પિતૃ મોક્ષ મહિનામા રીત રીવાજ માટે બલી ચડાવવી, પોતાના સ્વજનોનો ભોગ ધરવાની અંધશ્રધ્ધાના અતિરેક જેવી ઘટના અટકાવવા જગૃતિ લાવવી જરુરી: જયંત પડંયા
જસદણ તાલુકાના વિછીંયામાં અંધશ્રધ્ધાના અતિરેક જેવી પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઇ છે. ધાર્મિક વૃતિના દંપત્તીએ ગઇકાલે સજોડે હવન કૂંડમાં પોતાના માથા વાઢી હોમી પોતાના જીવનની આહુતિ આપી છે. આ ઘટના અંગે પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. બીજી તરફ અંધશ્રધ્ધા સામે જનજાગૃતિ અભિયાન ચલાવતા વિજ્ઞાન જાથાના જયંતભાઇ પંડયા વિછીયા દોડી ગયા છે. તેઓએ અબતક સાતેની વાતચીતમાં સામાન્ય રીતે અંધશ્રધ્ધાની ઘટનાનું પ્રમાણ ચૈત્ર અને ભાદરવા માસમાં વધુ જોવા મળે છે. પિતૃની મોક્ષગતિ માટે રીત રીવાજ મુજબ પૂજા પાઠની સાથે બલી ચાવવી અને ભોગ ધરવામાં આવે ઇચ્છીત ફળ પ્રાપ્ત માટે પોતાના સ્વજનોની આહુતિ આપતી હોય છે.
વિંછીયામાં અંધશ્રદ્ધાની પરાકાષ્ઠારૃપ ઘટના પ્રકાશમાં આવી છે.જેમાં વાડી વિસ્તારમાં રહેતા એક દંપતીએ ગઈકાલના તેમના ઘરે તાંત્રિક વિધિ કરવા માટે સજોડે પોતાના મસ્તક હવનકુંડમાં હોમી દઈ કમળપૂજા કર્યાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી હતી. જો કે હવનકુંડમાં બન્ને પતિ-પત્નીએ પોતાના મસ્તક હોમ્યા તે પૂર્વે તેમણે બે સ્યુસાઈડ નોટ પણ કુંડની નજીક લટકાવેલી હતી અને રૂ.50 નો સ્ટેમ્પ પેપર પણ મળી આવ્યો હતો. જો કે આવી જીવની બલી ચડાવવાની તાંત્રિક વિધિ કરવાની સલાહ આપનાર કોણ છે તે દિશામાં પોલીસ હાલ તપાસ હાથધરી છે.
પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ વિંછીયાના વાડી વિસ્તારમાં હેમુભાઈ ભોજાભાઈ મકવાણા (ઉ.વ.37), પત્ની હંસાબેન (ઉ.વ.36) અને પુત્ર-પુત્રી સાથે રહેતા હતા.િ હેમુભાઈ ખેતી કરવા ઉપરાંત મમરાના એક કારખાનામાં મજુરી કરતા હતા. છેલ્લા એકાદ વર્ષથી હેમુભાઈ અને તેના પત્ની પોતાની વાડીએ બનાવેલી ઝૂંપડીમાં દિવસ-રાત ભગવાન શંકરની પુજા કરતા હતા. ઘણી વાર આખી રાત પુજા કરતા હતા. પરિવારજનોને જાણ થતા તેમણે જે ઝૂંપડીમાં પુજા કરતા હતા ત્યાં જવાનું બંધ કરી દીધું હતું.
હેમુભાઈ અને તેના પત્નીએ ગઈકાલે બંને સંતાનોને તેમના મામાના ઘરે મોકલી દીધા હતા. કમળપુજા કરવા માટે તેમણે અગાઉથી તમામ તૈયારીઓ કરી રાખી હતી. ઝૂંપડીમાં તેમણે એક માંચડો તૈયાર કરી રાખ્યો હતો. લોખંડના બે પાઈપ સામ-સામે મુકી તૈયાર કરાયેલા આ માંચડામાં લોખંડની ધારદાર પ્લેટો એવી રીતે ગોઠવી હતી કે દોરી ખેંચવાથી તે પ્લેટો ડોક ઉપર પડે અને ડોક કપાઈ જાય. ડોક કપાઈ સીધી હવનકુંડમાં પડે તે માટે માંચડા નીચે હવનકુંડ પણ તૈયાર રાખ્યો હતો. ઝૂંપડીમાં અગાઉથી જ શિવલીંગની સ્થાપના પણ કરી હતી.હેમુભાઈ અને તેના પત્ની હંસાબેને માંચડામાં ગોઠવેલી લોખંડની ધારદાર પ્લેટ નીચે પોતાની ડોક રાખી દોરી ખેંચી ડોક કાપી નાખી હતી.
