ગૃહકલેશનાં કારણે ક્રોધમાં કોન્સ્ટેબલે પુત્રોને ક્રુર રીતે મોતને ઘાટ ઉતારી હત્યારો પોલીસમાં રજૂ: પોલીસ દ્વારા મૃતક સંતાનોની માતાની કેફીયત પરથી ફરીયાદ નોંધી
આજે શહેરનાં વિદ્યાનગર વિસ્તારમાં આવેલ પોલીસ લાઈનનાં બી.બ્લોકમાં રહેતા અને પોલીસ મુખ્ય મથકનાં આસાન વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ સુખદેવ નાનજીભાઈ શિયાળે પોતાનાં સરકારી કવાટરમાં સાંજે ૪ વાગ્યે આસપાસ ગૃહકલેશથી કંટાળી પોતાનાં ૩ સંતાન ખુશાલ, ઉઘ્ધવ અને મનોનીતની ધારીયા જેવા તિક્ષ્ણ હથીયાર વડે હત્યા નિપજાવેલ આ બનાવની જાણ થતા રેન્જ ડી.આઈ.જી. અશોકકુમાર યાદવ, જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ, નાયબ અધિક્ષક મનીષ ઠાકર ત્થા એ.ડીવીઝન પોલીસ ઈન્સ્પેકટર જે.જે.રબારી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયેલ હતો.
ભાવનગર જીલ્લા પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ સુખદેવ એન.શિયાળ તેમના પરીવારમાં પત્નિ ત્થા ૩ સંતાનો સાથે શહેરનાં વિદ્યાનગર વિસ્તારમાં આવેલ પોલીસ લાઈનનાં બી.બ્લોકમાં રહે છે. પોલીસ મુખ્ય મથકમાં આસાન વિભાગ (અરજી શાખામાં) ફરજ બજાવે છે. મૃળ મહુવા તાલુકાનાં રાણીવાડા ગામના સુખદેવ શિયાળે આજે બપોર બાદ સાંજનાં ૪ વાગ્યા આસપાસ ગૃહકલેશનાં કારણે ક્રોધિત અવસ્થામાં તેમની પત્નિને ઓરડામાં પુરી દઈ તેમના ૩ સંતાનો પર ધારીયા જેવા તિક્ષ્ણ હથીયાર વડે હુમલો કરી ત્રણેને રહેંશી નાખતા ત્રણે સંતાનો ઘટના સ્થળે જ મોત પામ્યા હતા.
આ હત્યાકાંડની પોલીસને જાણ થતા પોલીસનાં ઉચ્ચ અમલદારો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઘટના સ્થળનું નીરીક્ષણ કરી તપાસનીશ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતુ. પોલીસે હત્યા કરાયેલ ત્રણે બાળકોનાં મૃતદેહોનો કબ્જો સંભાળી સર.ટી.હોસ્પિટલ ખાતે પી.એમ.અર્થે ખસેડી પોલીસ ઈન્સ્પેકટર જે.જે.રબારીએ વિશેષ તપાસ હાથ ધરેલ.પોતાનાં જ ત્રણે સંતાનોની ક્રુર હત્યા નિપજાવ્યા બાદ હત્યારા પિતાએ જ પોતે આચરેલ અધમ કૃત્યની જાણ પોલીસને થતા એ.ડીવીઝન પોલીસ મથકનાં જે.જે.રબારી મદદનીશો સાથે ઘટના સ્થળે પહોંચતા ઘરમાં લોહીથી લથબથ ત્રણ નિદરેષ બાળકોનાં મૃતદેહો જોઈ કઠણ કાળજાના માનવીને પણ કંપાવી દે તેવા દ્રશ્યો જોવા મળેલ હતા.
પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર જીલ્લા પોલીસમાં ફરજ બજાવતા સુખદેવ નાગજીભાઈ શિયાળ (ઉ.વ.આશરે ૩૫) તેમના સંતાનો-પત્નિ સાથે પોલીસ લાઈનમાં ફાળવાયેલ સરકારી મકાનમાં રહે છે. પરંતુ પારીવારીક ઝઘડાના કારણે આજે સાંજના ૪ વાગ્યા આસપાસના સમયે પોલીસ જવાને તેમની પત્નિને રૂમમાં પુરી દઈ ધારીયા જેવા તિક્ષ્ણ હથીયાર વડે ત્રણે સંતાનો પર બરહેેમીથી તુટી પડેલ ત્રણે સંતાનોના ગળાના ભાગે પાછળથી પ્રહાર કરી મોતને ઘાટ ઉતારી દીધા બાદ પોતે જ પોલીસને પોતાના અધમ કૃત્યથી વાકેફ કરતા ઘટના સ્થળે પહોંચેલ તપાસનીશ અમલદારોએ પોલીસ જવાન સુખદેવની અટકાયત કરી હતી.
તપાસનીશ પોલીસ અમલદાર રબારી ત્થા મદદનીશોએ ત્રણ હત્યા નિપજાવનાર પોલીસ જવાન સુખદેવના પત્નિની ફરીયાદ નોંધી વિશેષ તપાસ હાથ ધરેલ છે. આ સમગ્ર હત્યાકાંડની તપાસ શહેરનાં નાયબ પોલીસ વડા મનીષ ઠાકરના માર્ગદર્શનમાં એ.ડીવીઝન પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.