- આપણે હાફૂસ, કેસર, લંગડો, બદામી રાજાપુરી જેવી કેરીના નામને ઓળખીએ છીએ, પણ ભારત 25 કરોડ ટન ઉત્પાદન સાથે વિશ્વના 40 થી વધુ દેશોમાં તેની નિકાસ કરે છે: ભારતનું રાષ્ટ્રીય ફળ કેરી છે
- દેશમાં થતી 1500 જેટલી જાત પૈકી, એક હજાર કેરીની જાતો વ્યવસાયિક રીતે સામેલ: 1955 માં મુંબઈ ખાતેના કેરી પ્રદર્શનમાં જૂનાગઢની કેરીને ગોલ્ડ મેડલ મળેલ હતો : એક કેરીની જાત બહુ વજનદાર હોવાથી તેનું નામ ‘હાથીજુલ’ પાડવામાં આવેલ હતું
- ભારતમાં છ હજાર વર્ષોથી આંબાનું વાવેતર થાય છે: કેરીમાં વિટામીન ઈ નું પ્રમાણ વધારે હોવાથી હોર્મોન સીસ્ટમને સીધી અસર કરે : ઉનાળામાં તેનું સેવન ઘણી બીમારીમાં રાહત આપે છે : આંબો 50વર્ષ સુધી અને હાફૂસ 200 વર્ષ સુધી ફળ આપે છે
ઉનાળાની ગરમીની સીઝનમાં કેરીનો રસ ને પુરીનું જમણ કાઠિયાવાડનું પ્રિય છે. કેરી લગભગ ભારતના બધા રાજયોમાં થાય છે.કાચુ ફળ ખાટુને પાકી જાય પછી મધમધતી સુગંદ સાથે મીઠીને ટેસ્ટી બની જાય છે. આ ફળને ચૂસીકે, કાપીને કે તેનો રસ કાઢીને ખાય શકાય છે. આંબાનો સૌથી વધુ પાક યુ.પી.માં થાય છે.લગભગ સવાલાખ હેક્ટરમાં તેનું વાવેતર જોવા મળે છે. બિહાર, બંગાળ, ઓરિસ્સા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં તેનો પાક વધુ થાય છે. સૌરાષ્ટ્ર કે આપણા કાઠિયાવાડમાં જૂનાગઢની કેસર કેરીની બોલબાલા છે , પણ ભાવનગર, મોરબી, જામનગર, જેવા જિલ્લામાં પણ તેનો પાક થાય છે. આપણે તો જૂનાગઢની કેરીની પ્રથમ પસંદગી હોય છે. મહારાષ્ટ્રની અલફ્રાન્ઝો અને પાયરી જેવી કેરી વેપારીની દ્રષ્ટિએ ઉતમ ગણાય છે.કેરી આપણા દેશનું રાષ્ટ્રીય ફળ છે.વૈજ્ઞાનિક વર્ગીકરણમાં તે સપુષ્પ વનસ્પતિની વ્યાખ્યામાં આવે છે.
આપણા દેશમાં મુખ્યત્વે કેસર, હાફુસ, લંગડો, રાજાપુરી, તોતાપુરી, દશેરી, પાયરી, નિલફ્રાન્ઝો, રત્ના, બદામ, દાડમીયો અને વસીબદામી જેવી કેરીની વિવિધ જાતો થાય છે. આયુર્વેદ અનુસાર કેરીના રસમાં જો મીઠું અને સુઢ પાવડર ઉમેરીને ખવાય તો તે પાચ્ય બની જાય છે. વધુ પડતી કેરી ખાવાથીતેની ગરમી મોઢા ઉપર ફૂટે છે. કેરીને ચૂંસીને ખાવાથી તે ખૂબજ ટેસ્ટી લાગે છે , અને તે બળવર્ધક પણ છે. તેના ગોટલામાંથી ગોટલી કાઢીને તેની ચીરીઓ કે નાના કટકા કરી તેમાં મીઠુ અને લીંબુનો રસ લગાડીને મુખવાસ તરીકે પણ કાઠિયાવાડી લોકો ખાય છે. આ ગોટલી તુરી હોય પણ ઉલ્ટી કે ડાયેરીયા મટાડે છે. ઘણા તેમાં આંબળાનો ભૂકો અને કાંટાળા માયુનો ભુકકો સાથે લવિંગનો ભૂકકો નાખી દંત મંજન પણ બનાવે છે.
