પુન:લગ્ન લગ્ન કરતા જુના સાસરિયાંઓએ મહિલાને પિલોરે બાંધી,વાળ કાપી ઢોર માર માર્યો’તો : વીડિયો વાયરલ થતાં પોલીસ કાર્યવાહી કરાઇ
બાબરા ખાતે સાસરે રહેતી દેવીપૂજક મહિલાના પતિનું અકસ્માતમાં મૃત્યુ થયા બાદ મહિલાએ જુનું સાસરૂ છોડી અન્ય સાથે કોર્ટમેરેજ કરી લીધા હતા. એ પછી બાળકોને સાથે લાવી જુના સાસરે આવેલી મહિલાને પુન:લગ્ન મામલે સાસરિયાઓએ તેને પીલરે બાંધીને બે સ્ત્રીઓએ પકડી રાખી હતી. અને અન્ય બે દ્વારા લાકડી વડે માર મારી કાતરથી વાળ પણ કાપી નાંખ્યા બાદ તાલીબાની સજા આપતા ચકચાર જાગી હતી.જે મામલે પોલીસે ગુનો નોંધી બે મહિલાની ધરપકડ કરી હતી.જ્યારે અન્ય બેની શોધખોળ હાથધરી છે.
બનાવની વિગત મુજબ અગાઉ બાબરા તાલુકાના ગળકોટડી ગામે રહેતી મહિલા ભાનુબેન કવાભાઈ સાડમીયાના પતિનું ચાર વર્ષ પહેલા અકસ્માતમાં મૃત્યું નીપજ્યું હતુ. એ પછી ભાનુબેને કોર્ટમાં અન્ય સાથે લગ્ન કરી લીધા હતા . જુના સાસરેથી નવા સાસરે પોતાના બે બાળકો સાથે લઈને ચાલી ગઈ હતી. એ પછી કોઈ કારણસર ભાનુબેન ગળકોટડી એના બાળકોને સાથે લઈને આવ્યા હતા.
આ દરમિયાન એની નણંદ, નણદોયા, દેરાણી અને એક અન્ય શખ્સ તેની સાથે ઝઘડો કરીને કહ્યું હતું કે તે બીજા લગ્ન શા માટે કરી લીધા? એ પછી આ મહિલાને બધાએ બળજબરીથી ઢસડીજઈ પીલરે બાંધી દીધી હતી. એ પછી બે સ્ત્રીઓએ એને પકડી રાખી હતી. અને તેણીના વાળ કાપી નાંખ્યા હતા. જયારે બે પુરૂષો એના પર લાઠી વરસાવવા લાગ્યા હતા. આ વખતે ભાનુબેનના જુના સાસુ એની વચ્ચે પડી મારથી બચાવી હતી. આ ઘટના બાબતે મહિલાના પિતાને જાણ થઈ જતાં તેણે પોલીસને જાણ કરી હતી.
આખરે પોલીસે પહોંચી જઈ મહિલાને સારવારમાં ખસેડી હતી. તેમજ માર મારવામાં સહાયક બનેલી ઘુઘાબેન હરજીભાઈ ખટાણા, સોનલબેન વિજયભાઈ વાઘેલા રહે. જુના પીપળીયાને પકડી પાડી હતી. આ બનાવમાં હિકાભાઈ બાલાભાઈ ચકુબેન મુન્નાભાઈ ચારોલિયાને પકડી પાડવા પોલીસે દોડધામ શરૂ કરી છે. આ ઘટનાનો અમરેલી જિલ્લામાં વીડિયો વાયરલ થયો છે.