Abtak Media Google News
  • વાવાઝોડામાં ખુબ ખાના ખરાબી થઈ પરંતુ મસ્તરામ બાપુ ઉપરનું તોતિંગ વૃક્ષ ધરાશાયી એ રીતે થયું કે તેમને કંઈ થયું નહિં! અને લોકોની દ્રષ્ટિ બદલાઈ ગઈ
  • મસ્તરામ બાપૂ ચિત્રા

દરેક વ્યકિતના જીવનમાં ખરેખર તો ‘ગોલ્ડન એરા સુવર્ણ યુગ’ તેનું બચપણ જ હોય છે. એ  મોજ મસ્તી અને ચિંતા મૂકત  જીવન, હરવા ફરવાના સમયે  જમી લેવાનું  તહેવારો રજાના દિવસોમાં પોતાના ગામ સીમ, નજીકનાં ગામો, ધાર્મિક સ્થળો,  પહાડોમાં ચાલતા જ રખડતા જવાનું,  નદી, તળાવો, ડેમોમાં ધુબકા મારી નાહવાનુંં, તરવાનું અને ભૂખ લાગે ત્યાં વાડીઓમાંથી ફળો, ગાજર, કાકડી, મગફળી,  ખરખોડીના પાનને ખાઈ લેવાના અને મોજ કરવાની !

અમારા વરતેજ  ગામના મારા ખાસ મિત્રોને   શ્રાવણ મહિનો આવે એટલે મજા પડી જાય,  જેટલા તહેવારો આવે તેટલી જ  રજાઓ હોય. ખાસ તો શ્રાવણ મહિનાના  ચારેય સોમવારોના કાર્યક્રમ નકકી જહોય, તે દિવસે નિશાળ  સવારની હોય એક સોમવાર મોટી ખોડીયાર મંદિર (રાજપરા) એક સોમવાર ભંડાર ગામે લામધાર ડુંગર ઉપર માતાજીનાં   દર્શન કરવા જવાનું અને  અકે સોમવાર બેાર તળાવ  થાપનાથ મહાદેવ મંદિરે ગઢેચી ભાવનગર જવાનું. થાપનાથ ખાતે અને મોટી ખોડીયાર ખાતે તો સોમવારે મેળો જ ભરાઈ જતો. અને છેલ્લો સોમવાર જો વરસાદ પાણી  સારા હોય તો  ભીકડા ગામે માલેશ્રી નદીના ડેમ ઉપર ન્હાવા જવાનું ! પરંતુ  દરેક જગ્યાએ ચાલતા જ જવાનું કેમકે દરેક જગ્યા વરતેજ થી ત્રણ ચાર કી.મી.જ દૂર  થતી હતી  એટલે સાંજ પડયે ચાલતા જ પાછા ઘેર આવી જતા.

આ રીતે જયારે  થાપનાથ મહાદેવ બોર  તળાવ જવાનું થાય ત્યારે ચાલતા જતા રસ્તામાં આખલોળ મહાદેવ અને જંગલ પછી ફુલસરનું પાટીયું અને પછી ચિત્રા ગામ આવતું ત્યારે   ચિત્રા નાનુ એવું ગામ અને રોડ ઉપર  બસ સ્ટેન્ડ અને ત્યાં આગળ એક મીલન હોટલ નામની દુકાન હતી, તે દુકાન આમ તો ખાસ ચા પાણી માટેની જ હતી પરંતુ રોડના કાંઠે હોય છોકરાઓ ત્યાં હોટલ ઉપર પાણી પીવા ઉભા રહેતા. આ હોટલની બાજુમાં પૂર્વ દિશા તરફ એક લધર વધર  વ્યકિત દર વર્ષે જોતા ત્યાંજ બેઠેલી હોય એક વખત ત્યાંના લોકોને આ વ્યકિત બાબત પૂછતા લોકોએ  કહ્યું કે આ ગાંડા જેવો માણસ વર્ષોથી અહી જ બેઠો છે અને કાંઈ ખાતો પીતો નથી તે ઉપરાંત કુદરતી હાજતે પણ જતો નથી ટાઢ તડકો વરસાદ ગમે તે  ઋતુ હોય તે આ મેલી ચડ્ડી અને  પહેરણ પહેરીને જ એમને એમ બેઠો હોય છે. ત્યાં મારી ઉમર નાની તેથી સહજ રીતે કુતુહલ આવી બાબતનું વધારે જ  થાય તે  સ્વાભાવિક હતુ. પરંતુ ચિત્રા ગામ તે સમયે  સાવ નાનું અને  પછાત હોય ખાસ કોઈ એ તે તરફ લક્ષ આપ્યું નહી હોય પરંતુ હું, જયારે પણ ચિત્રાથી પસાર થતો  ત્યારે આ વ્યકિત ને અવશ્ય જોતો જતો કે શું કરે છે એજ સ્થિતિ પગના પંજા અને કુલા ઉપર ઉભડક બેસીને આકાશ તરફ જોતા બેઠા હોય ! આવું તો વર્ષો સુધી જોયું.

