ગાંધીધામમાં ઓવરબ્રિજ સામે થયેલા ગોઝારા અકસ્માતમાં બે ભાઈઓમાંથી એકનું ગંભીર ઈજાઓના કારણે મોત થયું છે. ગતરોજ વહેલી સવારે બનેલી આ ઘટનામાં ઈફ્કો બસે બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. બીજો ભાઈ હજુ પણ ગંભીર ઈજાઓના કારણે સારવાર હેઠળ છે. પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધીને તપાસનો દોર હાથ ધર્યો છે.
ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે 22 વર્ષીય કિશનકુમાર રામકુમાર નાઈએ ઈફ્કો બસ ચાલક સામે ગુનો નોંધાવતા જણાવ્યું કે ગત રોજ વહેલી સવારે તે તેના નાના ભાઈ કે જે ડી માર્ટમાં કામ કરે છે, તે વિનય કુમારને મુકવા બાઈક પર જઈ રહ્યા હતા. ત્યારે અચાનક સામે આવી ઈફ્કોની બસ સાથે તેમને જોરદાર ટક્કર થઈ હતી અને બાઈક તેના પૈડા નીચે આવી ગઈ હતી. જેના કારણે બન્ને ભાઈઓ ફંગોળાઈને રોડ પર પટકાયા હતા.
જેથી સ્થાનિક લોકો એકત્ર થઈ ગયા અને કોઇએ 108માં જાણ કરતા તે દોડી આવી હતી. બન્ને ભાઈઓને પ્રાથમિક ઉપચાર રામબાગ હોસ્પિટલમાં આપ્યા બાદ આદિપુરની ડિવાઈન લાઈફ હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં નાનાભાઈ વિનયકુમારનું માથાના ભાગે, આંતરડામાં ગંભીર ઈજાઓ થતા મોત નિપજ્યું હતું, તો ફરિયાદી મોટા ભાઈને પગ અને ખંભામાં ફ્રેક્ચર અને મુઢમાર સહિતની ઈજા પહોંચી હતી.
રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