- શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા યોજાઈ અને કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે અધિક કલેકટરે પ્રસિદ્ધ કર્યું જાહેરનામું
બોર્ડની પરીક્ષાને પગલે અધિક જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી પરીક્ષાના દિવસોમાં કેન્દ્રોની 100 મીટરની ત્રીજીયામાં ઝેરોક્ષની દુકાનો તથા સ્માર્ટ વોચ સહિતના ઉપકરણો વેચતી એટલે કે ઇલેક્ટ્રિક ગેજેટ્સની દુકાનો બંધ રાખવા આદેશ જારી કર્યો છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા એસ.એસ.સી.ની અને એચ.એસ.સી.ની સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ તથા વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓનું આયોજન તા. 11થી તા.26 માર્ચ સુધી યોજાનાર હોવાનું જાહેર કરવામાં આવેલ છે. આ પરીક્ષાઓ શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય તેમજ પરીક્ષાની કાર્યવાહીમાં કોઈપણ જાતની રૂકાવટ ન આવે અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ફોજદારી કાર્યરીતી અધિનિયમ-1973ની કલમ-144 હેઠળનું પરીક્ષા કેન્દ્રના 100 મી. આજુબાજુના વિસ્તારમાં ઝેરોક્ષ અથવા લીથો કે અન્ય કોઈ રીતે પરીક્ષા કાર્યમાં ગેરરીતિ કરવા કોપીંગ વગેરે ગેરકાયદેસર કૃત્ય ન થાય અને ઉકત પરીક્ષાઓ શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય અને પરીક્ષા કાર્યવાહીમાં કોઈપણ જાતની રૂકાવટ ન આવે તે માટે અધિક જિલ્લા કલેકટર ચેતન ગાંધી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
જેમાં જણાવાયુ છે કે રાજકોટ ગ્રામ્ય જીલ્લા વિસ્તારના એસ.એસ.સી.નાં પરીક્ષા કેન્દ્રોમાં તા. 11/03/2024 થી તા.22/03/2024 સુધી, એચ.એસ.સી.નાં વિજ્ઞાન પ્રવાહનાં પરિક્ષા કેન્દ્રોમાં તા. 11/03/2024 થી તા.22/03/2024 અને એચ.એસ.સી. સામાન્ય પ્રવાહના પરિક્ષા કેન્દ્રોમાં તા. 11/03/2024 થી તા.26/03/2024 સુધી અને એચ.એસ.સી. વ્યવસાયલક્ષી પ્રવાહના પરિક્ષા કેન્દ્રોમાં તા. 16/03/2024 થી તા.26/03/2024 સુધીની પરિક્ષાઓ દરમિયાન પરીક્ષા સ્થળની આસપાસના 100 મીટર (એકસો મીટર) ત્રિજયાના વિસ્તારમાં પરીક્ષામાં ગેરરીતી કરવાના ઈરાદાથી કે અનિયમિતતા ઉભી કરવા અને પરીક્ષા કાર્યમાં ખલેલ પાડવાના ઈરાદાથી ચાર કરતાં વધુ વ્યક્તિઓએ એકત્રીત થવું નહી અથવા કોઈ સભા ભરવી નહી કે કોઈ સરઘસ કાઢવું નહી તેમજ પરીક્ષા સ્થળે મોબાઈલ ફોન, વિજાણું ઘડીયાળ અને તે પ્રકારના અન્ય સાધનો/યંત્રો લઈ જવા નહી તેમજ 100 મીટર (એક્સો મીટર) ત્રિજયાના વિસ્તારની આસપાસ ઝેરોક્ષ અથવા લીથો કે અન્ય કોઈ રીતે પરીક્ષા કાર્યમાં ગેરરીતિ કરવા કોપીંગ વગેરે ગેરકાયદેસર કૃત્ય કરવું નહીં અને ઝેરોક્ષ તથા લીથોની કામગીરી કરતી દુકાનો પરીક્ષાના દિવસે અને સમયે બંધ રાખવી તેમજ સ્કુલમાં ઉપલબ્ધ ઝેરોક્ષ તથા લીથો મશીનો પણ બંધ રાખવા તેમજ લાઉડ સ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની દુકાનો પણ બંધ રહેશે.