ભાવનગરના પ્રભુદાસ તળાવ નજીક આવેલા મફતનગરના યુવાનનો ગઇકાલે જન્મ દિવસ હોવાથી પોતાના મિત્રો સાથે સાંજે સોની બજારમાં બેઠો હતો ત્યારે પાનવાડી વિસ્તારમાં રહેતો મિત્ર ઘસી આવ્યો હતો અને કંઇ બોલ્યા વિના જ છરીના ઘા ઝીંકી દેતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજતા યુવકનનો જન્મ દિવસ મરણ દિવસ બની જતા પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મફતનગરમાં રહેતા ગોપાલ જીતુભાઇ રાઠોડ નામના યુવાનને પાનવાડી શેરીમાં રહેતા વિશાલ ઉર્ફે લાંબા મુળજી ગોહેલે છરીના ઘા ઝીંકી હત્યા કર્યાની રંજનબેન જીતુભાઇ રાઠોડે ગંગાજળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ગોપાલ રાઠોડનો ગઇકાલે જન્મ દિવસ હોવાથી સોની બજાર વિસ્તારમાં પોતાના મિત્રો અજય વાઘેલા, રેવડી અને પ્રકાશ બેઠા હતા ત્યારે વિશાલ ઉર્ફે લાંબો ત્યાં ઘસી આવ્યો હતો. ગોપાલ રાઠોડ સાથે કોઇ બાબતે ઝઘડો કરી ગાળો દઇને છરીથી હુમલો કરતા ગંભીર રીતે ઘવાતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
પ્રકાશ બાઇક લઇને ગોપાલના ઘરે રંજનબેનને હત્યા અંગેની જાણ કરતા તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને વિશાલ ઉર્ફે લાંબા સામે હત્યાની ફરિયાદ નોંધાવતા પી.આઇ. જે.આર.ભાચકન સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.