લોકશાહી માટે ‘ખતરે કી ઘંટી’
લોસવોટ, ગરીબો, વંચિતો, હિજરતી મતદારો લોકશાહીના પાયાને મજબૂત કરનારા અળગા રહે તે લોકતંત્ર માટે ઘાતક
વિશ્ર્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતની લોકશાહી હવે સાત દાયકાની વય વટાવીને પૂર્ણ પરિપક્વતા તરફ આગળ નિરંતરપણે વધી રહી છે ત્યારે લોકતંત્રમાં છેવાડાના મતદારની લાગણી અભિવ્યક્તિ અને એક-એક મતની કિંમત શું હોય છે તે બિહારમાં યોજાયેલી તાજેતરની ચૂંટણીમાં સામે આવી છે. ચૂંટણી હંમેશા સામૂહિક વોટબેંક અને મતના સમૂહને જે ઉમેદવાર પોતાના તરફ કરવામાં સફળ રહે તે જો જીતા વહી સિકંદરની જેમ સફળ ગણાય છે. લોકતંત્રમાં માથાની કિંમત હોય છે. લોકોનો સમૂહ મુળી ગણાય છે. ઉમેદવારો અને રાજકીય પક્ષો નિશ્ર્ચિત વોટ બેંક તરફ વધુ ઝુકાવ રાખે છે. ગરીબો, વંચિતો અને હિઝરતીઓ જે લોકતંત્રને મજબૂત કરાવવા માટે પાયાના પરિબળો ગણાય છે તે લોકતંત્રથી અળગા રહે તો લોકશાહી મજબૂત થવાના બદલે નબળી પડે છે.
બિહારની તાજેતરની ચૂંટણીમાં ૩ કરોડથી વધુ મતો ઈવીએમમાં નોંધાયા છતાં ૧૨૦૦૦ મતોની ઉલટફેરથી આરજેડીને સત્તાથી વિમુક્ત રહેવું પડ્યું. બિહારમાં ૩ કરોડથી વધુ મતો વિવિધ રાજકીય પક્ષોની ઝોળીમાં પડ્યા ત્યારે ફક્ત ૧૨૦૦૦ મતોથી આરજેડી સત્તાથી વંચિત રહ્યું.
લોકતંત્રમાં સામાન્ય રીતે લોસવોટ, રદ્દ થયેલા મતો, ગરીબો, વંચિતો, હિઝરતીઓ જે લોકતંત્રના પાયાને મજબૂત કરે છે તેમને તેમ છતાં તેમની ગણતરી અને ચૂંટણી પ્રક્રિયાથી વંચિત રાખવામાં આવે છે જે ખરેખર લોકતંત્ર માટે ઘાતક પૂરવાર થાય છે.
બિહારની ચૂંટણીમાં લાલુ યાદવના પુત્ર તેજસ્વી યાદવ કે જે ચૂંટણી પૂર્વે ૩૧ દિવસ પહેલા જ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેમની ટીમે બિહારના મતદારો પર જાદૂ કર્યો હોય તેમ એનડીએ, રાજદની આગેવાનીમાં મહાગઠબંધન વચ્ચે કસોકસની જંગ જમાવી દીધી હતી. ચૂંટણી કવાયતના અંતે થયેલા મતદાન અને પરીણામોમાં આ વખતે એનડીએ અને મહાગઠબંધન વચ્ચે માત્ર ૧૨૭૬૮ મતોની જ તફાવતની સ્થિતિએ સમગ્ર પરીણામ બદલી નાખ્યું હતું.
બિહારની ચૂંટણીમાં એનડીએને ૧૫૭૦૧૨૨૬ મતો મળ્યા હતા. જ્યારે મહાગઠબંધનને ૧૫૬૮૮૪૫૮ મતો મળ્યા હતા. માત્ર ૦.૦૩ ટકા મતના તફાવતે એનડીએને સત્તા પ્રાપ્ત થઈ અને મહાગઠબંધન અને ખાસ કરીને તેજસ્વીને સત્તાથી દૂર રહેવું પડ્યું. એનડીએને ટકાવારીની રીતે ૩૭.૨૬ ટકા અને મહાગઠબંધનને ટકાવારીને રીતે ૩૭.૨૩ ટકા મતો મળ્યા હતા. સાથે સાથે અનેક બેઠકો પર ૧૬૮૨૫ કે તેથી ઓછી સરસાઈથી હાર-જીતનો ફેંસલો થયો હતો. રાજ્યની ૨૪૩ બેઠકોમાંથી ૧૩૦ બેઠકો પર ખુબજ પાતળી સરસાઈથી હાર-જીત થઈ હતી અને બન્ને હરિફો વચ્ચે માત્ર ૧૨૭૬૮ મતોની જ તફાવતે બિહારનું પરિણામ ફેરવી નાખ્યું. મહાગઠબંધને કેટલીક બેઠકો પર તો માત્ર ૫૩ મતોની ઘટ એનડીએને ફાયદો થઈ ગયો.
બિહારમાં મહાગઠબંધન અને એનડીએ વચ્ચે કાંટાની ટક્કરમાં મહાગઠબંધનના આરજેડી, જેડીયુ અને કોંગ્રેસે મળીને ૧૫૯૫૨૮૮ મતો મેળવ્યા હતા. એનડીએના ભાજપ, લોક જનતા પાર્ટી, હેમ, આરએલએસપીએ મળીને ૧૨૯૯૦૬૪૫ મતો મેળવ્યા હતા. તેજસ્વી યાદવની આરજેડીએ સૌથી વધુ ૭૫ બેઠકો અને ૨૩.૧ ટકાની જનભાગીદારી મેળવી હતી પરંતુ એનડીએને ત્રણ ગણી વધુ ૧૨૨ બેઠકો મળી હતી. મોટાભાગની બેઠકો ખુબજ નાની સરસાઈથી હારજીતનો ફેંસલો થયો હતો. ૩ કરોડ મતમાં ૧૨ હજાર મતોએ પરિણામ ફેરવી નાખ્યું.