ઘરકામ કરીને પેટિયું રડતી મહિલાએ બીમારીની વધુ પડતી દવા ગટગટાવી
શહેરના ધરમ નગર વિસ્તારમાં સંતાનોની ચિંતામાં માતાએ આપઘાતનો પ્રયાસ કરતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ઘરકામ કરીને પેટિયું રડતી મહિલાએ બીમારીની વધુ પડતી દવાઓ ગટગટાવી હતી.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના ધરમ નગર વિસ્તારમાં આવાસ ક્વાટરમાં રહેતી જાગૃતિબેન જીતેન્દ્રભાઇ જેઠવા નામની ૪૦ વર્ષીય મહિલાએ પોતાના ઘરે બીમારીની વધુ પડતી દવા ગટગટાવી લેતાં તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે યુનિવર્સિટી પોલીસ મથકને જાણ થતાં સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ જાગૃતિબેન જેઠવા ઘરકામ કરીને પેટિયું રડતા હતા. જેમાં પોતાના સંતાનોનું કેવી રીતે પૂરું કરશે તેની ચિંતામાં આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.