યાત્રાધામ દ્વારકામાં આવેલ સુપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરમાં આસપાસની ગીચતા અને સતત વધતા જતા દર્શનાર્થીઓના ટ્રાફીકને લીધે તેમજ મંદિરની ભવ્યતામાં વધારો કરવાની નેમ સાથે કેન્દ્ર સરકારે ગત વર્ષની આખરમાં ડિસેમ્બર ર0રર માં દ્વારકા કોરીડોર પ્રોજેકટની જાહેરાત કરેલ જેનું ઉદ્ઘાટન જન્માષ્ટમી દરમ્યાન કરવાનું પ્રારંભિક પ્લાનિંગ કરાયું હતું પરન્તુ જન્માષ્ટમીમાં યાત્રીકોની ચિક્કાર ગીર્દી રહેતી હોય ખાતમુહૂર્ત પાછળ ઠેલાયું છે અને નજીકના સમયમાં જ કોરીડોર પ્રોજેકટના ભવ્યાતિભવ્ય ખાતમુહૂર્તની સંભાવના જોવાઈ રહી છે. કોરીડોર પ્રોજેકટ અનુસંધાને શરૂ કરાયેલ સર્વેની કામગીરી પૂર્ણતાની આરે છે. ખાતમુહૂર્ત સાથે જ દ્વારકા કોરીડોરની કામગીરી શરૂ થાય તેવી સંભાવના છે.
આ સાથે જ ભગવાન શ્રીકૃષ્ણ ગોકુળ મથુરા – વૃંદાવનમાં બાળ ક્રીડા બાદ દ્વારકા આવ્યા અને રાજાધિરાજ દ્વારકાધીશે અહીંની ભૂમિને કર્મભૂમિ બનાવી હતી. કૃષ્ણની કર્મભૂમિમાં ભગવાન શ્રીકૃષ્ણની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના નિર્માણની પણ જાહેરાત કરાઈ હોય જેના કારણે પણ કોરીડોર પ્રોજેકટના વિકાસની સાથે સાથે શ્રીકૃષ્ણની બેનમૂન પ્રતિમા નિર્માણ માટેની પૂર્વ તૈયારીઓ પણ શરૂ કરી દેવાઈ છે.
ચાર ધામ પૈકીનું એક ધામ અને સપ્તપુરી પૈકીની એક પુરી તરીકે દ્વારકાની ગણના થતી હોય વળી દેશભરમાં આવેલ ચાર પ્રમુખ મઠ પૈકી શારદામઠ અહીં આવેલ હોય જ્યાં શંકરાચાર્ય બિરાજમાન હોય ત્યારે દ્વારકા યાત્રાધામનું મહત્ત્વ અનેકગણું વધી જાય છે. છેલ્લાં દાયકામાં ટુરીઝમના વિકાસની સાથે સાથે યાત્રીકોના ઘસારામા દિન પ્રતિદિન વધારો થતો ગયો હોય ત્યારે દર વર્ષે લાખો ભાવિકો જગતમંદિરના દર્શન કરતાં હોય છે. જેમને હાલની સંકળામણ ભરી ગીચ વ્યવસ્થાને લીધે વ્યાપક મુશ્કેલીઓ પડતી હોય છે. જે રીતે કાશીમાં ભગવાન કાશીવિશ્વનાથ મંદિરના કોરીડોરનો વિકાસ કરાયો તેવી જ તર્જ ઉપર દ્વારકા કોરીડોરનું નિર્માણ કરવામાં આવનાર હોય જેના લીધે મંદિરની ભવ્યતામાં વધારાની સાથોસાથ યાત્રીકલક્ષી સુવિધાઓમાં પણ અનેકગણો વધારો થશે.
હાલમાં આવેલ મંદિરના મુખ્ય રસ્તાને પહોળો કરવા માટે રહેણાંક તેમજ દુકાનો મળીને 100 થી વધારે મિલકતો તોડવી પડે તેમ હોય આ તમામને વળતરની ચૂકવણી સહિતનો અભ્યાસ દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે.
દ્વારકાધીશ મંદિરમાં ઠાકોરજીના દર્શનનું જેટલું મહત્ત્વ માનવામાં આવે છે તેટલું જ મહત્ત્વ યાત્રાધામમાં આવેલ પૌરાણિક ગોમતી નદીમાં સ્નાનનું રહેલું છે. સદીઓથી અહીં સાંકડા ઘાટ પરથી ભાવિકો દર્શન કરી પુણ્યનું ભાથું બાંધ્યા બાદ સ્વર્ગ દ્વારેથી દ્વારકાધીશના દર્શન કરતા હોય લાખોની અવરજવરવાળા આ સોળ જેટલાં સાંકડા ગોમતી ઘાટનું પણ વિસ્તૃતીકરણ કરાશે.
દ્વારકાધીશ મંદિરે યાત્રાળુઓના પ્રવાહમાં સતત વધારો જોતાં કોરીડોર પ્રોજેક્ટની જરૂરીયાત ઉભી થતાં સરકાર દ્વારા તેની જાહેરાત બાદ ટૂંક સમયમાં ખાતમુહુર્ત કરાયા બાદ આ પ્રોજેક્ટની પૂર્ણતા સાથે મંદિરમાં યાત્રીકલક્ષી સુવિધાઓમાં અનેકગણો વધારો થનાર હોય તેમજ સંભવત: ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિમાના નિર્માણ અને બેટ દ્વારકાના સિગ્નેચર બ્રીજની પૂર્ણતા તેમજ શિવરાજપુર બીચના ફેઇઝ વાઇઝ ડેવલોપમેન્ટ પ્રોગ્રામની પૂર્ણતાની સાથે સાથે સમગ્ર દ્વારકા ક્ષેત્રના સર્વાગી વિકાસની સાથે સાથે ટુરીઝમને જબરદસ્ત બુસ્ટઅપ મળશે.