ગ્રીન ઝોનમાંથી નમુના લેવાના બદલે ક્ધટેઈનમેન્ટ ઝોનમાંથી લેવા જોઈએ: ખફી
વિપક્ષી સભ્યો પીપીઈ કિટ પહેરી બેઠકમાં આવ્યા
કમિશનરના પ્રેઝન્ટેશન બાદ વિપક્ષી નેતાએ કહ્યું અમે તમારા કારણે જ જીવતા છીએ !!
લોકોને છ માસના વેરા માફ કરો: વિપક્ષની માંગ
જામનગરમાં કોવિડ રોગચાળા અંગે ચર્ચા કરવા ખાસ બોલાવેલી મહાપાલિકાની બેઠકમાં ગરમા ગરમીની ચર્ચા થઈ હતી. વિપક્ષી નેતાના વકતવ્ય બાદ સતાધારી પક્ષ, વિપક્ષ વચ્ચે શાબ્દીક ટપાટપી થઈ હતી.
જામનગર મહાનગર પાલિકાની કોવિડ-૧૯ પ્રશ્ને ચર્ચા કરવા ખાસ સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં વિપક્ષી સભ્યો પીપીઈ કીટ પહેરીને આવ્યા હતાં. કમિશ્નરના લાંબા પ્રેઝન્ટેશન પછી વિપક્ષી નેતા અલ્તાફ ખફીએ પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે, આપના ભાષણ પછી એમ લાગે છે કે અમો જીવતા જ તમારા કારણે છીએ. નહીં તો ક્યારના મરી ગયા હોત.આ સમયે સત્તાધારી પક્ષના કોર્પોરેટર કિશન માડમે વચ્ચે બોલતા જ બન્ને વચ્ચે શાબ્દિક ટપાટપી જામી પડી હતી. અલ્તાફે ખફીએ ચોખ્ખા શબ્દોમાં જણાવ્યું હતું કે, તમે લોકો તો ઘરમાં પુરાઈને બેઠા હતાં.જ્યારે વિપક્ષના કોર્પોરેટરો લોકોની વચ્ચે જઈને સતત કામગીરી કરતા હતાં.
જામનગર મહાનગરપાલિકાની કોવિડ-૧૯ પ્રશ્ને આજે ખાસ સામાન્ય સભા ધીરૂભાઈ અંબાણી વાણિજય ભવનમાં મેયર હસમુખ જેઠવાના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં વિપક્ષી સભ્યો પીપીઈ કીટ પહેરીને આવ્યા હતાં. આ ચર્ચામાં ભાગ લેતા વિપક્ષના નેતા અલ્તાફ ખફીએ આક્રમક રજૂઆતો કરતા જણાવ્યું હતું કે, ગ્રીન ઝોનમાંથી સેમ્પલ લેવામાં આવે છે. હકીકતે ક્ધટેન્ટમેન્ટ ઝોનમાંથી વધુ સેમ્પલો લેવા જોઈએ. તેમણે મુંબઈની ધારાવી ઝુંપડપટ્ટીનો દાખલો પણ આપ્યો હતો. જામનગર શહેરમાં ૧૬ મૃત્યુ થયા છે, પરંતુ સરકારની લેબ વેબસાઈટમાં જામનગરમાં માત્ર નવ (૯) મૃત્યુ દર્શાવાયા છે. એટલે કે, આંકડા છુપાવવામાં આવે છે. તેના જવાબમાં અધ્યક્ષસ્થાનેથી જણાવાયું હતું કે, કોવિડ-૧૯ના રોગીને અન્ય બીમારી હોવાથી મૃત્યુ થયું છે. બાકી ખાલી કોરોનાવાળા માત્ર બે દર્દીના જ મૃત્યુ થયા છે. તો અલ્તાફ ખફીએ વધુમાં ઉમેર્યુ હતું કે, તમને ગમે તો કોરોના નહીં તો અન્ય બીમારીથી મૃત્યુ એમ ના ચાલે કોવિડ વોર્ડમાં દાખલ દર્દીનું મૃત્યુ થાય એ કોરોનાથી જ મૃત્યુ ગણાય. રાજયમાં આરોગ્ય સચિવ જ્યંતિ રવિ જામનગર આવ્યા હતાં, પરંતુ વિપક્ષી સભ્યોને મુલાકાત કરવા દેવામાં આવી ન હતી. આથી વાસ્તવિકતા બહાર ન આવે, તંદુરસ્ત વ્યક્તિને પણ કોરોના હોય શકે એ માત્ર થર્મલ ગનથી નક્કી ન થાય એ માટે ટેસ્ટીંગ કરવું જોઈએ. એક તરફ લોકો મુસીબતમાં છે અને મહાનગરપાલિકા દંડ વસુલી લોકો ઉપર ત્રાસ ગુજારે છે. વધુમાં વિપક્ષી નેતાએ માંગણી કરી હતી કે લોકોનો છ માસના વેરા માફ કરવા જોઈએ.
