નાણાવટી ચોક પાસે બીમારીથી કંટાળી વૃદ્ધાએ એસિડ ગટગટાવ્યું
શહેરમાં થોરાળા વિસ્તારમાં આવેલા ક્રિષ્ના પાર્કમાં રહેતી વિધવાએ સાસુ-સસરા ત્રાસ આપતા હોવાના આક્ષેપ સાથે શેમ્પૂ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો પરિણીતાને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી હતી. તો બીજી તરફ નાણાવટી ચોક પાસે આવાસમાં રહેતા વૃદ્ધાએ બીમારીથી કંટાળી એસિડ ગટગટાવ્યું હતું.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ થોરાળા વિસ્તારમાં આવેલા ક્રિષ્ના પાર્કમાં રહેતી દિપાલીબેન વિનોદભાઈ ગોહિલ નામની 35 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે કોઈ અગમ્ય કારણસર શેમ્પુ પી લીધું હતું. પરિણીતાને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી તેણીની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યા મુજબ તેણીના 13 વર્ષ પૂર્વે લગ્ન થયા હતા અને તેણીને સંતાનમાં ચાર પુત્રી છે. પતિનું અવસાન થતા તેણી પુત્રી સાથે રહેતી હતી. પરંતુ સાસુ-સસરા ત્રાસ આપતા હોવાના કારણે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં 150 ફૂટ રીંગ રોડ પર નાણાવટી ચોક પાસે આવેલા સરકારી આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા કોકીલાબેન શશીકાંતભાઈ જોશી નામના 70 વર્ષના વૃદ્ધા પોતાના ઘરે હતા ત્યારે સવારના સાડા નવેક વાગ્યાના અરસામાં કમરના દુખાવાથી કંટાળી એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. વૃદ્ધાને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.