- દ્વારકાધીશને જેષ્ઠાભિષેક (ખુલ્લાં પડદે સ્નાન) કરાશે
- વારાદાર પૂજારીઓ દ્વારા સાંજના સમયે શ્રીજીના બાલ સ્વરૂપ ગોપાલજીને મંદિરના ગર્ભગૃહથી બહાર નિજસભામાં નૌકાવિહાર કરાશે
દ્વારકા ન્યૂઝ : દ્વારકાધીશ જગતમંદિરમાં આગામી તા.ર૧-૦૬-૨૦૨૪ ને શુક્રવારના રોજ જેષ્ઠાભિષેક (ખુલ્લાં પડદે સ્નાન) કરવામાં આવશે. જગતમંદિરમાં દર વર્ષે જેઠ માસમાં જયેષ્ઠા નક્ષત્રમાં શ્રીજીની મંગલા આરતી બાદ જયેષ્ઠાભિષેક કરવામાં આવે છે. શુક્રવારે મંગલા આરતી બાદ સવારે ૮:૦૦ કલાકે ઠાકોરજીનો જયેષ્ઠાભિષેક કરાશે. જેમાં શ્રીજીનુ ઋતુનુસાર અમૃત (આંબા) તેમજ દ્વારકાના અઘોર કુંડના પવિત્ર જલથી જલાભિષેક કરવામાં આવશે. વારાદાર પૂજારીઓ દ્વારા સાંજના સમયે શ્રીજીના બાલ સ્વરૂપ ગોપાલજીને મંદિરના ગર્ભગૃહથી બહાર નિજસભામાં નૌકાવિહાર કરાવવામાં આવશે.
શ્રીજીને વર્ષમાં માત્ર બે વખત ખુલ્લા પડદે સ્નાન કરાય છે : પ્રણવ પૂજારી
જયેષ્ઠાભિષેક ઉત્સવ વિશે માહિતી આપતા દ્વારકાધીશ મંદિરના પ્રણવભાઈ પૂજારીએ જણાવેલ કે વર્ષમાં જન્માષ્ટમી અને જયેષ્ઠ પૂર્ણિમાં એમ માત્ર બે વખત જ ઠાકોરજીને ખુલ્લાં પડદે અભિષેક સ્નાન કરાવવામાં આવે છે જેમાંનો એક જયેષ્ઠાભિષેક ઉત્સવ હોય જેનું વિશેષ મહત્ત્વ ๒. બહારગામથી પધારેલ ભાવિકો તેમજ બહોળી સંખ્યામાં સ્થાનીકો અને ઓનલાઈનના માધ્યમથી લાખો શ્રધ્ધાળુઓ જયેષ્ઠાભિષેક તેમજ ત્યારબાદ સાંજના સમયે બાલસ્વરૂપના નૌકાવિહાર દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવશે.
જગતમંદિરના પુજારી પરિવાર દ્વારા ચાંદીના વાસણોમાં અઘોર કુંડનું પવિત્ર જલ જગતમંદિરે વાજતે ગાજતે પહોંચશે સાંજે બાલસ્વરૂપ ગોપાલજીની જલયાત્રા (નૌકા વિહાર)
જગતમંદિરમાં શ્રીજીના જયેષ્ઠાભિષેક ઉત્સવ નિમિતે જલયાત્રા ઉત્સવની પૂર્વ તૈયારી રૂપે આવતીકાલે જગતમંદિરના પૂજારી પરિવારના પુરૂષો તથા મહિલાઓ દ્વારા ચાંદીના બેડાં, ચાંદીની તાંબડી તેમજ વિવિધ ચાંદીના વાસણોમાં દ્વારકાના અતિ પ્રાચીન અને પવિત્રશ્રી ભદ્રકાલી માતાજીના મંદિર પાસેના અઘોર કુંડમાંથી પૂજા કરી કુંડના પવિત્ર જલને શાસ્ત્રોકત વિધિથી બેન્ડ વાજા સાથે વાજતે ગાજતે દ્વારકા શહેરના રાજમાર્ગો પર થઈ જગતમંદિર ખાતે લઈ જવામાં આવશે. ગ્રીષ્મ ઋતુમાંથી વર્ષા ઋતુ આવતી હોય આ પવિત્ર જલને વિવિધ ઔષધિયુક્ત બનાવી રાત્રિ અધિવાસન કરી શુક્રવારે આ પવિત્ર જલથી ઠાકોરજીને જલાભિષેક કરાશે તેમજ સાંજના સમયે જગતમંદિરમાં પવિત્ર જલથી જલ કુંડ (હોજ) ભરવામાં આવશે જેમાં ભગવાનનું બાલ સ્વરૂપ ગોપાલજીને નાવમાં બિરાજમાન કરી નૌકા ઉત્સવ એટલે કે જલયાત્રા ઉત્સવ મનોરથની ઊજવણી કરાશે જેનો લાભ દેશવિદેશના ભાવિકોને પ્રત્યક્ષ તેમજ ઓનલાઈનના માધ્યમથી મળશે.
જગતમંદિરમાં ઠાકોરજીના દર્શન સમયમાં ફેરફાર
શુક્રવારે જગતમંદિરમાં શ્રીજીના જેષ્ઠાભિષેક ઉત્સવ નિમિતે ઠાકોરજીના નિત્યક્રમમાં જરૂરી ફેરફાર નોંધાયો છે. જે મુજબ શુક્રવારે મંગલા આરતી બાદ ઠાકોરજીને ખુલ્લાં પડદે સ્નાન સવારે ૮:૦૦ થી ૮:૪૫ સુધી યોજવામાં આવનાર છે. શૃંગાર આરતી તેમજ અનોસર (બંધ) નિત્યક્રમાનુસાર યોજાશે. ઉત્સવ તેમજ ઉત્થાપન દર્શન સાંજે ૫ કલાકે તથા જલયાત્રા (નૌકાવિહાર) દર્શન સાંજે ૭:૦૦ સુધી યોજવામાં આવનાર છે.
