પુત્ર સાથે થયેલી માથાકુટનો ખાર રાખી પાચ શખ્સો બે દંપતી પર છરી અને ધોકા સાથે તૂટી પડ્યા
શહેરની ભાગોળે આવેલા નવાગામ આણંદપરમાં સ્કૂટર જોઈને ચલાવવાનું કહેતા ચાર શખ્સોએ વેપારી દંપતી સહિત ચાર ઉપર છરી અને ધોકા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા બંને દંપતીને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ નવાગામ આણંદપરમા રહેતા અને પાન એન્ડ કોલ્ડ્રીંક્સની દુકાન ધરાવતા ગીરીશભાઈ હેમંતભાઈ ટાંક (ઉ.વ.51) તેમના પત્ની જયશ્રીબેન ગીરીશભાઈ ટાંક (ઉ.વ.47), મોટાભાઈ અરુણભાઈ હેમંતભાઈ ટાંક (ઉ.વ.55) અને ભાભી હંસાબેન હેમંતભાઈ ટાંક (ઉ.વ.51) રાત્રિના દસેક વાગ્યાના અરસામાં નવાગામ આણંદપરમાં આવેલા રામજી મંદિર પાસે હતા ત્યારે નવઘણ, વિક્રમ, ચિરાગ અને કિશોર નામના શખ્સોએ છરી અને ધોકા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા બંને દંપતિને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરતા કુવાડવા રોડ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હિસ્પિટલ ખાતે દોડી ગયો હતો.પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ઇજાગ્રસ્ત અરુણભાઈ ટાંકનો પુત્ર સાગર ટાંક કાર લઈને જઈ રહ્યો હતો ત્યારે હુમલાખોર ચિરાગે સ્કૂટર આડુ નાખતા સ્કૂટર જોઈને ચલાવવા મુદ્દે ઠપકો આપ્યો હતો જે બાબતનો ખાર રાખી ચારેય હુમલાખોરોએ વેપારી દંપતિ સહિત ચાર વ્યક્તિ ઉપર હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે કુવાડવા રોડ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.