આઇપીએલની 16મી સિઝનમાં પંજાબની સતત બીજી જીત, નાથન એલિસે 4 વિકેટ ઝડપી જ્યારે ધવને તોફાની ઇંનિંગ રમી
પંજાબ કિંગ્સે રાજસ્થાન રોયલ્સને હરાવીને આઇપીએલની 16મી સિઝન સતત બીજી જીત મેળવી છે. ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પંજાબે પ્રથમ બેટિંગ કરતા 197 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાનની ટીમ માત્ર 192 રન જ બનાવી શકી હતી અને પાંચ રનથી મેચ હારી ગઈ હતી. પંજાબ કિંગ્સે રાજસ્થાનને પાંચ રનથી હરાવ્યું છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પંજાબની ટીમે 20 ઓવરમાં ચાર વિકેટે 197 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાનની ટીમ 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને માત્ર 192 રન જ બનાવી શકી હતી અને પાંચ રનથી મેચ હારી ગઈ હતી.
પંજાબ તરફથી શિખર ધવને અણનમ 86 અને પ્રભસિમરન સિંહે 60 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી એલિસ નાથને 4 અને અર્શદીપ સિંહે 2 વિકેટ ઝડપી હતી.છેલ્લી 4 ઓવરમાં રાજસ્થાનને જીતવા માટે 69 રનની જરૂર હતી. ધ્રુવ જુરેલ અને શિમરોન હેટમાયર ક્રિઝ પર હતા. બંનેએ 17મી ઓવરમાં 16 રન, 18મી ઓવરમાં 19 અને 19મી ઓવરમાં 18 રન બનાવ્યા હતા. સેમ કેરન સામે તેમને છેલ્લી ઓવરમાં 16 રન બનાવવાના હતા. પરંતુ સચોટ બોલિંગ સામે રાજસ્થાન માત્ર 10 રન જ બનાવી શક્યું હતું.
પંજાબે આ મેચ 5 રને જીતી લીધી હતી. નાથન એલિસે બટલર, સેમસન, રિયાન પરાગ અને પડિકલની વિકેટ લીધી હતી.
આઇસીસી વનડે રેન્કિંગમાં શુભમન ગિલ ચોથા સ્થાને
ભારતીય ઓપનર બેટ્સમેન શુભમન ગિલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ વનડે ખેલાડીઓની રેન્કિંગમાં બેટ્સમેનની યાદીમાં મહત્વનું સ્થાન મેળવવામાં સફળતા મેળવી છે. ગિલ સૌથી શ્રેષ્ઠ દેખાવ સાથે ચોથા સ્થાન પર પહોંચી ગયો છે. ગિલ ઉપરાંત વિરાટ કોહલી તથા રોહિત શર્માને પણ ટોપ-10માં સ્થાન જાળવી રાખ્યું છે.એક સ્થાનના સુધારા સાથે કોહલી ટોપ-10માં સાતમા સ્થાને પહોંચી ગયો છે,
જ્યારે રોહિત શર્મા બેટ્સમેનના રેન્કિંગમાં આઠમાં સ્થાને યથાવત છે. જોકે પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ ટોપ-10માં મોખરાના સ્થાને યથાવત રહ્યો છે. ટોપ-10માં ભારતના 3 બેટ્સમેન છે, રોહિત શર્માએ 8માં ક્રમાંક પર છે. બોલિંગ ચાર્ટ્સમાં મોહમ્મદ સિરાજ ત્રીજા સ્થાન પર રહ્યો છે. ટોપ-10 બોલરમાં તે એકમાત્ર ભારતીય છે. ઓસ્ટ્રેલિયાનો જોશ હેઝલવૂડ 705 પોઇન્ટ સાથે મોખરાના સ્થાન છે, જ્યારે ટ્રેંટ બોલ્ટ 694 પોઇન્ટ સાથે બીજા ક્રમાંક પર છે, આ ઉપરાંત મોહમ્મદ સિરાજને 691 પોઇન્ટ સાથે ત્રીજુ સ્થાન મળ્યું છે.