ત્યાર પછી હું ભાવનગર કોલેજમાં દાખલ થયો   વરતેજથી ભાવનગર અપડાઉન કરતા દરરોજ ઓછામાં ઓછું બે વખત તો ચિત્રાથી સીટી બસ કે એસ.ટી.બસ માં પસાર થવાનું રહેતું ત્યારે ંહું આતુરતાથી આ વ્યકિતને જોતો એજ સ્થિતિ કયારેય ખાતા પીતા જોયેલા નહી ગમે તે ઋતુ હોય  એજ ભાવમુદ્રામાં  બેઠા હોય.

મેં કોલેજનો અભ્યાસ પૂરો કર્યો અને ટેલીફોન  ઓપરેટર તરીકેની પહેલી નોકરીમાં ભાવનગર પાનવાડી ખાતે ટેલીફોન એક્ષચેંજમાં વરતેજ થી ભાવનગર જત આવતા ચિત્રા રસ્તામાં આવતું હોય અને સાયકલ લઈને નીકળતો જેથી  ઘણી વખત તેમની  સામે ઉભો રહેતો પણ તેઓ કોઈની નોંધ સુધા લેતા નહી યારબાદ એક દિવસ મેં જોયું તો તે વ્યકિત મીલન હોટલ પાસે  નહતી પરંતુ થોડેક આગળ જતા એક મોટા મેદાનમાં એક મોટા ઝાડ નીચે  ઓટલો  બનાવીને આ વ્યકિતને બેસાડેલ આ જગ્યાએ પણ એજ સ્થિતિ  પરંતુ મને થયું. કે ચિત્રા ના લોકોના માનસમાં પરીવર્તન આવ્યુંં લાગે છે. કેમકે હોટલ પાસેથી સ્વચ્છ અને સુઘડ જગ્યાએ વૃક્ષ નીચે  ઓટલા ઉપર (હાલ જયા મસ્તરામબાપુનું મંદિર છે ત્યાં) બેસાડેલ હતા તેઓ કોઈ સાથે વાતચીત  કરતા નહી છતા બે ચાર લોકો તેમની બાજુમાં બેઠા હોય અને તેમની દેખરેખ રાખતા હોય પરંતુ આ  વ્યકિતને   કોઈ સાથે કાંઈ લેવા દેવા નહી ફકત આકાશ  સામે જોઈ ને બેઠા જ  હોય !

મારી ટેલીફોન  એક્ષચેંજની ઓપરેટર તરીકેની   નોકરી ઘણી વખત  સાંજના સાડાચારથી રાત્રીનાં બાર વાગ્યા સુધીની  રહેતી તેથી હું રાત્રે બાર સવા બાર વાગ્યે પાનવાડીથી નીકળી સાડાબાર એક વાગ્યે આ જગ્યાએથી પસાર થતો  ત્યારે ચિત્રા  આ  જગ્યાએ આ વ્યકિત સિવાય  કોઈ લોકો ન હોય પરંતુ આ વ્યકિત અડધી રાત્રે પણ આકાશ સામે જોઈને બેઠી હોય હું ઘણી વખત રાત્રીના સાયકલ ઉભી રાખી ઓટલે જતો તો  તેઓ જાગતા હોવા છતા અને આકાશ સામે જોતા જ હોય મારા આવ્યાની કાંઈ નોાંધ લેતા નહી જોકે તેઓ કોઈની સાથે વાતચિત  તો કરતા જ નહી. પરંતુ હું કાંઈક જાણવાની ઈન્તેજારીથી તેમની પાસે જતો.

