ગુજરાત સમાચાર
અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને આજે સમગ્ર દેશના લોકોમાં ખૂબ જ આનંદ અને ઉત્સાહ છે. આ શુભ અવસર પર આજે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓમાં સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, મધ્ય ઝોન કાર્યકારી પ્રમુખ ડૉ.જ્વેલબેન વસરા, પ્રદેશ ખજાનચી કિરણભાઈ પટેલ, અમદાવાદ શહેર પ્રમુખ બીપીનભાઈ પટેલ સહિત પ્રદેશના નેતાઓ, જિલ્લા તથા તાલુકાના પદાધિકારીઓની અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. દેશના તમામ બાળકોને સારું શિક્ષણ મળે, તમામ લોકોને સારી આરોગ્ય વ્યવસ્થા મળે, માતા બહેન દીકરીઓની સુરક્ષા થાય અને દેશ અને દેશના લોકો પ્રગતિ કરતા રહે, તે માટે તમામ હાજર લોકોએ પ્રાર્થના પણ કરી હતી.
આવતીકાલે 21 જાન્યુઆરી રવિવારના રોજ તમામ જિલ્લાઓ અને તાલુકા મથક પર રામધુનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ 22 જાન્યુઆરી સોમવારના રોજ તમામ જિલ્લાના કાર્યાલય પર પંડાલનું આયોજન કરીને રામધુન અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજવામાં આવશે. આ તમામ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ તથા સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓની સાથે સાથે મોટી સંખ્યામાં સામાન્ય લોકો પણ જોડાશે. રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમને આમ આદમી પાર્ટી દ્વારા દિવાળીની જેમ ઉજવવામાં આવશે. સાથે સાથે પ્રાર્થના કરવામાં આવશે કે ગુજરાત સહિત સમગ્ર દેશમાં રામરાજ્યની સ્થાપના થાય અને દેશના તમામ લોકોનું ભલું થાય.