ધી પ્રોગે્રસીવ હાઇસ્કુલ ખાતે લોક ગાયક અભેસિંહ રાઠોડ અને શાળાના
વિઘાર્થીઓએ ઝવેરચંદ મેધાણી રચિત શૌર્ય ગાથાને વાગોળી
ભરૂચ સ્થિત ધી પ્રોગ્રસીવ હાઈસ્કૂલ ખાતે માતૃભાષા ગૌરવ દિન અવસરે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલામાં માતૃભૂમિ કાજે ફના થનાર સીઆરપીએફના વીર શહીદ જવાનોને શ્રધ્ધાંજલિ અર્પણ થઈ. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી, વિશ્વવિખ્યાત લોકગાયક અને આ શાળાના મોભી અભેસિંહ રાઠોડ, જાણીતા એડવોકેટ રાજુભાઈ મોદી, ધી પ્રોગ્રસીવ હાઈસ્કૂલના આચાર્ય મુકુંદભાઈ પટેલ, સુપરવાઈઝર ચેતનાબેન રાજ, શિક્ષક-ગણ, વાલીઓ અને વિદ્યાર્થીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતાં.
છેલ્લા પાંચ દાયકાથી વિશ્વભરમાં વસતાં ગુજરાતીઓનાં હૈયે જીવંત રાખનાર લોકગાયક અભેસિંહ રાઠોડ સાથે શાળાનાં વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત શૌર્ય અને દેશપ્રેમનાં ગીતો ‘કસુંબીનો રંગ, ‘કોઈનો લાડકવાયો, ‘છેલ્લી પ્રાર્થના, ‘શિવાજીનું હાલરડું, ‘ચારણ-ક્ધયા, ‘ભેટ્યે ઝૂલે છે તલવારનું સમૂહ ગાન કર્યું હતું. મોટા ગજાનાં ગુજરાતી સાક્ષરો નરસિંહ મહેતા, દલપતરામ, નર્મદ, ન્હાનાલાલ, કલાપી, ગોવર્ધનરામ ત્રિપાઠી, કનૈયાલાલ મુનશી, ર. વ, દેસાઈ, રામનારાયણ પાઠક, ઝવેરચંદ મેઘાણી, ધૂમકેતુ, સુન્દરમ, ઈશ્વર પેટલીકર, ગુણવંતરાય આચાર્ય, ચુનિલાલ મડિયા, ઉમાશંકર જોષી, બોટાદકર, દુલા કાગનું સ્મરણ કરીને એમની જાણીતી કૃતિઓનું વાંચન-પઠન પણ વિદ્યાર્થીઓએ કર્યું હતું.
જાન્યુઆરી ૧૯૪૭માં ઝવેરચંદ મેઘાણી લોકમાતા નમર્દાનાં તીરે-તીરે પરિભ્રમણ કરીને અભિભૂત થઈ ગયેલા. ભરૂચના ભરૂચા હોલમાં વિશાળ જનમેદની સમક્ષ તેમણે દેશભકિતનાં ગીતો રજૂ કર્યાં. શુક્લતીર્થથી નાવમાં બેસીને કબીરવડ ગયા. નિકોરાની પણ મુલાકાત લીધી. નારેશ્વર તીર્થ અને રંગ અવધૂતજી વિશે જાણ્યું.
નર્મદામાં નાવ ચલાવતા નિજામા કોમના નાવિકોની વાતોમાં તેમને રસ પડ્યો. ‘નર્મદાને તીરે તીરે નામે રસપ્રદ લેખ પણ પછીથી તેમને લખ્યો હતો. ૯ માર્ચે ૧૯૪૭નાં રોજ બોટાદ ખાતે પચાસ વર્ષની ઉંમરે તેઓએ આપણી વચ્ચેથી અણધારી વિદાય લીધી અને દક્ષિણ ગુજરાતનાં લોકસાહિત્ય અને લોકગીતો પર સંશોધન કરવાની તેમની આરઝૂ અપૂર્ણ રહી તેમ પિનાકી મેઘાણીએ લાગણીભેર જણાવ્યું હતું.
આઝાદી પૂર્વે ૧૯૪૩માં ભરૂચનાં લાલબજાર વિસ્તારમાં સ્થપાયેલી ઐતિહાસિક પ્રોગ્રેસીવ હાઈસ્કૂલ ૨૦૦૦નાં ધરતીકંપમાં ગંભીર ક્ષતિ પામી હતી. ૪૦ વર્ષથી શિક્ષણ-ક્ષેત્ર સાથે સંકળાયેલા અભેસિંહ રાઠોડે આ શાળાને ભરૂચનાં ભોલાવ વિસ્તારમાં આવેલી આશ્રય સોસાયટીમાં પુન:પ્રસ્થાપિત કરી હતી. પૂર્વ-પ્રાથમિક, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ ધરાવતી ભરૂચની આ પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થામાં ૧૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ૪૫ જેટલી અનાથ અને નિરાશ્રિત બાળાઓ તથા સામાજિક અને આર્થિક રીતે પછાત બાળકોને પણ અહિ લાગણીથી શિક્ષણ અપાય છે.