વિજ્ઞાનની દ્રષ્ટિએ કેરીમાં કેલરી અને કાર્બોહાઈટ્રેડનું પ્રમાણ વધુ હોવાથી તે તમારા વજનમાં વધારો કરી શકે છે. જો વજન વધારવું જ હોય તો પાકી કેરીનું સેવન કરવું તેમાં લોહતત્વ (આર્યન)નું પ્રમાણ વધુ હોવાથી એનેમિક વ્યકિતએ જરૂરથી કેરી ખાવી. કેરીમાં વિટામીન ઈ નું પ્રમાણ વધારે હોવાથી હોર્મન સીસ્ટમને સીધી અસર કરે છે. સૌથી અગત્યની વાત બેકેટેરીયલ ઈન્ફેકશન કબજીયાત, ડાયેરીયા, આંખોની મુશ્કેલી, વાળ ખરવા, હૃદયરોગનો હુમલો, લીવરની સમસ્યા, મોર્નિંગ સિકનેશ, પાઈલ્સ, અળાઈ વિગેરેમાં તે રાહત આપે છે. આપણો દેશ દુનિયાના કુલ ઉત્પાદનના 40 ટકાથી વધુ ઉત્પાદન કરે છે આપણા પછી ચિન અને પાકિસ્તાનનો ઉત્પાદનમાં નંબર આવે છે. દુનિયાના ટોપ 10 કેરી ઉત્પાદક કરતા દેશોમાં ભારત, ચીન, પાકિસ્તાન, મેકિસકો, થાઈલેન્ડ, ઈન્ડોનેશીયા, બ્રાઝીલ, ફિલિપાઈન્સ, નાઈજેરીયા અને વિયેટનામ જેવા દેશો છે.
પ્રાચિન કાળમાં જૂનાગઢમાં 100 જાતની કેરીનું ઉત્પાદન કરવામા આવતું હતુ , તેમાં આંબો નામની એક કેરીની જાત હતી, બાદમાં માંગરોળમાં નવી જાતની પાતળી રેશા વિનાની કેરીની જાત વિકસાવી હતી. આ કેરી એટલી બધી મીઠી હોવાથી તેનું નામ આંબડી કેરી રાખ્યું હતુ. આજે કચ્છની કેરી પણ બહુજ મીઠી આવે છે. સમય જતા ગીરનારની આબોહવામાં બદલાવ આવતા કેરીની લીલાસમાં વધારો થયો અને કેરીનો અંદરનો ભાગ કેસરી થવા લાગ્યો અને તેનું નામ કેસર પડી ગયું 1932 માં અહી કેસર કેરી અંગેનો વિચાર ગોષ્ઠિનો કાર્યક્રમ પણ યોજાયો હતો. 1955 માં મુંબઈ ખાતે કેરીના પ્રદર્શનમાં જૂનાગઢની કેસર કેરીને ગોલ્ડ મેડલ મળ્યો હતો. આજે પણ કેસર કેરીનો સ્વાદ વિશ્ર્વભરમાં વખણાય છે.આપણાદેશમાં છ હજારથી વધુ વર્ષોથી આંબાનું વાવેતર થાય છે. દર વર્ષે 1500 થી વધુ કેરીઓની જાત ભારતમાં ઉત્પન થાય છે. એક આંબો વાવ્યા બાદ પાંચ વર્ષ પછી ફળ આપતો હોય છે. સામાન્ય રીતે 50 વર્ષ સુધી આંબો ફળ આપે છે. પણ હાફુસ 200 વર્ષ સુધી ફળ આપતો રહે છે. કેરી ભારત સાથે પાકિસ્તાન અને ફિલિપાઈન્સનું રાષ્ટ્રીય ફળ છે. વિશ્ર્વમાં ત્રીજા નંબરનો ફળાઉ પાક કેરી છે , અને સમગ્ર વિશ્ર્વને કેરીની ભેટ આપણા દેશ ભારતે જ આપી છે.
વિશ્ર્વમાં કેરીઓને વિવિધ વેપારમાં સામેલ કરવાનો શ્રેય પોટુગીઝને જાય છે. હિન્દુ ધર્મના દરેક ગ્રંથોમાં કેરીનો ઉલ્લેખ કર્યો છે. વરાહુપુરાણમાં પણ તેનો ઉલ્લેખ સાથે બુધ્ધને જ્ઞાન આંબા નીચે જ થયેલ હતું , જૈન દેવી અંબિકાનું આસન પણ આંબા નીેચે જ હતુ. શુભ પ્રસંગોએ આંબાના તોરણ બંધાતા હતા. ભારતમાં થતી 1500 જેટલી જાતો પૈકી એક હજાર જાતો વ્યવસાયીક રીતે સામેલ છે. બધી કેરીઓનાં નામ અને સ્વાદ જુદા છે. ભારતમાં દર વર્ષે 25 કરોડ ટન કેરીનું ઉત્પાદન થાય છે.દેશ અને વિદેશોમાં તેની જોરદાર માંગ રહે છે. ભારત વિશ્ર્વમાં 40 થી વધુ દેશોમાં કેરીની નિકાસ કરે છે. લંગડો કેરી લગભગ 300 વર્ષ જૂની છે.ગ્રીષ્મઋતુઓમાં અનેક રોગોને દૂર કરી સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખનાર ફળ કેરી એક જ છે. કેરીનું લેટીન નામ મેન્જીફેશ ઈન્ડીકા છે.. કેરી ફળોના રાજા સાથે તેનો રસાળ રસ, કલ્પવૃક્ષ, મધુદુત અને કોયલનું પ્રિય વૃક્ષ છે.
