- ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં સૌથી વધુ 226 જેટલા વિદ્યાર્થીઓ સામે કોપી કેસ કરવામાં આવ્યા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં લેવામાં આવેલી ધોરણ-10 અને 12ની પરીક્ષા પુર્ણ થયા બાદ સીસીટીવી ફૂટેજની ચકાસણી હાથ ધરવામાં આવી હતી.
ચકાસણીના અંતે શંકાસ્પદ કોપી કેસની વિગતો બોર્ડને મોકલવામાં આવી હતી. જેમાં 400 કરતા વધુ વિદ્યાર્થીઓ કોપી કરતા હોવાનું જણાતા તેમની સામે કોપી કેસ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. જેમાં ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં સૌથી વધુ 226 જેટલા વિદ્યાર્થીઓ સામે કોપી કેસ કરવામાં આવ્યા છે. બોર્ડની પરીક્ષા દરમિયાન માત્ર 42 વિદ્યાર્થીઓ સામે કોપી કેસ કરવામાં આવ્યો હતો. આમ, બોર્ડની પરીક્ષા અને ફૂટેજના મળી કુલ 452 જેટલા વિદ્યાર્થીઓ સામે કોપી કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને 12ની પરીક્ષા 11 માર્ચથી 26 માર્ચ દરમિયાન લેવામાં આવી હતી. પરીક્ષા વખતે વિદ્યાર્થી કોપી કરતા જણાત તો તેમને પકડી તેમની સામે કોપી કેસ કરવામાં આવતો હોય છે. જેથી પરીક્ષા વખતે 42 જેટલા વિદ્યાર્થીઓ કોપી કરતા પકડાતા તેમની સામે કોપી કેસ કરાયો હતો.
જેમાં ધોરણ-10માં 15 વિદ્યાર્થીઓ સામે કોપી કેસ કરાયો હતો. જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં 19 વિદ્યાર્થી, ધોરણ-12 સાયન્સમાં 7 વિદ્યાર્થી અને ગુજકેટમાં 1 વિદ્યાર્થી સામે પરીક્ષા વખતે કોપી કેસ કરવામાં આવ્યો હતો. પરીક્ષા ચાલુ હતી તે દરમિયાન જ જિલ્લા કક્ષાએ સીસીટીવી ફૂટેજની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ જે વિદ્યાર્થી શંકાસ્પદ જણાય તેમનું હિયરીંગ કરી તે અંગેનો અહેવાલ બોર્ડને સુપરત કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી 3 એપ્રિલ સુધીમાં પુર્ણ થયા બાદ સમગ્ર રાજ્યમાંથી ફૂટેજની ચકાસણી દરમિયાન 410 કોપી કેસ નોંધાયા હોવાનું જાણવા મળે છે.
જેમાં ધોરણ-10માં 170 વિદ્યાર્થીઓ ફૂટેજમાં કોપી કરતા પકડાયા હતા. જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં 226 વિદ્યાર્થીઓ કોપી કરતા જણાતા તેમની સામે કોપી કરાયો છે. આ ઉપરાંત ધોરણ-12 સાયન્સમાં પણ 14 વિદ્યાર્થીઓ કોપી કરતા જણાયા હતા. આમ, ફૂટેજની ચકાસણી વખતે 410 વિદ્યાર્થી અને પરીક્ષા વખતે પકડાયેલા 42 વિદ્યાર્થી મળી કુલ 452 વિદ્યાર્થીઓ સામે કોપી કેસ કરવામાં આવ્યો છે.