તે સાથે જ હંસાબેનનું માથું હવનકુંડમાં પડયું હતું જયારે હેમુભાઈનું માથું હવનકુંડની સાઈડમાં જઈ પડયું હતું.બાદ બપોર બનેના સંતાનો પરત વાડીએ આવ્યા હતા. ત્યારે ઝૂંપડીમાં માતા-પિતાના કપાયેલા ગળા જોઈ આઘાતથી સ્તબ્ધ થઈ ગયા હતા. તે સાથે જ પરિવારજનો પણ દોડી આવ્યા હતા. તત્કાળ પોલીસને જાણ કરતા વિંછીયાના પીએસઆઈ આઈ. ડી. જાડેજા સ્ટાફના માણસો સાથે સ્થળ પર દોડી ગયા હતા. અને તપાસ કરતા જ્યારે પરિવારજનોની પૂછપરછ કરતાં પોલીસને જાણવા મળ્યું હતું કે છેલ્લા એકાદ વર્ષથી હેમુભાઈ અને તેના પત્નીએ અંધશ્રધ્ધાને કારણે તાંત્રિક વિધી શરૃ કરી હતી.બાદ તેને ગઈકાલે આ પગલું ભરતા ચકચાર મચી જવા પામી હતી.
જાતને કષ્ટ આપવાથી ઈશ્વર પ્રાપ્તિની અંધશ્રદ્ધામાંથી બહાર નીકળવું જરૂરી : પૂ. ભાવેશબાપુ
પાટડી ઉદાસીન આશ્રમના મહંત પૂ. ભાવેશબાપુએ અબતક સાથેની વિશેષ વાતચીતમાં જણાવ્યું હતું કે, ભગવાન ક્યારેય એવુ કહેતા નથી કે, તું તારી જાતને કષ્ટ આપીને મારી ભક્તિ કર, ઈશ્વર હંમેશા એવુ જ છે કે, ફકત તું સાચા મનથી મારી ભક્તિ કરીશ તો હું પ્રસન્ન થઈશ. ઈશ્વર કહે છે કે, તું સાચા ગૃરુના ચિંધ્યા માર્ગે મારી ભક્તિ કરીશ તો તને ઈશ્વર પ્રાપ્તિનો માર્ગ મળશે. સાચા ગુરુ દ્વારા ચિંધવામાં આવેલા માર્ગથી જયારે ઈશ્વરની ભક્તિ કરવામાં આવે છે ત્યારે ચોક્કસ ઈશ્વર પ્રાપ્તિનો માર્ગ મળે છે. તેમણે કહ્યું હતું કે, શિવ ક્યારેય પોતાના ભક્તની પીડાથી પ્રસન્ન થતાં નથી. અઘોર સંપ્રદાય પણ એવુ જ માને છે કે, ફકત શિવની આરાધના અને ભજનથી સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. ઈશ્વર પણ માતા પિતાની સેવા કરવાનું કહે છે. મારા મત મુજબ માતા પિતામાં જ ઈશ્વરનો વાસ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ દુનિયામાં ક્યાય ચમત્કાર થતાં નથી, આકાશમાંથી નોટોની વર્ષા થઇ હોય તેવું મે ક્યારેય જોયું નથી ત્યારે અંધશ્રધ્ધામાં લોકોએ બિલકુલ પડવાની જરૂરિયાત નથી. ભગવાન ભોળાનાથ સાચા મનથી ફકત એક લોટી જળ ચડાવવાથી પણ પ્રસન્ન થઇ જાય છે, તેમને પ્રસન્ન કરવા માટે શરીરને કષ્ટ કે પીડા આપવાની જરૂર નથી. શિવ અને જીવ બંને એક છે. શિવ વગર ચોક્કસ જીવનો ઉદ્ધાર શક્ય નથી માટે ફકત સાચા મનથી ભક્તિ કરવી જોઈએ અને અંધશ્રદ્ધામાં ક્યારેય પડવું જોઈએ નહીં.