વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજ્ય સરકારે કાર્ડમાં વીમાની રકમમાં વધારો કર્યો: દર્દીઓ માટે નિર્ણય આશીર્વાદ સમાન સાબિત થશે
આયુષ્માન કાર્ડ ધારકો માટે સારા સમાચાર આવ્યા છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત નિ:શુલ્ક સારવાર માટે નાગરિકોને આયુષ્માન કાર્ડ હેઠળ અત્યાર સુધી આરોગ્ય વીમાની રકમનો હાલ પાંચ લાખ રૂપિયાનો લાભ મળે છે તે ૧૨ જુલાઇથી ૧૦ લાખ રૂપિયા સુધીનો મળશે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, આ માટેનો ઠરાવ તૈયાર છે અને વીમાની રકમ અંગે કંપની અને સરકાર વચ્ચે ટેકનિકલ બાબતનો મુદ્દો હતો તે ઉકેલાઇ ગયો છે. તેથી ૧૨ જુલાઇથી ગુજરાતના નાગરિકોને ૧૦ લાખ રૂપિયા સુધીની સારવાર આયુષ્માન કાર્ડ હેઠળ નિયત હોસ્પિટલોમાં નિ:શુલ્ક ઉપલબ્ધ થશે.
વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજ્ય સરકારે કાર્ડમાં વીમાની રકમ ૧૦ લાખ રૂપિયા કરાશે તેવી જાહેરાત કરી હતી, પરંતુ તેનો અમલ થવા પામ્યો ન હતો. તે પછી વિધાનસભા સત્રમાં પણ તેનો પુનરોચ્ચાર કરાયો હતો, પરંતુ હવે જુલાઇથી તેનો અમલ થવા જઇ રહ્યો છે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ હતું કે, પાંચ લાખ રૂપિયા સુધીની સારવારમાં એક લાખ રૂપિયા સરકાર આપતી હતી અને એક લાખથી વધુ અને પાંચ લાખ રૂપિયા સુધીની રકમ વીમા કંપની આપતી હતી. તે મુદ્દાનો ઉકેલ આવી જતા હવે ૧૦ લાખ રૂપિયા સુધીની વીમાની રકમનો લાભ મળતો થઇ જશે. આ અંગેનો ઠરાવ તૈયાર થઇ ગયો છે. જેનો લાભ આગામી ૧૨ જુલાઇથી નાગરિકોને અપાશે.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી દ્વારા શરૂ કરાયેલી આયુષ્માન યોજના દર્દીઓ માટે ઉપયોગી સાબિત થઇ છે. ૨૦૧૮થી ૨૦૨૨ સુધી કુલ ૧.૬૭ કરોડ લોકોએ કાર્ડ કઢાવીના આરોગ્ય વીમા કવચનો લાભ લીધો છે. રાજ્યમાં ૧.૮ કરોડથી વધુ આયુષ્માન કાર્ડ જારી કરાયેલા છે. ૧૯૭૫ સરકારી અને ૮૫૩ ખાનગી મળી ૨૮૨૭ હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ હેઠળ સર્જરી સુધીની સારવાર નિ:શુલ્ક ઉપલબ્ધ છે.