નાયબ મામલદાર કચેરીએ મોડા આવી ખેડૂતો સાથે ગેરવર્તન કરતા તલાટી મંત્રીઓ સામે જિલ્લા ભાજપના મંત્રી ચુડાસમાએ સાંસદ સહિતનાઓને રજૂઆત કરી
અનેક સંકટો વચ્ચે ધાન પેદા કરતા ખેડુતોને પાક તૈયાર કરવાથી લઇ વેચાણ સુધીમાં સરકારી કચેરીમાં અનેક ધકકા ખાવા પડે છે. તેમ છતાં સરકારી બાબુઓની આડોડાઇને કારણે ધરતી પુત્રોને પોતાના પાકનું વાવેતરનું લખાણ કરવા માટે કલાકો સુધી લાઇનમાં તડકામાં શેકાવું પડે છે. આમ છતાં કહેવાતા સરકારી બાબુઓ પોતાનું ધાર્યુ કરી ખેડુતોની વેદના સાંભળવાને બદલે ખેડુતોને હડધૂત કરી કચેરીમાંથી બહાર કાઢવામાં આવે છે.
તાલુકાના ભાયાવદર ગામે આવેલ નાયબ મામલતદાર કચેરીમાં તલાટીની જવાબદારી નિભાવતા બે સરકારી બાબુઓ નોકરીના સમય કરતાં કલાકો સુધી મોડા આવી ખેડુતોને કલાકો સુધી તડકામાઁ શેકાવી રહ્યા હોય ત્યારે આવા તલાટી મંત્રી સામે ખેડુતોનો રોષ બહાર આવી રહ્યો છે.
હાલના સમયમાં સરકાર દ્વારા ખેડુતોને તે અનેક સરકારી સહાય અને ખેડુતોના ઘરમાં પડેલો તૈયાર માલ વેચાણ કરવા માટે વિવિધ જગ્યાએ સરકારી ખરીદી કેન્દ્રો ખોલવામાં આવ્યા છે ખેડુતોને આ સરકારી કેન્દ્રમાં માલ પણ વેચવો છે પણ કહેવાતા સરકારી બાબુઓની આડોડાઇ ને કારણે ખેડુતો પોતાનો માલ વેચી શકતા નથી.
ભાયાવદર ગામે આવેલા નાયબ મામલતદારની કચેરીમાં બે તલાટી મંત્રીઓ ફરજ બજાવે છે. આ વિસ્તારના ખેડુતો પોતાના પાકનું વેચાણ કરવા માટે ૭/૨ ના ઉતારામાં પાકનું વાવેતર લખાવાનું થતું આથી આ વિસ્તારના તલાટીઓની જરુર પડે છે પણ આ તલાટી મંત્રીઓને ભાયાવદર ગામે નોકરી ના કરવી હોવાથી છેલ્લા ઘણા સમય કરતા કલાકો સુધી મોડા આવે છે આને કારણે દરરોજ પ૦ થી ૭૦ ખેડુતો ભર તડકામાં લાઇનમાં ઉભા રહેતા હોય છે છતાં આ સરકારી બાબુઓ ખેડુતોની વેદના સાંભળવાને બદલે તમારાથી થાય તે કરી લો તમારે જયાં જવું હોય ત્યાં જાવ બાકી કામ તો અમારી રીતે જ થાશે આવા સરકારી બાબુના વર્તનથી ખેડુતો પણ સરકારથી નારાજ થઇ ગયા છે. પોતાનો પાક પકાવવાથી માંડી વેચાણ કરવા સુધી સરકાર કચેરીમાં ધકકા ખાવા છતાં કોઇ જવાબ નહિ આપતા ખેડુતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડુતો હેરાન પરેશાન થઇ રહ્યા છે તે વાતની ખબર પડતા ભાયાવદર ગામના અગ્રણી અને જીલ્લા ભાજપના મંત્રી ઇન્દ્રવિજયસિંહ ચુડાસમાએ તલાટીના ખેડુતો પ્રત્યેના વ્યવહારની વાત પોરબંદર ના સાંસદ રમેશભાઇ ધડુક અને પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઇ માકડીયા સહિતને ટેલીફોનીક કરતા જીલ્લા ભાજપના મોવડીઓ પણ આ તલાટીઓની શાન ઠેકાણે લાવવા જવાબદાર અધિકારીઓને ઘટતું જણાવ્યું છે.