અમૃતફળ સમી કેરી મીઠી હોય તો તેની લિજજત જલ્વો પાડી દે છે. કેરી સ્વાદે મીઠી, તાસીરે ઠંડી, પચવામાં ભારે, ચીકળી, મળભેદક, અગ્નિદીપક, પિત્તનાશક અને કફકારક છે.કેરી વિર્યવર્ધક, બળવર્ધક, સુખકારક, અને શરીરનો રંગ બદલનાર ફળ છે. કેરીના અલગઅલગ નામો કેવી રીતે પડયા તેનો પણ એક ઈતિહાસ છે. જેમકે બનારસના શિવમંદિરમાં લંગડા પુજારીએ આંબો વાવ્યોને તેમાં જે કેરી આવી તેને લોકોએ લંગડા કેરી નામ આપી દીધું હતુ. એક કેરી ખુબજ વજનદાર હોવાથી તેનું નામ હાથીજુલ કેરી પાડયું હતુ. તાલાળાગીરની કેસર કેરીની વિશેષતાને કારણે તે બીજી કેરીથી અલગ પડે છે. કેરી પૃથ્વીપરનું સૌથી પ્રિય અને અમૃત ફળ છે. કેસર હોયકે હાફુક ગુજરાતી પરિવારનો કેરી વગર ઉનાળો અધૂરો ગણાય છે. લોહતત્વનું પ્રમાણ વધારે હોવાથી તે તમારૂ વજન વધારી શકે. એપ્રીલ પ્રારંભે કરી બઝારમાં આવવા લાગે છે. શરૂઆતમાં ભાવ વધારે હોય છે. ભીમ અગિયારસે કેરી ખાવાનું મહત્વ અનેરુ છે. તે બઝારમાં આવે એટલે બધા ફળો ગાયબ થઇ જાય છે.
આજે કેરીના વિવિધ નામ
હાલ આપણા દેશમાં કેરીની વિવિધ 105 જેટલી જાત ચલણમાં છે, જેમાં કેસર, દુધપેંડો, બોમ્બે હાફુસ, નિલેશાન, હાફૂસ, જમખ્યો, જહાંગીરપસંદ, કાવસજી પટેલ, નિલફાન્ઝો, અમીરપસંદ, બાદશાહ પસંદ, અંધારીયો દેશી, નારીયેરી, કાળિયો, પીળીયો, બાજરીયો, હઠીલો, બાટલી, કાળો હાફૂલ, કાચો મીઠો, દેશી આંબડી, બદામડી, સીંઘડી, કલ્યાણ બાગી, રાજાપુરી, અષાઢી, લંગડો, જમ્બો કેસર, સુપર કેસર, અગાસનો બાજરીયો, સફેદા, માલ્દા ગોપાલ, સુવર્ણરેખા, પીટર, બેગાનો પલ્લી, એન્ડૂઝ, યાકુત, દિલપસંદ, પોપટીયા, ગધેમાર, આમીની, ચેમ્પિયન, વલસાડી હાફુસ, બદામી, બેગમ પલ્લી, બોરસીયો, દાડમીયો, દશેરી, જમાદાર, કરંજીયો, મકકારામ, મલગોબા, નિલમ, પાયરી, સબ્જી, સરદાર, તોતાપુર, આમ્રપાલી, મલ્લિકા અર્જુન, રત્નાગીરી હાફૂસ, વનરાજ, બારમાસી, શ્રાવણીયો, નિલેશ્ર્વર, વસીલદાબી, ગુલાબડી, અમુતાંગ, બનારસી લંગડો, જમીયો, રસરાજ, લાડવ્યો, એલચી, જીથરીયો, ધોળીયો, રત્ના, સિંધુ, રેશમ પાયરી, ખોડી, નીલકૃત, ફઝલી, ફઝલી રંગોલી, અમૃતિયો, ગાજરીયો, લીલીયો, વજીર પસંદ, ગીરીરાજ, સલગમ, ટાટાની આંબડી, સાલમભાઇની આંબડી, અર્ધપુરી, શ્રીમંત, નિરંજન, કંઠ માળો, કુરેશી લંગડો જેવી વિવિધ કેરીની વિચિત્ર જાતોના નામ છે.