દ્વારકાના દરિયાકાંઠે અરબી સમુદ્રના પાણીમાં જોવા મળતો કરન્ટ ૧૦-૧૨ ફૂટ ઊંચા ઉછળતા
મોજાં
હાલમાં ચોમાસાની સીઝન શરૂ થઈ ગઈ છે ત્યારે અરબી સમુદ્રના પાણીમાં પણ ચોમાસાની ઋતુઅનુસાર કરન્ટ જોવા મળી રહયો છે જેના કારણે દ્વારકાના દરિયકાકાંઠાળા વિસ્તારોમાં વિશાળકાય મોજાંઓ ઉછળતાં જોવા મળી રહ્યા છે. આશરે દસ થી બાર ફૂટ જેટલાં ઉછળતાં મોજાંઓને કારણે દરિયા કિનારે સહેલાણીઓને સ્નાન તથા મોજાનો લુત્ફ ઉઠાવવો જોખમી બન્યો હોય તંત્ર દ્વારા સમયાંતરે પગલાં લેવાઈ રહયા છે.
સાદડી (દ્વારકા)
દ્વારકાના પૂર્વ તલાટીમંત્રી સ્વ.ઉપેન્દ્રભાઈ રામશંકર ભટ્ટના ધર્મપત્ની રંજનબેન ઉ.વ.૭૫, તે પરેશ ભટ્ટ (દ્વારકા નગરપાલિકાના કર્મચારી) તથા ચિરાગ ભટ્ટના માતૃશ્રી તેમજ કેવલ તથા નિર્જરના દાદીનું તા.૧૮-૦૬-૨૦૨૪ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતની સાદડી તા.ર૦-૦૬-૨૦૨૪ને ગુરૂવારના રોજ ગુગળી બ્રાહમણ બ્રહમપુરી નં.(૨), દ્વારકા મુકામે સાંજે ૫:૦૦ થી ૫:૩૦ દરમ્યાન ભાઈઓ તથા બહેનો માટે રાખેલ છે.
વૈષ્ણવ સંપ્રદાય દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી વિરોધ દર્શાવ્યો
બોલીવુડની નિર્માણાધીન મહારાજ ફીલ્મમાં કથિત રીતે ફીલ્માંકન થયેલ વિવાદાસ્પદ હિસ્સાઓ વિરૂધ્ધ દેશભરમાં ઠેર ઠેર વિરોધ ઉઠી રહયો છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ મહારાજ ફિલ્મના રીલીઝને રોકવા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. ખંભાળીયાના વૈષ્ણવ સંપ્રદાયના હોદ્દેદારો તથા અગ્રણીઓની આગેવાનીમાં આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટરને પાઠવવામાં આવેલ આવેદનપત્ર અનુસાર મહારાજ ફીલ્મની કથામાં શ્રીકૃષ્ણ એવમ મહાપ્રભુજી વિશે ખૂબ જ બિભત્સ ચિત્રણ કરવામાં આવેલ છે અને ખોટી રીતે લખવામાં આવેલ છે જે વૈષ્ણવો સાંખી લેશે નહિં તેમ જણાવી આ ફીલ્મની રીલીઝને રોકવા સરકારમાં ઉચ્ચકક્ષાએ વિરોધ નોંધાવવા અનુરોધ કર્યો છે. આ અંગે સ્થાનીય સાંસદ, ધારાસભ્ય તથા કેબીનેટ મંત્રી તેમજ રાજયના ગૃહ વિભાગને પણ સૂચિત કરાયા છે.
‘સ્વયં અને સમાજ માટે યોગ’ થીમ અન્વયે દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ખંભાળીયા ખાતે જિલ્લાકક્ષાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવાશે
‘સ્વયં અને સમાજ માટે યોગ’ થીમ અન્વયે આગામી ૨૧મી જુનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઊજવણી કરવામાં આવનાર છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જીલ્લામાં જીલ્લા કક્ષાની ઊજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખંભાળીયા ખાતે કરવામાં આવશે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જીલ્લાના બે આઈકોનિક સ્થળ નવલખા મંદિર અને સુદર્શન સેતુ ખાતે પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દિવસની ઊજવણી કરવામાં આવશે. ઉપરાંત તાલુકા કક્ષાએ પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. જેમાં ખંભાળીયા તાલુકા કક્ષાનો કાર્યક્રમ આર.એન.વારોતરીયા વિદ્યાલય, ભાણવડ તાલુકા કક્ષાનો કાર્યક્રમ પુરૂષાર્થ વિદ્યામંદિર, કલ્યાણપુર તાલુકા કક્ષાનો કાર્યક્રમ જી.એમ.ડી.સી.સ્કુલ નંદાણા તથા દ્વારકા તાલુકા કક્ષાનો કાર્યક્રમ એન.ડી.એચ. હાઈસ્કુલ ખાતે યોજાશે તેમજ નગરપાલિકા કક્ષાએ તથા જીલ્લાના તમામ ગામો, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, કોલેજો, આઈ.ટી.આઈ. સહિતના યુનિટોમાં યોગ દિવસની ઊજવણી કરવામાં આવશે.
મહેંદ્ર કક્ક્ડ