પાડોશી નેપાળી શખ્સે સોનાના ઘરેણા અને રોકડ રકમનો હાથફેરો કર્યાની કબુલાત
૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલા રૈયા ટેલિફોન એકસચેન્જ પાસે રહેતા શિક્ષકના મકાનમાંથી એક વર્ષ પહેલાં રૂા.૯૪ હજારની મત્તાનો હાથફેરો કરવાના ગુનામાં સંડોવાયેલ પાડોશી નેપાળી શખ્સને ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ધરપકડ કરી છે.
મુળ ધારી તાલુકાના દલખાણીયા ગામના વતની અને રૈયા ટેલિફોન એકસચેન્જ પાસે અનામીકા સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા શિક્ષક મહેશભાઇ નાનજીભાઇ મહીડા ગત તા.૨૧-૭-૧૯ના રોજ પરિવાર સાથે અગાશી પર સુતા હતા ત્યારે ખુલ્લા રહેલા મકાનથી સોનાના બે ચેન, સોનાના બે બેડલ, કાનની બુટી, મંગલસુત્ર અને રોકડ મળી રૂા.૯૪ હજારની મત્તાની ચોરી થયાની યુનિર્વસિટી પોલીસમાં ફરિયાદ નોંધાતી.
મહેશભાઇ મહીડાના મકાનમાં થયેલી ચોરીના ગુનામાં તેના ગોલ્ડન પાર્કના મેઇન રોડ પર ભક્તિધામ સોસાયટીમાં રહેતા સુરજ ચકબહાદુર દમાઇ નામનો શખ્સ સંડોવાયાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. વી.કે.ગઢવી, પી.એસ.આઇ. એમ.વી.રબારી, એએસઆઇ જયુભા પરમાર, હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ ઝાલા, જયદીશભાઇ મેવાડા અને એભલભાઇ બરાલીયા સહિતના સ્ટાફે સુરજ ચકબહાદુર દમાઇની ધરપકડ કરી છે.સુરજ દમાઇ આ પહેલા રાજકોટ અને મુંબઇમાં છ જેટલી ચોરીના ગુનામાં દરપકડ થઇ હતી. તેની પાસેથી ચોરીનો મુદામાલ કબ્જે કરવા રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.