મહિકા ગામે ગાળો બોલવાના પ્રશ્ને યુવકને તલવાર વડે માર માર્યો
શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ અનેક મારામારીના બનાવો બનવા પામ્યા છે ત્યારે ગઈકાલે વધુ બે મારામારીની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ હતી જેમાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા વૃદ્ધ દંપતી પર તેના જ પુત્ર અને પુત્ર વધુ એ ભાડાના પૈસા માંગવી ઝઘડો કરી દિવાલમાં જનેતાના માથા પછાડી માર મારતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યારે બીજા બનાવમાં મહિકા ગામે યુવકને ગાળો બોલવાના પ્રશ્ને તલવાર વડે માર મારતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યારે આ બંને મામલે પોલીસે આરોપીઓ વિરોધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રથમ બનાવની મળતી માહિતી અનુસાર ગાંધીગ્રામમાં પ્રજાપતિની વાડી પાસે રહેતા વિજયાબેન કાંતિલાલ પરમાર એ નોંધાવેલી ફરિયાદમાં આરોપીઓમાં તેના જ પુત્ર રાજેશ પરમાર અને તેની પુત્રવધુ દક્ષાબેન રાજેશ પરમારના નામો આપ્યા હતા. જેમાં તેણે જણાવ્યું હતું કે તેમના પતિ કાંતિલાલભાઈ ગઈકાલે તેને ભાડે આપેલી દુકાનનું ભાડું લઈ ઘરે આવ્યા હતા ત્યારે તેના પુત્ર રાજેશે અડધું ભાડું માંગી બોલાચાલી કરી હતી ત્યારબાદ હાજર છે તેના પિતાને માર માર્યો હતો. તેમને બચાવવા વિજયાબેન વચ્ચે પડતા પુત્ર રાજેશે તેમના માથા દિવાલમાં પછાડ્યા હતા.જ્યાર બાદ વિજયાબેન ની પુત્રવધુ દક્ષાબેને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી.જેથી ગાંધીગ્રામ પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
બીજા બનાવની વિગતો અનુસાર ભાવનગર રોડ પર આવેલ વિજયનગરમાં રહેતા સાગરભાઇ મગનભાઈ ચૌહાણ દ્વારા આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપીઓમાં જીગ્નેશ રાઠોડ અને તેના મિત્રો ના નામો આપ્યા હતા. જેમાં તેણે જણાવ્યું હતું કે તે ગઈકાલે મહીકા ખાતે સ્વીમીંગ પુલમાં નાહવા માટે ગયા હતા ત્યારે તે ફોન ઉપર કોઈ સાથે ગાળા ગાળી કરી રહ્યા હતા. ત્યારે આરોપી જીગ્નેશ એ મને કેમ ગાળો આપો છો તેમ કહી મારામારી કરી સાગરભાઇ ને તલવાર ઝીંકી દેતા તેમને ઈજા પોહચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જરા મામલે પોલીસે જીગ્નેશ રાઠોડ અને તેના મિત્રો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.