જમીન પચાવી પાડવાની પ્રવૃતિ કરનારને ૧૦થી ૧૪ વર્ષની સજાનો વટ હુકમ

ભૂમાફિયાઓ સામે ‘પાસા’સુધીની કાર્યવાહી કરવામાં આવશે: કલેકટર

ભાવનગર જિલ્લામાં કોઇ ઇસમ દ્વારા ગેરકાયદેસર રીતે સરકારી જમીન, સરકારી ખરાબો, જાહેર ક્ષેત્રની, ધાર્મિક સખાવતી સંસ્થાઓની તેમજ સ્થાનિક સંસ્થાઓની કાયેદસર માલિકીની જમીન આવા ઇસમો દ્વારા ગેરકાયદેસર રીતે પચાવી પાડવામાં આવી હોય તો તેવી જમીનો બાબતે સંબંધિત મામલતદારશ્રી, પ્રાંત અધિકારીકે કલેકટરશ્રીની કચેરીને લેખિત આધાર-પુરાવા સાથે ફરિયાદ કે અરજી કરવા માટે જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું છે.

તેઓએ વધુમાં જણાવ્યું છે કે, ગુજરાત સરકાર ના મહેસુલ વિભાગ દ્વારા જમીન પચાવી પાડવા તથા જમીન પચાવી પાડવા સંલગ્ન પ્રવૃત્તિઓને ડામવા માટે ગુજરાત લેન્ડ ગ્રેબીંગ ( પ્રોહીબીશન) ઓર્ડીનન્સ- ૨૦૨૦ બહાર પાડવામાં આવ્યું છે.જેનો મુખ્ય હેતુ જમીન પર અન્ય ઇસમો કે જેની કોઇ કાયદેસરની માલિકી ન હોય અથવા કાયદેસરના હક્કદાર ન હોય તેમ છતાં કાયદા વિરૂધ્ધનું આચરણ કરીને ધાક  ઘમકી આપી કે દગાપૂર્વક કે બળજબરી પૂર્વક જમીનનો કબજો મેળવી કે જમીન ઉપર બાંધકામની પ્રવૃત્તિ કરી, જમીન ગેરકાયદેસર રીતે ભાડે આપી, જમીનનું ગેરકાયદેસર રીતે વેચાણ કરવા જેવી પ્રવૃત્તિ કરનાર કે કોઇ મારફત કરાવનાર તમામ વ્યક્તિ અથવા વ્યક્તિઓના જુથ, સંગઠન કે કંપની દ્વારા જમીન પચાવી પાડવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવાનો છે. તેમજ આવી પ્રવૃત્તિઓ કરનારને કાયદાનું ભાન કરાવવા ખાસ કોર્ટમાં કેસ ચલાવી છ-માસની અંદર ન્યાય આપવા તેમજ જમીન પચાવી પાડવાની પ્રવૃત્તિ કરનારને ૧૦ થી ૧૪ વર્ષની સજા તથા દંડ થાય અને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવાનો કામે આ વટ હુકમ લાવવામાં આવ્યો છે.

જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું છે કે, ભાવનગર જિલ્લામાં કોઇ ફરિયાદ કે અરજી આવ્યે જરૂરી ચકાસણી કરી આવા ઇસમો સામે તાત્કાલિક પગલા લઇ વટહુકમની જોગવાઇ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ જરૂર જણાયે આવા ઇસમો સામે  પાસા હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવશે. જેથી જાગૃત નાગરિકોએ ભય મુક્ત થઇને લેખિતમાં આધાર-પુરાવા સાથે ફરિયાદ-અરજી કરવા પણ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.