૧૧૪૯૬ બોટલ દારૂ, ટ્રક, રોકડા મળી રૂ.૬૮ લાખનો મુદામાલ કબજે: સ્ટેટ વિજિલન્સના દરોડાથી સ્થાનિક પોલીસમાં ફફડાટ
સૌરાષ્ટ્ર-કચ્છમાં મોટાપાયે વિદેશી દારૂ ઘુસાડવા બુટલેગરો સક્રિય થયાની મળેલી માહિતીના આધારે રાજકોટ આર.આર.સેલે સાયલા નજીકથી અને સુરેન્દ્રનગરના દશાડા પાસેથી સ્થાનિક પોલીસે મોટીમાત્રામાં શરાબનો જથ્થો પકડયા બાદ આજે સ્ટેટ વિજિલન્સની સ્કોર્ડ દ્વારા ચોટીલાની સપના હોટલ પાસે ટ્રેઈલરમાંથી ૧૧૪૯૬ બોટલ વિદેશી દારૂ સાથે ચાલકની ધરપકડ કરી રૂ.૬૮ લાખનો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સ્ટેટ વિજીલન્સ સ્કોડના પી.એસ.આઈ એન.જી.સોલંકી સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં દારૂ ઘુસાડવામાં આવતો હોવાની માહિતીના આધારે સ્ટાફ માર્ગ પર સઘન ચેકિંગ ઝુંબેશમાં હતા ત્યારે ચોટીલાની સપના હોટલ સામે આર.જે.૧૯ જી.બી.૪૦૩૬ નંબરના ટ્રેઈલરમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની ચોકકસ બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડયો હતો.
પોલીસે ટ્રેઈલરની તલાશી લેતા રૂ.૪૮ લાખની કિંમતનો અલગ-અલગ બ્રાન્ડનો ૧૧૪૯૬ બોટલ દારૂ સાથે ટ્રેઈલરના ચાલક રાજસ્થાનવાળા પન્નારામ કિસ્તુરારામ જાટ ચૌધરી નામના શખ્સની ધરપકડ કરી પોલીસે દારૂ, ટ્રેઈલર, મોબાઈલ અને રોકડા મળી રૂ.૬૮ લાખનો મુદામાલ કબજે કરી ચોટીલા પોલીસ મથકમાં ફરિયાદ આપી છે.
ઝડપાયેલા ચાલકની પુછપરછમાં આ દારૂનો જથ્થો મોબાઈલ નંબરવાળા શખ્સ સામે તેમજ માલ મોકલનાર કિશનસિંગ ઉર્ફે કનુભા સોઢા, ટ્રેઈલરના માલિક સામે ગુનો નોંધી નાસી છુટેલા શખ્સની શોધખોળ આદરી છે.
આ દારૂનો જથ્થો હરિયાણાના રાજગઢથી લાવવામાં આવ્યો હોવાનું ખુલ્યું છે. ઉપરાંત સ્ટેટ વિજીલન્સે મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો પકડયો હોય આથી સ્થાનિક પોલીસના ટપેલા ચડી જવાની આશંકા સેવાઈ રહી છે.