દબાણ હટાવની કામગીરી હાથ ધરાતા દબાણકારોમાં ફફડાટ
સાબરકાંઠા જીલ્લાના વડાલી શહેરમાં તંત્રનું બુલડોઝર ફરી વળતાં સમગ્ર જીલ્લાના દબાણ કર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે વડાલીથી ખેડબ્રહ્મા હાઈવે રોડની આસપાસ ટ્રાફિકને નડતર રૂપ તેવા 100 જેટલા દબાણકારોને અગાઉ દબાણ સ્વયંભૂ દુર કરવા માટે નોટિસો આપવામાં આવી હતી પરંતુ આ મામલે દબાણકારોએ આવેલી નોટિસને ધ્યાનમાં લીધી ન હતી
ત્યારે લાગતા વળગતા વિભાગ જેવાકે નાયબ કાર્યપાલક માર્ગ મકાન ઈડર વાય.એચ.ગઢવી, એ.કે.ભગોરા, વડાલી નગરપાલિકાના ચીફ ઓફિસર, વડાલી મામલતદાર તથા વડાલી પોલીસ અને નગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે રાખીને જે.સી.બી. મશીન દ્વારા નડતર રૂપ 100 જેટલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી જેમા લારી ગલ્લાધારકો અને દુકાનદારોનો સમાવેશ થાય છે જ્યારે તંત્રની આ પ્રકારની સરાહનીય કામગીરીને સમગ્ર વડાલી શહેરના લોકો બિરદાવી રહ્યા છે ત્યારે જિલ્લામાં આવેલા અન્ય શહેરોમાં પણ હાઈવે રોડ ખુલ્લા કરવા માટે દબાણો ઉપર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવીને કાર્યવાહી કરવામાં આવે તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.