- ગૌશાળામાં ગાયો માટે સારવાર કેન્દ્ર ઉપલબ્ધ, જયાં પશુ ડોકટર ગાયોની સારવાર કરે છે
- ગાયત્રી ગૌશાળામાં 500થી વધુ અશકત બિમાર ગાયોની સેવા કરાય છે
33 કરોડ દેવતાઓ જ્યાં બિરાજમાન છે તેવી ગૌ માતાની પૂજાને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે અને હિન્દુ ધર્મમાં ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે. ગાયો ના લાભાર્થે અનેક યુવાનોએ પોતાના જીવન સેવામાં સમર્પિત કરી દીધા છે ત્યારે જામનગરમાં પણ એક એવા યુવાન છે. જે બિઝનેસની સાથે સાથે ગૌશાળા અને ગૌ સારવાર કેન્દ્ર ચલાવે છે. અને તેની સેવા કાબિલેદાદ છે. ખાસ વાત તો એ છે કે આ ગૌશાળામાં બીમાર ગાયોને જ રાખવામાં આવે છે અને એક્સિડન્ટમાં પગ ગુમાવી બેઠેલી ગાયો તેમજ જન્મજાત ખોદકા પણ ધરાવતી ગાયો વાછરડા અને ધણખૂટને રાખી અને તેની નિસ્વાર્થ ભાવે સેવા કરવામાં આવે છે. એટલું જ નહીં અશક્ત અને બીમાર ગાયોને અહીં મિક્સ કઠોળની ઘૂઘરી ઉપરાંત કાજુ બદામ અને આયુર્વેદિક શીલાજીત સહિતની વસ્તુઓ આપવામાં આવે છે.
જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં ગાયત્રી ગૌશાળા આવેલી છે. જ્યાં એક પણ રૂપિયાના સ્વાર્થ વગર ગાયોની ખૂબ કાળજી રાખવામાં આવે છે માત્ર બીમાર અને અસક્ત જ ગયોની સેવા કરવામાં આવે છે અને ખાસ વાત એ છે કે અહીંની ગાયોને દ્હોવાની સિસ્ટમ નથી એટલે કે દૂધ વાછરડાઓને ધવડાવી દેવામાં આવે છે. જામનગરમાં રહેતા સિધ્ધરાજસિંહ સોલંકી આ સમગ્ર સેવા કાર્યના હિમાયતી બન્યા છે અને તેઓ છેલ્લા 20 વર્ષથી આ પ્રકારની ગૌશાળા ચલાવે છે અને અત્યાર સુધીમાં તેઓએ 500 થી 700 બીમાર અને અશક્ત ગાયોને સાજી કરી અને તેમની સેવાનું ભાથો બાંધ્યું છે. જામનગરમાં ક્યાંય પણ બીમાર કે અશક્ત ગાય જોવા મળે તો પોતે પોતાના સ્વખર્ચે પોતાની ટીમ સાથે આ ગાયને અહીં ગૌશાળામાં લઈ આવે છે અને ત્યાં ખૂબ કાળજી રાખી અને તેમને નવું જીવન આપવાના પ્રયાસ કરવામાં આવે છે.
ગૌશાળા ઉપરાંત સારવાર કેન્દ્ર પણ ચલાવે છે અને જે પણ ગાયને જરૂર પડે તે ગાયને જરૂર મુજબ દવા ઇન્જેક્શન અને આયુર્વેદ દવા પણ કરવામાં આવે છે અને આ માટે પશુ ડોક્ટરનો પણ સંપર્ક કરી અને તેમના માર્ગદર્શન મુજબ સમગ્ર કાર્યવાહી ચાલી રહી છે. વાત કરીએ એમના ખોરાકની તો જે પણ ગાયો અને વાછરડા અશક્ત છે.
તેમને મિક્સ કઠોળની ઘૂઘરી ઉપરાંત કાજુ બદામ સહિતની વસ્તુઓ પણ ખવડાવવામાં આવે છે એટલું જ નહીં 5000 રૂપિયાની કિલો વેચાતી શીલાજીત પણ આપવામાં આવે છે. પાંચ થી છ લોકો દિવસ દરમિયાન સમયાંતરે સખત મહેનત કરી અને આ ગાયોને બચાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે.
સૌના સાથ સહકારથી સત્કાર્યની ધૂણી ધખાવી રહ્યા છીએ: સિધ્ધરાજસિંહ સોલંકી
સિધ્ધરાજસિંહ સોલંકીએ જણાવ્યું કે આ ગૌશાળા ચલાવવા પાછળ 30,000 થી લઈ અને 35,000 સુધીનો માસિક ખર્ચ આવે છે છતાં પણ સેવાભાવી લોકોના સાથ સહકારથી આ સત્કાર્યની ધૂણી ધખાવી રહ્યા છીએ અમે એક પણ રૂપિયાનું ક્યાંય દાન માંગતા નથી અને કોઈ પણ પ્રકારનું ટ્રસ્ટ નથી જે પણ લોકો સેવાભાવી છે તેઓ સામેથી સંપર્ક કરી અને સ્થળ પર જ દાન આપી જાય છે અને આ દાનને પગલે અમે ગૌ સેવા માટે નિમિત્ત બન્યા છીએ. સેવાને આજુબાજુના લોકો પણ ખૂબ બિરદાવી રહ્યા છે કારણકે જે ખોરાક સામાન્ય લોકોને પણ નસીબમાં નથી થતો તેઓ ખોરાક માત્ર જીવ દયા ના ભાવ સાથે ગાયોને મળે છે આ ઉપરાંત ગાયોને ગરમી ન પડે તે માટે પંખાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને સમયાંતરે તેમને ઘાસચારો સહિતની વ્યવસ્થા મળી રહે છે.