અબતક, રાજકોટ
કોર્પોરેશનની વેરા વસૂલાત શાખાએ આજે બાકીદારો સામે લાલ આંખ કરતા બપોર સુધીમાં શહેરના અલગ-અલગ વોર્ડમાં 47 મિલકતો સીલ કરી હતી. જ્યારે 17 મિલકતધારકોને ટાંપ જપ્તીની નોટિસ ફટકારવામાં આવી છે. બાકી વેરા પેટે 70 લાખની વસૂલાત થવા પામી હતી. બાકી વેરો વસૂલા માટે આજે ડેપ્યુટી મ્યુનિ.કમિશનર એ.આર.સિંઘ મેદાનમાં ઉતર્યા હતા.
આજે હાથ ધરવામાં આવેલી ટેક્સ રિક્વરીની કામગીરી અંતર્ગત વોર્ડ નં.1માં જાસલ કોમ્પ્લેક્સમાં ચાર મિલકત, સ્વપ્નલોક રેસિડેન્સીમાં એક દુકાન, વોર્ડ નં.4માં મોરબી રોડ પર કોમર્શિયલ યુનિટ, વોર્ડ નં.7માં પંચનાથ પ્લોટમાં ગાંધી ભવન કોમ્પ્લેક્સમાં એક મિલકત, પ્રમુખ સ્વામી આર્કેટમાં છ મિલકત, વોર્ડ નં.8માં કાલાવડ રોડ પર રોયલ ફેમીલી સ્પા, વોર્ડ નં.9માં સાધુવાસવાણી રોડ કોમર્શિયલ મિલકત, વોર્ડ નં.10માં યુનિવર્સિટી રોડ પર શ્રીગુરૂ ઓટો કેર, રૈયા રોડ પર એક કોમર્શિયલ યુનિટ, વોર્ડ નં.18માં આરતી સોસાયટીમાં એક મિલકત, ફરસાણા ઇન્ડસ્ટ્રી વિસ્તારમાં એક મિલકત, ઢેબર રોડ પર બે ઇન્ડસ્ટ્રીયલ યુનિટ, અટીકામાં સન રાઇઝ પ્લાસ્ટિકને સીલ કરી દેવામાં આવી હતી.
આજે સેન્ટ્રલ ઝોનમાં 14 મિલકત, વેસ્ટ ઝોનમાં 11 મિલકત અને ઇસ્ટ ઝોનમાં 22 મિલકતોને સીલ કરવામાં આવી છે.
જ્યારે અનુક્રમે 9 મિલકત, 4 મિલકત, 4 મિલકત ટાંચ જપ્તીની નોટિસ ફટકારવામાં આવી છે. બપોર સુધીમાં 69.67 લાખની વસૂલાત થવા પામી છે.