જૂનાગઢના ભિયાળ ગામે એક સિંહ યુગલ અને બે બચ્ચાઓએ આંતક મચાવી 30 જેટલા બકરાનું મારણ કરી નાખ્યાનું સામે આવ્યું છે, જ્યારે કાથરોટાની સીમમાં એક પરપ્રાંતિય મજૂર ઉપર સિંહે હુમલો કરી દેતા પરપ્રાંતીય મજૂર ઈજાગ્રસ્ત થયો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જો કે, આ ઘટનાની જાણ થતા વન વિભાગ હાલમાં ભીયાળ ગામે પહોંચ્યો છે અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઇ છે.
ભિયાળ ગામના સરપંચ હરસુખભાઇ વલ્લભભાઈના જણાવ્યા અનુસાર ગત રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં એક સિંહ, સિંહણ અને તેના બે બચ્ચા ભિયાળ ગામે ત્રાટક્યા હતા અને સોમાભાઈ રાણાભાઈ લાંબરીયા તથા તેમના ભાઈના વાડામાં બાંધેલ 30 જેટલા બકરાનું મારણ કરી નાખ્યું હતું.
આ સિવાય કાથરોટામાં હરસુખભાઈ ભીમજીભાઈ ઉમરેટિયાની વાડીમાં રહેતા પરપ્રાંતીય એક મજૂર ઉપર પણ સિંહોએ હુમલો કરી દેતાં મજુર ઇજાગ્રસ્ત બન્યો હતો અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
વન વિસ્તાર મૂકી, અનેક ગામો પસાર કરી સિંહ પરિવાર જૂનાગઢ નજીકના ભિયાળ ગામે પહોંચી 30 જેટલા બકરાનું મારણ કરી દેતા, ભિયાળ ગામમાં ફફડાટ મચી જવા પામ્યો છે અને વનવિભાગ દ્વારા ઘાતક બનેલા સિંહ પરિવારને પકડી પાડી, જંગલના દૂરના વિસ્તારમાં છોડી દેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
જો કે આ ઘટનાની જાણ થતા વનવિભાગના કર્મીઓ ભિયાળ ખાતે પહોંચ્યા છે અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છેે. પરંતુ સરપંચ હરસુખભાઈના જણાવ્યા અનુસાર, મારી માંગ છે કે, જેમ ખેડૂતોને વનવિભાગ દ્વારા માચડા સહિતની સુરક્ષા માટે ની સહાય આપવામાં આવે છે. તેમ મારા ગામના માલધારીઓને પાકા વંડા બનાવવા માટેની સહાય આપવામાંં નહીં આવે ત્યાં સુધી અનેે ભિયાળ ખાતે વન વિભાગના અધિકારીઓ આવી ખાત્રી નહીં આપે ત્યાં સુધી આ માંરણ કરાયેલા પશુ અમો વન વિભાગને સોંપવાના નથી.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી સિંહો જંગલના સીમાડા વટાવીને રહેણાંક વિસ્તારમાં આવી રહ્યા છે. જો કે જંગલોમાં થઇ રહેલી પેશકદમીના કારણે આવા બનાવો છાશવારે બનતા નજરે ચડી રહ્યા છે. ભૂતકાળમાં સિંહ પરિવારો છેક જેતપુર, ગોંડલ તથા રાજકોટ સુધી ટહેલતા જોવા મળ્યા હતા. ઉપરાંત સોરઠ પંથકમાં તો વારંવાર સિંહો જંગલ છોડી ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળતા હોય છે. ભિયાળ ગામે બનેલા બનાવમાં સિંહ પરિવારે 30 જેટલા બકરાઓનું મારણ કર્યું હતું તથા કાથરોટાની સીમમાં સિંહે પરપ્રાંતિ મજૂર ઉપર હુમલો કરી દીધો હતો. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ફફડાટ મચી જવા પામ્યો છે. સાથોસાથ બીજી બાજુ વન વિભાગે પણ આ સિંહ પરિવાર ઉપર વોચ ગોઠવી દીધી છે. તેઓ ફરી પોતાના જંગલ વિસ્તારમાં પરત ફરે તેવા વનવિભાગે પ્રયાસ હાથ ધર્યા છે.