મામાવાડીમાં યુવાન પર બે શખ્સોનો કુહાડી અને લાકડી વડે હુમલો
શહેરમાં ભક્તિનગર રેલ્વે સ્ટેશન પાસે ભાડાના પ્રશ્ને રીક્ષા ચાલક ઉપર હરીફ ધંધાર્થીએ છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.જ્યારે મામાવાડી વિસ્તારમાં બે શખ્સોએ યુવાનને માર મારતા તેને પણ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ હનુમાન મઢી નજીક ન્યુ રંગઉપવન સોસાયટીમાં રહેતા રીક્ષા ચાલક રહીશ હમીમિયા કાજી નામનો 42 વર્ષનો યુવાન રાત્રિના દસેક વાગ્યાના ભક્તિનગર રેલ્વે સ્ટેશનના પાર્કિંગમાં હતો. ત્યારે કાળુ ભરવાડ નામના શખ્સે છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે સિવલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં રેલવે પોલીસ મથકનો સ્ટાફ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં રહીશ રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે અને ભક્તિનગર રેલ્વે સ્ટેશનના પાર્કિંગમાં હતો ત્યારે કાળુ ભરવાડ નામના અન્ય રીક્ષા ચાલકે મુસાફરોને વધુ ભાડું કીધું હતું. જેથી મુસાફરોએ ના પાડી હતી અને ત્યાર બાદ રહીશ ભાઈએ વ્યાજબી ભાડું કહેતા મુસાફર તેમની રીક્ષામાં બેસી ગયા હતા. મુસાફરો રીક્ષામાં બેસતાની સાથે જ કાળુ ભરવાડે રહીશ ભાઈને ગાળો ભાંડી હતી અને છરીના બે ઘા છાતીના ભાગે મારી દીધા હતા.
આ ઉપરાંત બીજા બનાવમાં નવાગામમાં આવેલા મામાવાડી વિસ્તારમાં રહેતા રાજા અરજણભાઈ સીરોડિયા નામના 40 વર્ષના યુવાન સાથે ઘના અને રાજુ નામના શખ્સોએ ઝઘડો કરી કુહાડી અને લાકડી વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.