બુકાનીધારી લુંટારાના સીસીટીવી ફુટેજ મળ્યા: લુંટ ચલાવી એક્ટિવામાં ફરાર થયેલાના લુંટારાને ઝડપી લેવા કરાઈ નાકાબંધી
પૂર્વ કચ્છના ગાંધીધામના શકિતનગર વિસ્તારમાં ગતરાત્રે બુકાનીધારી શખ્સે આંગડિયા પેઢીના સંચાલકને બંદુક બતાવી રૂ.૪૦ લાખની રોકડ સાથેના થેલાની લુંટ ચલાવતા સનસનાટી મચી ગઈ છે. લુંટારાઓને ઝડપી લેવા નાકાબંધી કરી ઘટના સ્થળના સીસીટીવી ફુટેજ મેળવી તપાસ હાથધરી છે. કચ્છના ઔધોગિક પાટનગર ગાંધીધામના પોશ વિસ્તારમાં ૪૦ લાખની સનસનીખેજ લુંટથી ચકચાર મચી જવા પામી છે. આંગડિયા પેઢીના સંચાલક પાસેથી બંદૂકની અણીએ નાણાનો થેલો પડાવી લુંટ ચલાવતા સનસનાટી મચી ગઈ છે. પોલીસે લુંટારુઓને ઝડપી પાડવા સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરીછે.
ગાંધીધામ શહેરના પોશ ગણાતા શકિતનગર વિસ્તારમાં બગીચાનજીક એક ઘરની બાઉન્ડ્રીમાં ઘુસી બંદુકધારી શખ્સ આંગડિયા પેઢીના સંચાલક પાસેથી ૪૦ લાખ રોકડ ભરેલી રકમનો થેલો ઝુંટવી લઈ ફરાર થઈ ગયો હતો. લુંટના વધુ એક બનાવને લઈને પોલીસમાં દોડધામ મચી ગઈ છે. આ અંગેની વિગતો મુજબ, શહેરના ગાંધી માર્કેટમાં પીએમ આંગડિયા પેઢી ધરાવતા અને શકિતનગરમાં રહેતા પ્રતિક ઠકકર નામનો યુવાન ગતરોજ પેઢીમાંથી રોકડ લઈ ઘરે આવતો હતો ત્યારે તેના ઘરમાં બાઉન્ડ્રીનો દરવાજો ખુલી સફેદ ‚માલ બાંધેલો તથા ગરમ ટોપલો અબે જેકેટ પહેરેલો એક શખ્સ એકટીવા લઈને આવ્યો હતો. આ શખ્સે બંદુકમાં બારગોળી હોવાનું કહી બંદુકની અણીએ થેલો આપી દેવા દબાણ કર્યું હતું અને રોકડ ભરેલો થેલો ઝુંટવી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે પોલીસને જાણ કરતા પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા પરીક્ષિત રાઠોડ અને પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે આસપાસના સીસીટીવી ચેક કરતા લુંટારું શખ્સ તેમાં જણાઈ આવ્યો હતો. હાલ પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી જિલ્લામાં નાકાબંધી કરી છે. પૂર્વ કચ્છમાં આદિપુરમાં એટીએમમાં ૩૫ લાખની લુંટની ઘટના બાદમાં અંજારમાં ૧૬ લાખની લુંટ બાદ વધુ એક બનાવ પ્રકાશમાં આવતા કાયદાના રક્ષકોમાં દોડધામ મચી જવા પામી છે.