ઉમેદવારો માટે ‘અદ્રશ્ય’ પ્રચાર બિહારની ચૂંટણીમાં સૌથી મોટો પડકાર
ઢોલ-નગાડા સાથે શક્તિ પ્રદર્શન કરીને ઉમેદવારી ભરવા જવું તે ભૂતકાળ બનશે: બે ગાડીઓ સાથે ઉમેદવાર સહિત ફક્ત ૩ લોકો જ ઉમેદવારી ભરવા જઈ શકશે
ગત શુક્રવારે મુખ્ય ચુંટણી કમિશ્નર સુનિલ અરોરાએ બિહાર વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી હતી. જે મુજબ કુલ ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાનાર છે. ૨૮ ઓક્ટોબર, ૩ નવેમ્બર અને ૭ નવેમ્બરના રોજ મતદાન થનાર છે. કુલ ૨૪૩ બેઠકોની ચૂંટણીનું પરિણામ ૧૦ નવેમ્બરના રોજ જાહેર થનાર છે. બિહારની વિધાનસભા ચૂંટણીમાં જાહેર સભા, સરઘસ, રેલી નહીં યોજાય અને ઉમેદવારોએ મતદારો સુધી ફરજિયાતપણે વર્ચ્યુલી પહોંચવું પડશે તે એક મોટો પડકાર છે.
ચૂંટણી પંચની જાહેરાત મુજબ ૩ તબક્કામાં ચૂંટણી યોજાશે. પહેલા તબક્કામાં ૨૮ ઓક્ટોબરે ૭૧ બેઠકો પર ચૂંટણી યોજાશે. જેમાં ૧૬ જિલ્લામાં ૩૧ હજાર પોલિંગ બૂથ હશે. બીજા તબક્કામાં ૩ નવેમ્બરે ૯૪ બેઠકો પર મતદાન થશે. જેમાં ૧૭ જિલ્લામાં ૪૨ હજાર પોલિંગ બૂથ હશે. ત્રીજા તબક્કામાં ૭ નવેમ્બરે ૭૮ બેઠકો પર મતદાન યોજાશે. જેમાં ૧૫ જિલ્લામાં ૩૩.૫ હજાર પોલિંગ બૂથ હશે. ૧૦ નવેમ્બરે પરિણામ સામે આવશે. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં જાહેર સભાઓ, રેલીઓ યોજવા પર કોરોના સંક્રમણને ધ્યાને રાખીને ચૂંટણીપંચ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગત બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએએ આશરે ૮૦૦ જેટલી રેલીઓનું આયોજન કર્યું હતું. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૩૧ રેલીઓમાં ભાગ લીધો હતો. આ વર્ષે જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ હોવાથી ઉમેદવારો માટે મતદારો સુધી કઈ રીતે પહોંચવું તે પાસું મહત્વપૂર્ણ છે. વર્ચ્યુલ રીતે મતદારો સુધી પહોંચવામાં અનેકવિધ સમસ્યાઓ સર્જાવાની શક્યતાઓ રહેલી છે. અગાઉ રેલીઓ કે જાહેરસભામાં લોકોની ભેગી થતી ભીડ જ ઉમેદવારની જિતનું બ્યુગલ ફૂંકી દેતા હતા પરંતુ આ ચૂંટણીમાં આ પ્રકારનું લઈ નહીં હોય જેથી ઉમેદવારને છેલ્લી ઘડી સુધી જીત અંગે અનુમાન લગાવવું લગભગ અસંભવ જેવું રહેશે.
કોરોના સંક્રમણને ધ્યાને રાખી જે ફેરફારો કરવામાં આવ્યા છે તેને કારણે ચોક્કસ બિહાર વિધાનસભામાં રાજકીય સમીકરણોમાં પરિવર્તન આવશે. તમામ રાજકીય પક્ષો ફક્ત ડિજિટલી પ્રચાર કરી શકશે. ડિજિટલ કેમ્પેનનો પ્રભુત્વ જોવા મળશે જેથી મતદારોએ પણ તેમના લાગતા વળગતા ઉમેદવારોબી વિચારધારા સુધી ડિજિટલી જ પહોંચવું પડશે.
ઉમેદવારોએ આ ચૂંટણીમાં ઉમેદવારી પણ ઓનલાઇન નોંધાવવી પડે તો નવાઈ નહીં. ચૂંટણી પંચે ઉમેદવારોને ઓનલાઇન ઉમેડવારીપત્ર ભરવા અંગે સૂચન કર્યું છે તેમ છતાં જો કોઈ ઉમેદવાર કચેરી ખાતે જઈને ઉમેદવારી પાત્ર ભરવા ઇચ્છતો હોયબતો ફક્ત ૩ લોકો જ ઉમેદવારી ભરવા હેતુસર જી શકશે. તેમજ આગાઉ જે રીતે ઢોલ – નગાડા તેમજ હજારો સમર્થકો સાથે શક્તિ પ્રદર્શન કરીને ઉમેદવારો ઉમેદવારીપત્ર રજૂ કરવા જતા હતા તેવું આ વર્ષે નહીં થાય. ફક્ત બે ગાડીઓ સાથે જ ઉમેદવારોએ ઉમેદવારીપત્ર ભરવા જવું પડશે.