19મી જૂનના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં 6 નવેમ્બર 2021ના રોજ એક પિતા-પુત્રનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. કથિત રીતે ગેડીયા ગેંગ સાથે સંકળાયેલા પિતા-પુત્રના એન્કાઉન્ટર બાદ આ મામલો હાલ હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે. મૃતકની પુત્રી દ્વારા સમગ્ર મામલે પીઆઈએલ દાખલ કરવામાં આવી છે જેમાં અગાઉ તમામ કેસ કાગળો માંગ્યા બાદ હવે હાઇકોર્ટે બજાણા પોલીસ મથકના પીઆઈ સહીત 6 કર્મચારીઓને તેડું મોકલ્યું છે.
પાટડીમાં પિતા- પુત્રના એન્કાઉન્ટરમાં થયેલા મૃત્યુના કેસમાં મેજિસ્ટ્રિયલ તપાસમાં નિર્દોષ જાહેર કર્યા બાદ ગુજરાત હાઈકોર્ટે જાહેર હિતની અરજી પર છ પોલીસકર્મીઓ પાસેથી જવાબ માંગ્યો છે.
આ કેસમાં અરજદાર સોહાના જત મલેકે તેના પિતા હનીફખાન જત મલેક (ઉ. વ.44) અને તેના ભાઈ મદીન (ઉ. વ. 14)ણા એન્કાઉન્ટરની તપાસની માંગ કરી હતી.
આ એન્કાઉન્ટર 6 નવેમ્બર, 2021 ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં થયું હતું. કાર્યકારી ચીફ જસ્ટિસ એ.જે. દેસાઈ અને જસ્ટિસ બિરેન વૈષ્ણવની ખંડપીઠે છ પોલીસ અધિકારીઓ કે જેમાં બજાણાના પોલીસ ઇન્સ્પેક્ટર વી એન જાડેજા, રાજેશભાઈ સવજીભાઈ, કીર્તિભાઈ ગણેશભાઈ, દિગ્વિજયસિંહ હરદિપસિંહ, પ્રહલાદભાઈ પ્રભુભાઈ અને મનુભાઈ ગોવિંદભાઈ સ્વતંત્ર એજન્સી દ્વારા સંપૂર્ણ તપાસની માંગ કરતી પીઆઈએલનો જવાબ આપવા જણાવ્યું હતું.
છેલ્લી સુનાવણી દરમિયાન હાઈકોર્ટે રાજ્ય સરકારને એન્કાઉન્ટર સંબંધિત તમામ દસ્તાવેજો ઈજાના પ્રમાણપત્રો, મેડિકલ રિપોર્ટ, એફએસએલ રિપોર્ટ અને બેલિસ્ટિક રિપોર્ટ વગેરે રેકોર્ડ પર મૂકવાનો આદેશ આપ્યો હતો.કાગળોમાં સીઆરપીસીની કલમ 176ની જોગવાઈઓ હેઠળ ન્યાયિક મેજિસ્ટ્રેટ દ્વારા હાથ ધરવામાં આવેલ તપાસ અહેવાલનો સમાવેશ થાય છે.
અરજદારના એડવોકેટ યતિન ઓઝાએ રજૂઆત કરી હતી કે, તપાસ રિપોર્ટ પહેલા જ તમામ પોલીસકર્મીઓને દોષમુક્ત કરી દેવામાં આવ્યા હતા. પાટડીના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે તપાસ હાથ ધરી હતી અને ગયા વર્ષે રિપોર્ટ સુપરત કર્યો હતો, પરંતુ તે મૃતકના પરિજનોને આપવામાં આવ્યો ન હતો.
અરજદારનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ વિકી મહેતાએ જણાવ્યું હતું કે, અમને ખબર પડી કે પોલીસ અધિકારીઓએ સાક્ષીઓને ધમકી આપી હતી કે જેઓ પૂછપરછ દરમિયાન જુબાની આપવા ગયા હતા. અમે તમામ મુદ્દાઓ હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવાના છીએ. કોર્ટે વધુ સુનાવણી 19મી જૂન પર રાખી છે.