ભાણેજ સાથે થયેલા ઝઘડાના પ્રશ્ને માસીના ઘર પર સોડા બોટલ અને પથ્થરોના ઘા કરી ધમાલ મચાવતા નોંધાતો ગુનો
નવા થોરાળા મેઈન રોડ પર બાપા સીતારામનગરમાં રહેતી યુવતી ગઈકાલે તેના ચુનારાવાડમાં રહેતા માસીના ઘરે હતી ત્યારે તેમના મકાનમાં આઠેક શખ્સોએ સોડા બોટલના છુટ્ટા ઘા કરી પથ્થરમારો કર્યા બાદ તેના મકાનમાં ઘુસી ઘરવખરીનો સામાન તોડફોડ કર્યાની થોરાળા પોલીસમાં ફરીયાદ નોંધાઈ છે.
વિગતો મુજબ થોરાળા પોલીસે સંગીતાબેન વિનુભાઈ ગોહેલ (ઉ.વ.29)ની ફરીયાદ પરથી અજય ઉર્ફે ટોપી, વિજય ઉર્ફે ગડો, જેનીશ, કુલદીપ ઉર્ફે કુલી, સુનીલ ઉર્ફે ચુંગો, ગોપાલ ભરવાડ, પ્રદીપ ધાંધલ અને તેની સાથેના અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કર્યો હતો.સંગીતાબેને પોલીસને જણાવ્યું હતું કે તે ગઈ તા.29ના તેના માસી વર્ષાબેનના ઘરે પિતૃકાર્ય હોવાથી તે, તેની બહેન અને ભાઈ વિજય સાથે ત્યાં ગયા હતા. વિજયના બુલેટમાં અને તેની બહેન તેના માસીના દીકરા સાથે સ્કુટરમાં ઘરે જઈ રહ્યા હતા. ત્યારે કુબલીયાપરા નજીક આરોપીઓ હાથમાં ધોકા, પાઈપ સાથે ઉભા હોય અને તેના ભાઈ વિજયને આરોપીઓ સાથે અગાઉ અણબનાવ અને માથાકુટ ચાલુ હોવાથી તેણે વિજયને આપણે માસીના ઘરે પરત જતા રહીએ કહેતા બન્ને માસીના ઘરે જવા રવાના થયા હતા.
તે કુબલીયાપરા પાસે પહોંચતા આરોપીઓ તેના બાઈકો પર પાછળ આવતા તે ડરી ગયા હતા. આથી તેના ઘરે જતા રહ્યા હતા. જ્યારે તેની બહેન અને માસીનો દીકરો સ્કુટર પર પોલીસને જાણ કરવા ગયા હતા. રાત્રે તે માસીના ઘરે હતા. ત્યારે ત્યાં ધસી આવેલા આરોપીઓએ તેના માસીના મકાન ઉપ2 સોડા બોટલના છુટ્ટા ઘા કરી પથ્થરમારો કર્યો હતો. એટલીવારમાં પોલીસ આવી જતા આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા. ત્યારબાદ તે, તેના ભાઈ સહિતના પોલીસ મથકે ફરીયાદ કરવા આવતા તેના બાપાસીતા રામનગરવાળા ઘરની પાસે રહેતા પાડોશીએ તેને ફોન કરી આરોપીઓ તેના મકાનમાં ઘુસી તોડફોડ કર્યાની જાણ કરતા તેણે તેના ભાઈ વિજયને તપાસ કરવા મોકલ્યો હતો. જ્યાં જઈ પરત પોલીસ મથકે આવેલા વિજયે ઘરમાં ફ્રિઝ, ટીવી, પંખા સહિતની ઘરવખરીના સામાન તોડફોડ કરાયાનું જાણવા મળતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.