- રાજકોટ ગ્રામ્ય, જામનગર, દ્વારકા, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં પોલીસની કામગીરીનો રિપોર્ટ જાહેર કરતા રેન્જ આઇજી અશોક યાદવ
આગામી લોકસભા 2024 ની ચૂટંણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને મતદારો નિર્ભય,ખુલ્લા મને મતદાન કરી શકે તેમજ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે રાજકોટ રેન્જ વડા અશોક કુમાર યાદવ દ્વારા રાજકોટ ગ્રામ્ય, મોરબી ,સુરેન્દ્રનગર, જામનગર, અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આચારસંહિતા લાગુ પડી ત્યારથી જ આગોતરૂ આયોજન કરી સમગ્ર રેન્જના પોલીસ અધિક્ષક તેમજ અધિકારીઓ અને કર્મચારીઓને દારૂ-જુગાર સહિતની બદ્દી ડામવા સૂચના અપાયા બાદ ગત તા. 16 માર્ચથી રાજકોટ ગ્રામ્ય, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં ચુંટણીલક્ષી કામગીરીનું આગોતરું આયોજન કરી સમગ્ર રેન્જના અલગ અલગ જિલ્લાના પોલીસ વડાઓને સૂચના આપી સમગ્ર રેન્જમાં ચૂંટણી સંદર્ભે કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખી છેલ્લા એક માસમાં નોંધનીય કામગીરી હાથ ધરવામાં આવી છે. ફકત એક માસના સમયગાળામાં રેન્જના પાંચ જિલ્લામાં રૂ. 3.64 કરોડનો દારૂ ઝડપી લેવામાં આવ્યો છે. ઉપરાંત 47 હજાર ગુનેગારોના અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે.
રાજકોટ રેન્જ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા સહીત પાંચ જિલ્લાઓમાં ચુંટણી સંદર્ભે 47,265 અટકાયતી પગલાઓ લેવામાં આવેલ છે. જેમાં 228 આરોપીને પાસા હેઠળ ધકેલાયા છે અને 449 આરોપીઓને તડીપાર- હદપાર કરવામાં આવ્યા છે.
રાજકોટ રેન્જના પાંચ જિલ્લાઓમાં આચારસંહિતા બાદ કુલ 4056 નોનબેલેબલ વોરંટોની બજવણી કરવામાં આવેલ છે. કુલ વોરંટોના 80% બજવણી થઈ છે અને બાકી રહેલ વોરંટોની બજવણી પ્રકિયા ચાલુ છે.
રાજકોટ રેન્જના પાંચ જિલ્લામાં આર્મ્સ એક્ટના 20 કેસો કરવામાં આવેલ છે અને 8 કાર્ટીસ કબ્જે કરવામાં આવ્યા છે.
રેન્જના જિલ્લાઓમાં ભારતીય બનાવટના દેશી-વિદેશીદારૂના 3129 કેસો કરી 3,64,14,491 રૂ.નો દેશી-વિદેશી દારૂ અને 3,69,03,909 રૂ.નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
રાજકોટ રેન્જ હસ્તકના પાંચ જિલ્લાઓમાં 8080 લાયસન્સ હથીયારો આવેલા છે. જે પૈકી 8065 પરવાનાવાળા હથીયારો જમા લેવાયા છે. ચુંટણી લક્ષી આચાર સંહિતા અમલવારીમાં રાજકોટ રેન્જના પાંચ જિલ્લાઓમાં નાસ્તા ફરતા 39 ગુનેગારોને ઝડપી લેવામાં આવ્યા છે.
ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ ધ્યાને આવે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા આહવાન
સોશીયલ મીડીયા જેવાકે વોટ્સઅપ, ઇન્સટાગ્રામ, ફેસબુક, ટવીટર વિગેરે ઉપર કોઇ પણ જાતની ધાર્મિક લાગણી દુભાય તેવી કોઇ પોસ્ટ, ઓડીયો કે વિડીયો આપના ધ્યાન ઉપર આવે તો તુરંતજ આપની નજીકના સાયબર સેલ અથવા ક્ધટ્રોલ રૂમ ખાતે તાત્કાલીક જાણ કરવા અપીલ કરવામાં આવી છે.
લોકસભા ચૂંટણી અનુસંધાને જાહેર જનતા જોગ પોલીસની અપીલ
આગામી લોકસભા ચુંટણી શાંતીમય રીતે તટસ્થ અને નિષ્પક્ષ રીતે યોજાઇ અને આર્દશ આચાર સંહિતાનુ અમલીકરણ થાય તે હેતુસર જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે કોઇ પણ જાતની ખોટી અફવાઓ ઉપર ધ્યાન આપવુ નહીં. આવી અફવાઓની જાણકારી મળતા તુરંત જ પોલીસ કંટ્રોલરૂમ 100 નંબરને માહિતગાર કરવી.