આ વિલીનીકરણ બાદ બેંક ઓફ બરોડા સ્ટેટ બેંક બાદની દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની સરકારી બેંક બની જશે
બે સરકારી બેંકો દેના બેંક અને વિજયા બેંકનાં બેંક ઓફ બરોડામાં વિલીનીકરણ કરવાની પ્રક્રિયાને કેન્દ્રીય કેબિનેટ ગઈકાલે આખરી મંજૂરી આપી છે. આ વિલીનીકરણ બાદ બેંક ઓફ બરોડા સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા બાદ જાહેર ક્ષેત્રની બીજા નંબરની સૌથી મોટી સરકારી બેંક બની જશે. બેંકીંગ ક્ષેત્રમાં સુધારાના ભાગરૂપે કેન્દ્ર સરકાર દ્વારા ખોટ કરતી સરકારી બેંકોને નફો કરતી સરકારી બેંકો સાથે વિલીનીકરણ કરવાનો નિર્ણય કર્યો છે. જેના ભાગરૂપે દેશમાં પ્રથમ વખત ત્રણ સરકારી બેંકોને એક બીજામાં વિલીનીકરણ કરવામાં આવી રહી છે.
આ વિલીનીકરણ યોજનામાં કરવામાં આવેલી જોગવાઈ મુજબ વિજયાબેંકના શેર હોલ્ડરોને તેમના પ્રત્યેક ૧૦૦૦ શેર સામે બેંક ઓફ બરોડાના ૪૦૨ શેર અપાશે એવી જ રીતે દેના બેંકના શેર હોલ્ડરોને તેમના પ્રત્યેક ૧૦૦૦ શેર સામે બેંક ઓફ બરોડાના ૧૧૦ શેર આપવામાં આવશે આઅંગે બેંક ઓફ બરોડાની ગઈકાલે મળેલી બોર્ડ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ નિર્ણય બાદ બેંક ઓફ બરોડાના શેરના ભાવમાં ૩ ટકાનો ઘટાડા સાથે રૂ.૧૧૯ પર પહોચી ગયો હતો જયારે દેના બેંકના શેરના ભાવ રૂ.૧૮ અને વિજયા બેંકના શેરના ભાવ રૂ.૫૧ પર પહોચી જવા પામ્યો હતો. આર્થિક નિષ્ણાંતોના મત મુજબ બેંક ઓફ બરોડાને આ વિલીનીકરણના કારણે નુકશાન લોગવવું પડશે. આ વિલીનીકરણ બાદ આ બેંકની લોન બુક ૭.૮ લાખ કરોડ રૂ.ની ઉપર પાર કરી જશે જયારે ૯,૪૭૫ શાખાઓ અને ૧૩,૫૪૪ એટીએમનું નેટવર્ક થઈ જશે. આ વિલીનીકરણનું ૧ એપ્રીલથી અમલીકરણ થશે.
બેંક ઓફ બરોડાના સીઈઓ પી.એસ. જયાકુમાર કે જેઓનો કાર્યકાળ ઓકટોબર ૨૦૧૮માં પૂર્ણ થઈ ગયો છે. તેમને સરકારે આ વિલીનીકરણ કાર્યને પૂર્ણ કરવા એક વર્ષની મુદત વધારો કરી આપ્યો છે. જયારે, વિજયા બેંકના સીઈઓ અને એમ.ડી. આર.એ. શંકર નારાયણનો કાર્યકાળ આગામી જાન્યુઆરીમાં પૂર્ણ થઈ રહ્યા છે. દેના બેંકના કર્ણમ શેકર કે જેઓને સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયામાંથી દેના બેંકના વડા તરીકે ખસેડયા હતા. તેઓના કાર્યકાળ જુન ૨૦૨૦ સુધીનો છે.
આ વિલીનીકરણનો દેનાબક અને વિજયાબેંકના અધિકારીઓ અને કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે. ત્યારે કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ વિલીનીકરણથક્ષ એક પણ કાયમી કર્મચારીને નોકરી ગુમાવવી પડશે નહી અને આ બંને બેંકના કર્મચારીઓને બેંક ઓફ બરોડાના કર્મચારી તરીકે કાર્યરત રહેશે તેમને મળતા એકપણ લાભોમાં કાપ મૂકવામાં આવશે નહી.