ચાર વર્ષથી પાણી મળતું ન હોવાથી લોકો કંટાળ્યા
‘પાણી આપો, પાણી આપો’ના સુત્રોચ્ચાર સાથે ટોળુ મ્યુ. કચેરી, ડે. કલેકટર કચેરીએ પહોંચ્યું
વહેલામાં વહેલી તકે પાણી પહોંચાડવા તંત્રની ખાત્રી
ધોરાજીના વોર્ડનં.૮ના ઋષિવાડી વિસ્તારનાં લોકોએ પીવાના પાણીના પ્રશ્ને ડે. કલેકટર કચેરીએ જઈ પાણી આપો, પાણી આપોના નારા સાથે હલ્લાબોલ કર્યું હતુ ડે. કલેકટર મીયાણી તથા ચીફ ઓફીસર ત્રિવેદીએ લતાવાસીઓને સાંભળી શકય તેટલુ વહેલી તકે પાણી પૂરૂ પાડવા ખાત્રી આપી મામલો થાળે પાડયો હતો.
શહેરના વોર્ડ નં.૮ના ઋષિવાડી વિસ્તારમાં ચાર વર્ષ પહેલા ભૂગર્ભ ગટર નાખવામાં આવી છે. આ ગટરના કામ દરમિયાન ખોદકામ વખતે આ વિસ્તારની કેટલીય પાણીની લાઈન ભાંગી હતી જેથી પાણી વિતરણ વ્યવસ્થા ખોરંભાઈ હતી. કેટલાક વિસ્તારમાં પાણીની લાઈનને મોટુ નુકશાન થયું હોવાથી ૨૫ જેટલા પરિવારોને તો ચાર વર્ષથી પીવાનું પાણી મળ્યું જ નથી.
વોર્ડ વિસ્તારમાં પાણીની સમસ્યા અંગે લોકોએ અવાર નવાર પાલીકા કચેરીએ રજૂઆત કરી હતી આમ છતાં પાણી પ્રશ્ન ઉકેલાયો નહતો. પીવાનું પાણી નહી મળતા કંટાળીને આખરે ઋષિવાડી વિસ્તારની મહિલાઓ, પૂરૂષોએ એકઠાથઈ પાલીકા કચેરીએ પાણી આપો પાણી આપોના સુત્રોચ્ચાર કર્યા હતા. પાલીકા કચેરીએ ચીફ ઓફીસર હાજર ન હોવાથી લતાવાસીઓપાણી આપો, પાણી આપોના સૂત્રોચ્ચાર સાથે ડે. કલકેટર કચેરીએ ગયા હતા. જયાં પાણી આપો પાણી આપોનાં સુત્રોચ્ચાર કર્યા હતા.ડે. કલેકટર કચેરીએ ઉપસ્થિત ડે.કલેકટર મીયાણી તથા ચીફ ઓફીસર ત્રિવેદીએ લોકોની રજૂઆત શાંતિપૂર્વક સાંભળી હતી અને પાણી આપવા શકય તેટલી ઝડપ કરાશે તેવી હૈયા ધારણા આપી હતી.