કરવામાં આવશે. જેમાં સોમનાથ મંદિરનાં પરિસર, સોમનાથ સંસ્કૃત યુનિ., મહિલા કોલેજ વેરાવળ, આદિત્ય બિરલા સ્કુલ, વેરાવળ અને કોસ્ટગાર્ડ જેટી વેરાવળનો સમાવેશ થાય છે. વેરાવળ તાલુકાકક્ષાની ઉજવણી કીડીવાવ શૈક્ષણિક સંકુલ, સિમાર ખાતે કરવામાં આવશે. જેમાં ૧૫૦૦ થી વધુ લોકો યોગ નિદર્શનમાં સહભાગી થશે. તેમજ વેરાવળ નગરપાલિકા કક્ષાની વિશ્વ યોગ દિવસની ઉજવણી ડો.બાબાસાહેબ આંબેડકર પાર્ક, વેરાવળ અને શ્રી શ્રી રવિશંકર પાર્ક, શ્રીપાલ ચોકડી, વેરાવળ ખાતે કરાશે. જેમાં શહેરી વિસ્તારનાં બે હજારથી વધુ લોકો સહભાગી થશે.
તા. ૨૧ જુન વિશ્વ યોગ દિવસની ઉજવણી સવારે ૦૬:૪૫ થી ૦૭:૪૫ કલાક દરમ્યાન સમગ્ર વિશ્વ સાથે ગીર-સોમનાથ જિલ્લામાં કરવામાં આવશે. માસ્ટર ટ્રેનરો દ્વારા તાલીમબધ્ધ રીતે નિયત કરેલ સમયમર્યાદામાં યોગનાં ચોક્કસ ફાયદા સાથે યોગ નિદર્શન કરવામાં આવશે.
યોગ નિદર્શનની ભારતીય મહિલા વોલીબોલ ટીમની સ્ટાર ખેલાડી ચેતના અને વાળા કિંજલ સહભાગી થશે
રાજ્યભરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કોઇ સેલીબ્રીટી સાથે કરવામાં આવનાર છે. જેનાં ભાગરૂપે ગીર-સોમનાથ જિલ્લામાં યોગ નિદર્શનની સેલેબ્રીટી તરીકે ભારતીય મહિલા વોલીબોલ ટીમની સ્ટાર ખેલાડીઓ કેપ્ટન વાળા ચેતના અને વાળા કિંજલ રહેશ. તેમજ તેની સાથોસાથ વાળા અસ્મિતા ડી. અને વાળા જીજ્ઞા વી. પણ સેલીબ્રીટી તરીકે તેમની ફરજ નિભાવશે અને અન્ય લોકોને યોગ નિદર્શનમાં સહભાગી થવા પ્રેરણા આપશે.
વિશ્વ યોગ દિવસની ઉજવણી બોટમાં કરવામાં આવશે
ગીર-સોમનાથ જિલ્લામાં ૨૧ જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે વેરાવળ બંદરમાં બોટમાં વિશેષ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. કોસ્ટગાર્ડ જેટી ખાતે વિશેષ યોગ નિદર્શનમાં સાગરખેડુઓ સહભાગી થશે..
વર્ષ-૨૦૧૭માં ખેલમહાકુંભનાં વિજેતાઓનું સન્માન કરાશે
સોમનાથ મદિરનાં પરિસરમાં તા. ૨૧ જુને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. આ જિલ્લાકક્ષાની ઉજવણીમાં મહાનુભાવોનાં હસ્તે વર્ષ-૨૦૧૭માં ખેલ મહાકુંભમાં વિજેતા ખેલાડીઓને સન્માન પત્ર એનાયત કરી સન્માન કરવામાં આવશે. જેમાં ગીર-સોમનાથ જિલ્લામાં વર્ષ-૨૦૧૭માં ખેલ મહાકુંભમાં વિજેતા થયેલા ખેલાડીઓને આવરી લેવામાં આવશે.
ઇણાજ જિલ્લા સેવાસદન ખાતે કલેકટરશ્રી અજયપ્રકાશનાં અધ્યક્ષસ્થાને વિશ્વ યોગ દિવસની ઉજણવી માટેનાં સુચારૂ આયોજન માટે અધિકારીશ્રીઓની બેઠક યોજવામાં આવી હતી. જેમાં તેઓશ્રીએ કહ્યું કે, ગીર-સોમનાથ જિલ્લાકક્ષાની યોગ દિવસની ઉજવણી સોમનાથ મંદિરનાં પરિસરમાં કરવામાં આવનાર છે. તાલુકાકક્ષાએ અને નગરપાલિકા કક્ષાએ પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. જિલ્લાનાં સબંધિત અધિકારીઓને કામગીરીની જવાબદારી આપી જિલ્લાકક્ષાની ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવેલ છે.
આ બેઠકમાં અધિક કલેકટરશ્રી એચ.આર.મોદી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનાં નિયામકશ્રી સંજય મોદી, નાયબ કલેકટરશ્રી પ્રદિપસિંહ રાઠોડ, સિનિયર કોચશ્રી કાનજી ભાલીયા, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી પારેખ, કાર્યપાલક ઇજનેરશ્રી બી.પી. જોષી, અને સોમનાથ ટ્રસ્ટનાં જનરલ મેનેજરશ્રી વિજયસિંહ ચાવડા સહિતનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.