એક વખત મારી નોકરી રાત્રીના બાર વાગ્યાથી   સવારના સાત વાગ્યાસુધીની હતી. તે રાત્રે ભયંકર વાવાઝોડું આવ્યું અને આખી રાત્રી ધોધમાર વરસાદ પડયો. મોટા ઘેઘુર વૃક્ષો  ધરાશાયી  થઈ ગયા હતા. ચારેય બાજુ પાણી જ પાણી હતુ. સવારના સાતેક વાગે વરસાદ વાવાઝોડું બંધ થઈ ગયેલ હોઈ હું પાનવાડીથી ગઢેચી થઈ ચિત્રા રસ્તામાં જોતા ચારે બાજુ વાવાઝોડા અને વરસાદને કારણે ખૂબ ખાના ખરાબી  થઈ હતી અને ચારેય બાજુ પાણી હતુ  અવર જવર   લગભગ બંધ હતી જાણે કે કફર્યું લાગ્યો હોય ! ચિત્રા મીલન હોટલ વટાવીને   મેદાન તરફ રવાના થયો, મનમાં થયું કે આજે પેલી વ્યકિતનું વાવાઝોડા અને અનરાધાાર વરસાદમાં શું  થયું હશે? મેદાન પાસે  આવતા જોયું કે પેલી વ્યકિતતો ત્યાં ઓટલા ઉપર જ ભીના કપડે બેસેલ છે અને આકાશ સામે જોઈ રહેલ છે. જોકે ઓટલો તો પાણીમાં ડુબી ગયો હતો, ઉપરનું  ઘેઘુર ઝાડ એવી રીતે તુટી પડયું હતુ કે  આ વ્યકિતની ફરતે ડાળીઓ પડેલ હતી. પરંતુ તેમની ઉપર એકેય પડેલ  ન હતી તુટેલી ડાળીઓની વચ્ચેના ભાગે  સલામત  અડીખમ આ વ્યકિત બેસેલી હતી.  આજુબાજુમાં  કોઈ નહતુ, કોણ હોય ? આખું  મેદાન પાણીથી ભર્યું હતુ. અને ઓટલા ઉપર પણ  પાણી હતુ ટુંકમાં   આખી રાત્રીનાં વાવાઝોડા સાથેના વરસાદથી  ઝાડ પણ તુટી પડવા છતા આ  વ્યકિતને વીચલીત કરી શકેલ નહી અને તેમના ધ્યાનને પણ કાંઈ વીક્ષેપ   પાડી શકેલ નહી હું આશ્ર્ચર્ય અને  અહોભાવથી જોઈ રહ્યો પણ મેદાનમાં પાણી ભરેલું  હોય નજીક જઈ શકયો નહીં.

આ પ્રસંગ પછી લોકોની ત્યાં ખૂબજ  અવર જવર વધી ગયેલી અને મોટરકારો પણ પાર્ક થવા લાગેલી આ વ્યકિતની પાસે આવતા લોકોને તેઓ  કોઈ લક્ષ આપતા નહી હોય અને પોતાની મસ્તીમાં જ  રહેતા હોય લોકોએ તેમને  મસ્તરામ બાપુ કહેવાનું ચાલુ  કરેલુ ત્યારપછી તો  જગ્યાનો ખૂબ વિકાસ થયેલો, રોડના  સામા કાંઠે આશ્રમ બનાવી અન્નક્ષેત્ર ચાલુ કરેલ પરંતુ મસ્તરામ બાપુ તે આશ્રમમાં નહી રહેતા આ  મેદાનમાં   ખૂલ્લી જગ્યામાંજ બેઠેલા તેમને બીજી કોઈ પ્રવૃત્તિ  સાથે કાંઈ લેવા દેવા ન હતી! તેમની મસ્તીમાંજ રહેતા.

અમારા ગામન અમુક ભકતો  બગદાણા બજરંગદાસબાપુ પાસે જતા તો બજરંગદાસ બાપુ કહેતા અહિં સુધી લાંબા થવાની જરૂર નથી  ત્યાં ચિત્રામાંજ  અવધૂત બીરાજેલ છે. ત્યાં જવું !

1984-85માં મસ્તરામ બાપુની જયોતી પરમ જયોતીમાં લીન થયા પછી ચિત્રામાં લોકોએ ભવ્ય મંદિર  બનાવેલ છે.્ર

આવા અવધૂત સંત હાલમાં પણ ગીરનાર-ભવનાથમાં બેઠેલા છે. અને કચ્છ નખત્રાણામાં પણ આવા જીવનમૂકત યોગી છે. જેમની યોગ સાધના પુરી થયેલ હોય છે પરંતુ  પ્રારાબ્ધકર્મ અનુસારનું બાકીનું  જીવન આ રીતે વ્યતિત કરતા હોય છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.