મોદી મંત્ર-1 : દેણું કરીને ઘી પીવાય
પુરા થતા વર્ષમાં ફેબ્રુઆરી સુધીમાં રાજકોષિય ખાધ લક્ષ્યાંકના 83 ટકા એટલે કે રૂ. 14.5 લાખ કરોડે પહોંચી
અર્થતંત્રને મજબુત બનાવવાના વડાપ્રધાન મોદીના મંત્રને લીધે હવે રાજકોશીય ખાધ અસર દેખાવા લાગી છે. વિકાસ માટે જરૂરી એવી રાજકોશિય ખાધ હવે અંકુશમાં આવી ગઈ છે.પુરા થતા વર્ષમાં ફેબ્રુઆરી સુધીમાં રાજકોષિય ખાધ લક્ષ્યાંકના 83 ટકા એટલે કે રૂ. 14.5 લાખ કરોડે પહોંચી છે.
નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ 11 મહિનામાં રાજકોષીય ખાધ 14.53 લાખ કરોડ રૂપિયા રહી છે, જે સમગ્ર વર્ષ માટે સરકારના લક્ષ્યાંકના 83 ટકા છે. જે ગયા વર્ષના પ્રથમ 11 મહિનામાં 13.2 લાખ કરોડ રૂપિયા હતો. કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સે આ આંકડા જાહેર કર્યા છે.
કેન્દ્ર સરકારનો અંદાજ છે કે 2022-23 માટે રાજકોષીય ખાધ 17.55 લાખ કરોડ રૂપિયા હોઈ શકે છે, જે જીડીપીના 6.4 ટકા હોઈ શકે છે. સીજીએ ડેટા અનુસાર, 11 મહિનામાં નેટ ટેક્સ કલેક્શન રૂ. 17,32,193 કરોડ રહ્યું છે. જે 2022-23ના સુધારેલા અંદાજના 83 ટકા છે.
કેન્દ્ર સરકારે 2022-23 માટે રાજકોષીય ખાધનો લક્ષ્યાંક 16.61 લાખ કરોડ રૂપિયાથી વધારીને 17.55 લાખ કરોડ રૂપિયા કર્યો છે. ભારતીય અર્થવ્યવસ્થાનું કદ બજેટ અંદાજ કરતાં વધુ થવાનું છે, પરંતુ રાજકોષીય ખાધ જીડીપીના 6.4 ટકા હોઈ શકે છે. અને એવું માનવામાં આવે છે કે સરકાર ચોક્કસપણે આ લક્ષ્ય હાંસલ કરશે.
જો આપણે સરકારની આવક પર નજર કરીએ તો એપ્રિલથી ફેબ્રુઆરી વચ્ચે સરકારની ટેક્સ કલેક્શનમાંથી આવકમાં 12 ટકાનો ઉછાળો આવ્યો છે. આઇસીઆરએના મુખ્ય અર્થશાસ્ત્રી અદિતિ નાયરે જણાવ્યું હતું કે 2022-23માં રાજકોષીય ખાધના લક્ષ્યાંકને પહોંચી વળવા માટે માર્ચ મહિનામાં ગ્રોસ ટેક્સ રેવન્યુમાં વાર્ષિક ધોરણે 14 ટકાની વૃદ્ધિ હોવી જરૂરી છે. જો આપણે ખર્ચના મોરચે જોઈએ તો એપ્રિલથી ફેબ્રુઆરી દરમિયાન ખર્ચમાં 11.1 ટકાનો વધારો થયો છે પરંતુ ફેબ્રુઆરીમાં તે 2.6 ટકા ઓછો રહ્યો છે.
ફેબ્રુઆરી મહિનામાં કેન્દ્રનો મૂડી ખર્ચ રૂ. 20,335 કરોડ હતો જે એક વર્ષ અગાઉ ફેબ્રુઆરી 2022માં રૂ. 43,495 કરોડ હતો. જુલાઈ 2021ના રૂ. 16,932 કરોડના આંકડા પછી ફેબ્રુઆરી 2023માં મૂડીખર્ચ સૌથી ઓછો છે.
2022-23 માટે 7.28 લાખ કરોડના મૂડી ખર્ચના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે સરકારે માર્ચમાં 1.38 લાખ કરોડ રૂપિયા ખર્ચવા પડશે. ફેબ્રુઆરી મહિનામાં રાજકોષીય ખાધ 2.63 લાખ કરોડ રૂપિયા રહી છે, જે ફેબ્રુઆરી 2022ની સરખામણીમાં 30.5 ટકા ઓછી છે.