તેનો જવાબ આપતા કમિશ્નરે જણાવ્યું હતું કે, થર્મલ ગન તપાસ એ પ્રાયમરી છે. રાજ્યમાં સૌથી વધુ ટેસ્ટ વસ્તીની દૃષ્ટિએ જામનગરમાં થયા છે. સરકારની ગાઈડ લાઈન પ્રમાણે તમામ કામગીરી થઈ રહી છે. કોઈ આંકડા છુપાવવામાં આવતા નથી. વિપક્ષના સભ્ય દેવસી આહિરએ ચર્ચામાં ભાગ લેતા જણાવ્યું હતું કે, વિપક્ષી દ્વારા બોલાવાયેલી ખાસ સામાન્ય સભામાં દોઢ કલાક પછી બોલવાનો વારો આવ્યો એ માટે આભાર. હકીકતે શહેરની અનેક સંસ્થાએ ખૂબ જ સેવા કાર્ય કર્યું છે. ૮૦ ટકા ફાળો સંસ્થાઓનો છે. મહાનગરપાલિકાએ મળી ર૦ ટકા કામગીરી જ કરી છે. માસ્ક સિવાય સફાઈ કર્મચારીને શું આપ્યું? તેના જવાબમાં કમિશનરે જણાવ્યું હતું કે, માસ્ક, ગ્લોઝ, સ્પેશિયલ રાશન કીટ આપી છે અને સમયાંતરે આરોગ્યની તપાસણી કરવામાં આવી છે. સત્તાધારી પક્ષના કોર્પોરેટર કેશુભાઈ માડમએ વ્યાજ માફી યોજનાની માંગણી કરી હતી. તો રચનાબેન નંદાણિયાએ જણાયું હતું કે કમિશનરે બદલી માંગી છે. તે અરજી પરત ખેંચી લે તો સારૃ.
મેરામણ ભાટુએ ચર્ચામાં ભાગ લેતા જણાવ્યું હતું કે, કમિશનરે સારું પ્રેઝન્ટેશન દર્શાવ્યું છે, જો કે આ બીમારીમાં વિશ્વ આખુ ગોટે ચઢ્યું છે. લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટેના પ્રયાસો હાથ ધરવા જોઈએ. ખાસ કરીને ’નાસ’ લેવો ખૂબ જ ફાયદાકારક છે. તે માટે પ્રયાસો કરવા હિતાવહ છે. તેમણે આરોગ્ય કામગીરીના વખાણ કર્યા હતાં. ક્ધટેનમેન્ટ ઝોન પાસેના વેરીકેટ પાસે તેના પૂર્ણ થવાની તારીખ લખતું બોર્ડ લગાવવું જોઈએ. સત્તાધારી પક્ષના અને સિનિયર નગર સેવક પ્રવિણભાઈ માડમએ કમિશનર અને તેની ટીમના ભરપૂર વખાણ કર્યા હતાં અને સફાઈ કામદારોને સાચા વોરિયર્સ ગણાવ્યા હતાં. સભાની શરૃઆતમાં મ્યુનિ. કમિશનર દ્વારા અત્યાર સુધીમાં થયેલી કામગીરીનો ચિતાર આપતું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું જેમાં આરોગ્ય કર્મચારીઓને ફ્રન્ટ લેવલના વોરિયર્સ ગણાવ્યા હતાં.
મહાનગરપાલિકા રાઉન ધી ક્લોક કામગીરી કરી રહી છે. બહારગામથી લોકો આવતા કેસોની સંખ્યા વધી છે. ધનંવતરી રથની સેવા ચાલું છે. આરોગ્ય વર્ધક ઉકાળા, સમસમવટી ગોળી વિતરણ પણ થઈ રહ્યું છે. રાજ્યની આઠ મહાનગરપાલિકામાં જામનગરનો છેક સાતમો નંબર છે. એટલે કે અન્ય જિલ્લામાં કેસોની સંખ્યા વધુ છે. તેમણે ચોંકાવારી વિગત આપતા કહ્યું હતું કે, ર૧ થી ૩૦ વર્ષના યુવા વર્ગને પણ આ બીમારી જોવા મળી રહી છે. આથી યુવાનોએ ટોળે વળવું નહીં. જરૃર વગર બહાર નીકળવું નહીં. જામનગર મહાનગરપાલિકાની આજની સામાન્ય સભામાં વિપક્ષના તમામ સભ્યો પીપીઈ કીટ પહેરીને આવ્યા હતાં અને આ બીમારી અંગેની ગંભીરતાને દર્શાવવા પ્રયત્ન કર્યા હતાં.
મ્યુ. કમિશનર શું કહે છે?
કમિશનરે જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વ વાઈરસ સામે લડી રહ્યું છે. ડબલ્યુએચઓ એ પબ્લિક હેલ્થ ઈમરજન્સી જાહેર કરી છે. આ રોગ ચીનથી શરૃ થયો હતો. જે સીફૂડ ખાવાથી થયો છે. જામનગરમાં લોકોનું સ્ક્રીનીંગ, રાઈટના અલગ અલગ વિસ્તારમાં ડિસ્ઈન્ફેશન કામગીરી, હવા છંટકાવ, વગેરે કામગીરીનો ચિતાર આપતા જણાવ્યું હતું કે, જામનગરમાં આ રોગનું પ્રમાણ અંકુશમાં છે. લોકોના સ્પર્શથી, છીંક ખાવાથી કોરોના ફેલાઈ છે. આ માટે સાવચેતી ખૂબ જ જરૃરી છે. વુદ્ધો, બાળકો, બીમાર, ઘરમાં જ રહે તે જરૃરી છે. આ માટે ગભરાટ નહીં સતર્કતા જરૃરી છે.