સુપ્રિમ કોર્ટની ડિવીઝન બેન્ચે કોવિડ હોસ્પિટલોના ફાયર સેફ્ટી ઓડીટ બાબતે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી : જનરલ સોલીસીટરને
રાજ્ય સરકારને સુચના આપવા કહ્યું : રાજકોટની કોવિડ હોસ્પિટલમાં સર્જાયેલી આગની દુર્ઘટનામાં સુનવણી થઇ
રાજકોટના મવડી રોડ આનંદ બંગલા ચોક ખાતે આવેલ કોવિડ હોસ્પિટલમાં સર્જાયેલી આગની દૂર્ઘટનામાં દેશની સર્વોચ્ચ અદાલતમાં થયેલી સુઓમોટો કેસની સુનાવણી વખતે જસ્ટીસ ડી.વાય. ચંદ્રચુડ અને જસ્ટીસ એમ.આર.શાહની ખંડપીઠે ગુજરાત સરકારની ફાયર સેફ્ટી ઓડીટ બાબતે ઝાટકણી કાઢી જો ઇમરજન્સી વખતે નિયમો અભેરાઇએ ચડાવી દેવા હોય તો નોટીફીકેશન બહાર પાડો તેવું જણાવ્યું હતું.
રાજકોટના મવડી રોડ આનંદ બંગલા ચોક ખાતે આવેલ કોવિડ હોસ્પિટલમાં ગત તા.26/11/20ના રોજ મધરાતે આગ લાગતા કોરોના દર્દીઓ જીવતા ભૂંજાઇ ગયા હતા જે કેસમાં સુપ્રિમ કોર્ટમાં સુઓમોટો કરવામાં આવી હતી.
સુપ્રિમ કોર્ટમાં જાહેર હીતની થયેલી અરજીમાં ગુજરાત સરકાર વતી જનરલ સોલીસીટર તુષાર મહેતા રોકાયા હતા જેઓ દ્વારા સર્વોચ્ચ અદાલતમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે ગુજરાત સરકારે 8મી જુલાઇએ ઇમરજન્સીને ધ્યાને લઇને એક જાહેરનામું બહાર પાડ્યું હતું. જેમાં નિર્દેશ આપવામાં આવ્યો હતો કે 31 ડિસેમ્બર 2021થી ત્રણ મહિના સુધી બી.યુ.ની પરવાનગી ન ધરાવતી ઇમારતો સામે કોઇ જબરદસ્ત કાર્યવાહી ન કરવી જોઇએ જે અરજી કરવાની છેલ્લી તારીખ છે.
ગુજરાત સરકાર દ્વારા રોગચાળો, કોવિડ-19ના નિયમનને ધ્યાને લઇ હોસ્પિટલો માટે સમય મર્યાદા વધારતા જાહેરનામું બહાર પાડ્યું હતું અને 23 જુલાઇના રોજ બીજો આદેશ જાહેર કર્યો હતો. જેમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે 8 જુલાઇનો આદેશ માત્ર ગુજરાત ટાઉન પ્લાનીંગ અને અર્બન ડેવલપમેન્ટ એક્ટના પાલન સંબંધિત છે. જે ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી મેઝર્સ એક્ટ સાથે સંબંધિત નથી.
આવી સુચના અને નોટીફીકેશન ટાઉન પ્લાનીંગ એક્ટની કલમ 122 હેઠળ દંડ સરકાર કેવી રીતે કરી શકે કે આવી સુચના જારી કરીને વૈધાનીક જોગવાઇ બિલકુલ લાગુ પડશે નહીં ?
ગત સપ્તાહમાં સુપ્રિમ કોર્ટની ડિવિઝનલ બેન્ચ સમક્ષ ન્યાયમુર્તિ મહેતાની આગેવાની હેઠળના તપાસ પંચના અહેવાલની નકલ રજૂ કરવાની માંગણી કરી હતી સાથેસાથે અહેવાલમાં સમાવિષ્ટ ભલામણો અંગે રાજ્ય દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનો અહેવાલ પણ રજૂ કરવા જણાવ્યું હતું.
સોમવારે સુપ્રિમ કોર્ટની ડિવિઝન બેન્ચ સમક્ષ જનરલ સોલીસીટર તુષાર મહેતાએ કમીશનની રિપોર્ટ સીલબંધ કવરમાં દાખલ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું જો કે ડિવિઝનલ બેન્ચને બંધ કવર હજુ મળ્યું ન હોવાનું જણાવ્યું હતું.
સુપ્રિમ કોર્ટની ડિવિઝનલ બેન્ચે જનરલ સોલીસીટર તુષાર મહેતાને જણાવ્યું હતું કે “તમે મહેરબાની કરીને રાજ્ય સરકારને યોગ્ય સલાહ આપો અને રિપોર્ટ મોકલો”
કોર્ટે 18 ડિસેમ્બર 2020ના ઓર્ડર દ્વારા હોસ્પિટલમાં આગ સલામતીના પગલાની જાળવણી અને ઓડીટ અંગે ગયા વર્ષે ત્રણ વિશિષ્ટ નિર્દેશો જારી કર્યા હતા જેમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં દરેક કોવિડ હોસ્પિટલ માટે એક નોડલ અધિકારીની નિમણૂંક કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. જેથી તમામ આગ સલામતીના પગલાનું સુનિશ્ર્ચિત કરવા માટે જવાબદાર બનાવવામાં આવે.
રાજ્ય સરકારે મહિનામાં ઓછામાં ઓછા એક વખત ફાયર ઓડિટ કરવા અને હોસ્પિટલના મેનેજમેન્ટની ખામીની જાણ કરવા અને આગળની કાર્યવાહી માટે એક સમિતિની રચના કરવા જણાવ્યું હતું.
કોવિડ હોસ્પિટલ ફાયર વિભાગ પાસેથી એન.ઓ.સી. મેળવી ન હતી તેને તાત્કાલીક એન.ઓ.સી. માટે અરજી કરવાની જરૂર હતી આ ઘટનામાં કોવિડ હોસ્પિટલ પાસે એન.ઓ.સી. ન હોવાનું કે રિન્યુઅલ ન મળ્યું હોવાનું જાણવા મળ્યું છે જેમાં રાજ્ય સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની હતી.