કપાતના બદલામાં હાલ અપાતા ત્રણ વિકલ્પ ઉપરાંત વધારાનો એક વિકલ્પ અપાશે: ત્રણ વખતમાં ટીડીઆરનો ઉપયોગ કરી શકાશે: સ્ટેન્ડિંગમાં દરખાસ્ત
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ રાજમાર્ગોને પહોળા કરવા માટે લાઇન ઓફ પબ્લીક સ્ટ્રીટ હેઠળ કપાતમાં લેવામાં આવતી જમીનના બદલામાં કપાતના અસરગ્રસ્તને ત્રણ વિકલ્પો આપવામાં આવી રહ્યા છે. હવે કોર્પોરેશન દ્વારા જમીન કપાતના બદલામાં ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઇટ્સ પણ આપવામાં આવશે. કાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે.
આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલે જણાવ્યું હતું કે કોર્પોરેશન દ્વારા શહેરમાં ટ્રાફીકની સમસ્યા હલ કરવા માટે જીપીએમસી એક્ટ-1949ની કલમ-210 તથા 212 અંતર્ગત લાઇન ઓફ પબ્લીક સ્ટ્રીટ જાહેર કરી જમીન કપાતમાં લેવામાં આવે છે. જમીન સંપાદનના કેસમાં કપાતના અસરગ્રસ્તોને વૈકલ્પિક વળતર માટે ત્રણ વિકલ્પ આપવામાં આવે છે. જેમાં જમીનના બદલામાં અન્ય સ્થળે જમીનની ફાળવણી, જંત્રીદર મુજબ રોકડ વળતર અથવા અસરગ્રસ્તને ભવિષ્યમાં બિલ્ડીંગ પ્લાન્ટ રજૂ કરે ત્યારે કપાત થયેલી જમીનને બિલ્ટઅપ, એફએસઆઇ અને માર્જીન-પાર્કિંગના લાભો આપવામાં આવે છે. આ ત્રણ વિકલ્પોમાં ઘણી વખત નાના પ્લોટ હોય તો સીજીડીસીઆરની જોગવાઇ મુજબ માર્જીન છોડી બાંધકામ કરવામાં તેઓ બેઇઝ એફએસઆઇ કરવામાં વાપરી શકતા નથી તેમજ જો ભવિષ્યમાં નવું બાંધકામ કરવા માંગતા હોય તેવા કિસ્સામાં એલઓપીમાં કપાતમાં જતી જમીનનો એફએસઆઇ મળવા છતાં ઉપયોગ કરી શકતા ન હોય આવા સંજોગોમાં ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ 1976ની જોગવાઇ મુજબ ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઇટ્સ એટલે કે તબદીલી પાત્ર વિકાસના હક્કો તરીકે માન્ય રાખી વળતર આપવાના કિસ્સો ઉમેરવામાં આવે તો લોકો કપાતમાં જતી જમીન મહાપાલિકાને સોંપવા માટે સરળતાથી સહમત થઇ જશે અને તેઓને અન્ય એક વિકલ્પ પણ મળી રહેશે. જેને ધ્યાનમાં રાખી હવે કપાતમાં જતી જમીનના બદલામાં વૈકલ્પિક વળતર આપવા માટે ટીડીઆરનો અમલ કરવા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે.
ટીડીઆરની શરતો અને નિયમો અંગે વિસ્તૃત માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે તબદીલી પાત્ર વિકાસના હક્કો એટલે કે એક જમીન પરથી વિકાસના હક્કો બીજી જમીન પર તબદીલ કરવાની મંજૂરી આપવી આવા હક્કો કોર્પોરેશન દ્વારા સમય-મર્યાદા તેમજ રકમ દર્શાવતા પ્રમાણપત્રરૂપે આપવામાં આવશે. જીપીએમસી એક્ટની કલમ-1949 અન્વયે જ્યારે એલઓપી જાહેર થયા બાદ કપાત થતી જમીન કોર્પોરેશન વિના વળતર સોંપવામાં આવે ત્યારે ટીડીઆરની યુનિટ વેલ્યૂ કપાતમાં ગયેલી જમીનનું ક્ષેત્રફળ અને કપાત પર ગયેલી જમીનની પર મળવાપાત્ર એફએસઆઇ મુજબ ગણવાની રહેશે. જમીનના જે-તે સમયે જંત્રીભાવ ફ્રિઝ કરવામાં આવશે. તબદીલી પાત્ર વિકાસના હક્કોની તબદીલી એટલે ટીડીઆર જમીનની પ્રવર્તમાન જમીનના જંત્રીભાવ પ્રમાણે પ્રોરેટા કરવામાં આવશે. આ નિયમ માત્ર કોર્પોરેશનની હદમાં જ લાગૂ પડશે સાથોસાથ અગાઉ લાઇન ઓફ પબ્લીક સ્ટ્રીટ પ્રમાણે કોઇપણ પ્રકારની વળતર ન લેનારને મળશે. એક વખત ટીડીઆર આપ્યા બાદ તેનો ઉપયોગ સંપૂર્ણપણે અથવા ત્રણ ટુકડાઓમાં કરી શકાશે. સમય મર્યાદા 10 વર્ષની રહેશે. જેમાં સરકાર દ્વારા વખતોવખત કરવામાં આવતા ફેરફારોને આધિન રહેવું પડશે. ટીડીઆરનો ઉપયોગ ઓછામાં ઓછી 1.5 બેઇઝ એફએસઆઇ મળવાપાત્ર હોય તેવા ઝોનમાં કરી શકાશે. કાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ અંગે આ સહિતની અલગ-અલગ 29 દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.
- કાલાવડ રોડ પર જીએસએફસીની માર્કેટીંગ અને રિજીયોનલ ઓફિસ બનશે
- ટીપી સ્કિમ નં.10માં 1000 ચો.મી. જમીન વેંચાણથી આપવા સ્ટેન્ડિંગમાં દરખાસ્ત
ગુજરાત સ્ટેટ ફર્ટીલાઇઝર એન્ડ કેમિકલ લીમીટેડ દ્વારા શહેરના કાલાવડ રોડ પર માર્કેટીંગ તથા રીજીયોનલ ઓફિસ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટીપી સ્કિમ નં.10 (મૌટામવા)ના આખરી ખંડ નં.11-એ પૈકી 800 થી 900 ચો.મી. જમીનની માંગણી કરવામાં આવી હતી. લેન્ડ ડિસપોઝલ કમિટી દ્વારા આ પ્લોટનો ભાવ પ્રતિ ચો.મી. રૂ.61100 નક્કી કરવામાં આવ્યો હતો. આ ભાવે જમીન ખરીદવા માટે જીએસએફસીએલ સહમતી દર્શાવી છે. હવે ઉપરોક્ત સ્થળે કંપનીને રૂ.6.11 કરોડમાં 1000 ચો.મી. જમીન આપવા માટે સ્ટેન્ડિંગમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.