બેરોજગાર યુવાનો પાસેથી પરીક્ષા ફોર્મ પેટે પાંચ હજાર કરોડથી વધુ ખંખેરાયા
કેન્દ્ર સરકાર દ્વારા આઠ વર્ષમાં વિવિધ સરકારી નોકરીઓ માટે 22.05 કરોડ અરજી કરતા પાસેથી પરીક્ષા ફોર્મ ફી પેટે 5 હજાર કરોડ થી વધુની રકમ વસુલવામાં આવી સામે માત્ર 7,22,311 ને જ નોકરી ઉપલબ્ધ થઈ ત્યારે દેશમાં બેરોજગાર યુવાનો પાસેથી કરોડો રૂપિયાની વસુલાત કરતી ભાજપા સરકારની નીતિ અને નિયત પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, 2014માં લોકસભાની ચૂંટણીની જાહેર સભામાં અને ભાજપાના ચૂંટણી ઢંઢેરામાં પણ દર વર્ષે બે કરોડ રોજગાર સર્જન – નોકરીનું વચન મુજબ આઠ વર્ષમાં 16 કરોડ રોજગાર મળવા જોઈએ જેનાથી ઉલટુ આઠ કરોડ થી વધુ લોકોના રોજગાર-નોકરીઓ છીનવાઈ ગઈ હોવાનું ભારત સરકારની વિવિધ સંસ્થા સી.એમ.આઈ.ઈ. તથા લેબરફોર્સના આંકડા જણાવી રહ્યાં છે.
કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ પ્રકારની સરકારી ભરતી અંગે જે લોકસભામાં વિગતો સામે આવી છે તે ઘણી જ ચિંતાજનક છે. કેન્દ્ર સરકારના જાહેર સાહસોમાં મોટા ભાગની ભરતી બંધ કરી દેવામાં આવી છે. અનેક જાહેર એકમો જેવા કે, એરપોર્ટ, બંદર, વિજ એકમો સહિત ખાનગીકરણ કરવામાં આવે છે અથવા તો ખાનગી ઉદ્યોગગૃહોને સોંપી દેવામાં આવતા સરકારી નોકરીઓની તકો દેશના યુવાનોના હાથમાંથી છીનવાઈ રહી છે.દેશમાં બેરોજગારી સામે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી ભરતી અંગેના એક સવાલના જવાબમાં લોકસભામાં કેન્દ્ર સરકારે આંકડા આપ્યા છે જેમાં બેરોજગારી અંગે બિહામણું ચિત્ર સામે આવી રહ્યું છે.