પોલીસે સામસામી ફરિયાદ પરથી આઠ મહિલા સહિત 20 સામે ગુનો નોંધ્યો
ધ્રાંગધ્રા તાલુકાના વાવડી ગામે સગા ભાઈઓના પરિવારો વચ્ચે ધારિયા,પાઈપ અને ધોકાથી સશસ્ત્ર મારામારી થતા બન્ને જૂથના કુલ દસ વ્યક્તિઓને ગંભીર ઈજા થવા પામી હતી. તે તમામને સારવાર માટે સુરેન્દ્રનગર લાવવામાં આવ્યા હતા. આ અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસમાં સામસામી ફરિયાદો નોંધવામાં આવતા આઠ મહિલા સહિત વીસ વ્યક્તિ સામે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કરાયા છે.
આ બનાવની વિગત એવા પ્રકારની છેકે, વાવડી ગામે અરજણ વાલાભાઈ, કાનાભાઈ વાલાભાઈ, દલાભાઈ વાલાભાઈ, રામજીભાઈ વાલાભાઈ અને સ્વ.ભીમાભાઈ વાલાભાઈના પરિવારો રહે છે. ધ્રાંગધ્રા તાલુકા પોલીસમાં વાલીબેન ભીમાભાઈ પરમારે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યુ છેકે, વાવડી ગામની સીમમાં તેમના અને તેમના જેઠના ખેતરો બાજુબાજુમાં આવેલા છે. બનાવના દિવસે ખેતર વચ્ચે તાર બાંધવા બાબતે કાનાભાઈ વાલાભાઈ અને રામાભાઈ વાલાભાઈએ ગાળો દઈને પથ્થરના છુટ્ટા ઘા કર્યા હતા.
બાદમાં અન્યોએ પાવડા,ધારિયા અને ધોકાથી હુમલો કરી દલાભાઈ વાલાભાઈ, વિનોદ દાનાભાઈ અને અરજણ વાલાભાઈને ઈજા કરી હતી. જેમાં દલાભાઈને માથામાં ગંભીર ઈજા થતા સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડાયા છે. આ બનાવમાં પોલીસે કાનાભાઈ વાલાભાઈ રામાભાઈ વાલાભાઈ તેમના દિકરાઓ કિશન કાના, દિપક કાના, લવજી કાના, તેમજ ગૌરીબેન કાનાભાઈ, પારૂલબેન ભોપાભાઈ, ચંદ્રીકાબેન રામભાઈ, હંસાબેન દીપાભાઈ તથા કંકુબેન કિશનભાઈ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.