હેલ્મેટધારી બે શખ્સોએ બાઇક પર જતા બે કર્મચારીને પછાડી હીરાના પાર્સલની ચલાવી લૂંટ: બંને લૂંટારાને પકડવા નાકાબંધી કરાઇ
જસદણ બાદ ભાવનગરમાં બીજા દિવસે થયેલી હીરાની લૂંટમાં એક જ ગેંગની સંડોવણીની શંકા
ભાવનગરના નિર્મળનગર વિસ્તારમાંથી બાઇક પર પસાર થતા આંગડીયા પેઢીના બે કર્મચારી પર હેલ્મેટધારી બે શખ્સોએ હુમલો કરી રૂ.૧૫ લાખની કિંમતના હીરાની લૂંટ ચલાવી ફરાર થતા પોલીસે બંને લૂંટારાને ઝડપી લેવા નાકાબંધી કરાવી પગેરૂ દબાવ્યું હતું. સરા જાહેર થયેલી દિલધડક લૂંટથી સમગ્ર શહેરમાં સનસનાટી મચી ગઇ છે. પોલીસે લૂંટનો ભેદ ઉકેલવા સીસીટીવી ફુટેજની મદદ લીધી છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભાવનગરના નિર્મળનગર વિસ્તારમાં ક્રિસ્ટલ બિલ્ડીંગના પ્રથમ માળે આવેલી આર.મહેન્દ્ર આંગડીયા પેઢીના કર્મચારી અંકિત પ્રહલાદભાઇ પટેલ અને સહકર્મચારી લાલા બેચરભાઇ રૂ૧૫ લાખની કિંમતના હીરાના પાર્સલની અમદાવાદ ડીલીવરી કરવાની હોવાથી ટ્રાવેલ્સની ઓફિસે જઇ રહ્યા હતા.
અંકિત પટેલ અને લાલા બેચર બાઇક પર માધવ કોમ્પ્લેક્ષ પાસે પહોચ્યા ત્યારે પાછળથી ડબલ સવારી બાઇક પર આવેલા હેલ્મેટધારી બે શખ્સોએ ધોકો મારી બંને આંગડીયા કર્મચારીઓને પછાડી દીધા હતા. તે દરમિયાન એક શખ્સે અંકિત પટેલ પાસે રહેલા રૂ.૧૫ લાખની કિંમતના હીરાના પાર્સલની લૂંટ ચલાવી ફરાર થઇ ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.ધોળા દિવસે સરા જાહેર થયેલી રૂ.૧૫ લાખની કિંમતના હીરાની લૂંટના બનાવનો ભેદ ઉકેલવા પોલીસે હાઇ-વે પર નાકાબંધ કરાવી હતી અને સમગ્ર શહેરમાં સીસીટીવી ફુટેજ મેળવી વિવિધ દિશામાં તપાસ હાથધરી છે.ગઇકાલે બોટાદથી જસદણ હીરા વેચવા આવતા હીરાના દલાલ પર કાળાસર-ઘેલા સોમનાથ ચોકડી પાસે ચાર શખ્સોએ હુમલો કરી રૂ.૧૫.૧૯ લાખની કિંમતના હીરાની લૂંટ બાદ ભાવનગરમાં હીરાની લૂંટ થતા બંને લૂંટની ઘટનામાં એક જ ગેંગની સંડોવણી હોવાની શંકા સાથે પોલીસે જસદણ પોલીસ પાસેથી લૂંટની ઘટના અંગેની વિગતો મેળવી અંકોડા મેળવવા પ્રયાસ હાથધર્યા છે.નિલમ બાગ પોલીસ મથકના પી.એસ.આઇ. આઇ.એમ.હુદડ સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.