યુવાન રાત્રે સુતો હતો ત્યારે અજાણ્યા શખ્સોએ બનાવને આપ્યો અંજામ
અબતક,સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર
ચુડા તાલુકાના ખાંડીયા ગામના દશરથ જીવાભાઈ મેળજીયા મંગળવારે રાત્રે ઘરે સુવા ગયો હતો. બુધવારે સવારે દશરથ નહીં જગતા તેનો કૌટુંબિક ભાઈ રામદેવ મેળજીયા મકાનની દિવાલ ઢેકીને અંદર પ્રવેશ્યો હતો. દશરથ જે રૂમમાં સુતો હતો ત્યાં જઈને જોયું તો દશરથનું મોઢું કાળા રંગની પ્લાસ્ટિકની કોથળીથી ઢાંકેલું હતું. તેના શરીરમાં હલનચલન નહીં જોતાં પરિવારે ચુડા પોલીસને જાણ કરી હતી. ચુડા પોલીસે તપાસ કરતાં દશરથ મૃત હાલતમાં મળી આવ્યો હતો. પરિવારે દશરથની હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરતાં એફએસએલ અને ડોગ સ્કવોડની મદદ લેવામાં આવી હતી.
દશરથના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ચુડા હોસ્પિટલે ખસેડી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો. દશરથે આત્મહત્યા કરી કે તેની હત્યા કરવામાં આવી સહિતના અનેક સવાલો ઊભા થયા હતા.
ચુડા સે.પીએસઆઈ ડી.જી.પરમારે જણાવ્યું હતું કે દશરથનો પીએમ રિપોર્ટ આવી ગયો છે. પીએમ રિપોર્ટ ઉપરથી જાણી શકાયું છે કે દશરથે આત્મહત્યા નહોતી કરી પરંતુ તેની હત્યા કરવામાં આવી હતી. 1થી વધુ ઈસમોએ મળીને હત્યાને અંજામ આપ્યો હતો.દિવ્યાંગ અને શારીરિક અશક્ત દશરથના બન્ને હાથ પકડી મોઢાનાં ભાગે પ્લાસ્ટિકની 2 કોથળી પહેરાવી ગળાના ભાગે કપડાની પટ્ટીઓથી ગળુ દબાવી ગુંગળાવીને તેની હત્યા કરવામાં આવી હોય તેવું પ્રાથમિક તારણ આવી રહ્યું છે. દશરથના જમણા હાથની 2 આંગળીઓમાં લોહીના ડાઘા જોવા મળ્યા છે. અમે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે.